Jharkhand Air Ambulance Crash | ઝારખંડમાં એક મોટી વિમાન દુર્ઘટના (Plane Crash) સર્જાઈ છે. રાંચી (Ranchi) થી દિલ્હી (Delhi) જઈ રહેલી એક એર એમ્બ્યુલન્સ ચતરા (Chatra) જિલ્લામાં ક્રેશ થઈ છે. આ કરૂણ ઘટનામાં વિમાનમાં સવાર તમામ 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.
રેડબર્ડ એરવેઝ પ્રાઈવેટ લિમિટેડ (Redbird Airways Pvt Ltd) ના આ વિમાને રાંચી એરપોર્ટથી સાંજે 7.11 વાગ્યે ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાના થોડા જ સમયમાં વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો અને તે સિમરિયા (Simaria) વિસ્તારના બરિયાતુમાં તૂટી પડ્યું હતું. ચતરાના ડેપ્યુટી કમિશનરે (Deputy Commissioner) પુષ્ટિ કરી છે કે સાંજે 7.30 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો.
દર્દીને સારવાર માટે દિલ્હી લઈ જવામાં આવી રહ્યા હતા
આ વિમાનમાં સંજય કુમાર નામના એક દર્દીને વધુ સારવાર માટે દિલ્હી લઈ જવામાં આવી રહ્યા હતા. આ દર્દી 65% જેટલા દાઝી ગયા હોવાથી રાંચીની દેવકમલ હોસ્પિટલ (Devkamal Hospital) માંથી તેમને એર લિફ્ટ (Air Lift) કરવામાં આવ્યા હતા. કમનસીબે, હોસ્પિટલ પહોંચતા પહેલા જ વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું.
ખરાબ વાતાવરણ અને રૂટ બદલવાની વિનંતી
રાંચી એરપોર્ટના ડાયરેક્ટર (Airport Director) વિનોદ કુમારના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ ખરાબ વાતાવરણ (Bad Weather) આ અકસ્માતનું મુખ્ય કારણ હોઈ શકે છે. દુર્ઘટના પહેલા પાયલોટે (Pilot) ખરાબ હવામાનને કારણે રૂટ (Route) બદલવાની પરવાનગી માંગી હતી. પાયલોટે આ અંગે કોલકાતા (Kolkata) ATC ને વિનંતી કરી હતી. પરંતુ સાંજે 7.34 વાગ્યે સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો અને વિમાન ક્રેશ થઈ ગયું.
એવિએશન સુરક્ષા પર સવાલો :
તાજેતરમાં જ મહારાષ્ટ્રના બારામતી (Baramati) માં પણ વિમાન દુર્ઘટના બની હતી. સતત બની રહેલી આવી ઘટનાઓથી ભારતની એવિએશન સુરક્ષા (Aviation Safety) સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. હાલમાં તમામ 7 મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે.
