ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ તેના મહત્વકાંક્ષી માનવ અવકાશ મિશન ‘ગગનયાન’ (Gaganyaan) ના અંતરિક્ષ યાત્રીઓની સુરક્ષા અને માનસિક મજબૂતી ચકાસવા માટે ‘મિશન મિત્ર’ (Mission Mitra) લોન્ચ કર્યું છે. શુક્રવારે ઈસરો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ મિશનનો અમલ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના લેહ (Leh) ખાતે 2 થી 9 April, 2026 દરમિયાન કરવામાં આવ્યો છે.
ઈસરોના અધ્યક્ષ વી. નારાયણન દ્વારા લોન્ચ કરાયેલા આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય અવકાશમાં જનારા ક્રૂ મેમ્બર્સ (Crew Members) ની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. ‘મિશન મિત્ર’ એ પોતાની રીતે એક અનોખો ટીમ બિહેવિયર સ્ટડી (Team Behavior Study) છે. આ મિશન ઈસરો અને ભારતીય વાયુસેના (Indian Air Force) ની એરોસ્પેસ મેડિસિન સંસ્થા (Institute of Aerospace Medicine) દ્વારા સંયુક્ત રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
પડકારજનક પરિસ્થિતિઓમાં પરીક્ષણ:
લદ્દાખનો ઉચ્ચ ઊંચાઈ ધરાવતો વિસ્તાર, જ્યાં ઓક્સિજન (Oxygen) નું પ્રમાણ ઓછું હોય છે અને તાપમાન હાડ થીજવતી ઠંડી જેવું હોય છે, તે અવકાશના વાતાવરણ સાથે ઘણું મળતું આવે છે. આ એનાલોગ મિશન (Analog Mission) દ્વારા એ સમજવાનો પ્રયાસ કરવામાં આવશે કે ગંભીર પરિસ્થિતિઓમાં ગગનયાત્રીઓનું શારીરિક, મનોવૈજ્ઞાનિક (Psychological) અને કાર્યકારી ગતિશીલતા કેવી રહે છે.
ઈસરોએ જણાવ્યું હતું કે, કોઈપણ માનવ અવકાશ મિશનમાં ક્રૂની અસરકારક સંચાર ક્ષમતા (Communication), તણાવ સામે લડવાની શક્તિ અને એકબીજાને ટેકો આપવાની ભાવના મિશનની સફળતા નક્કી કરે છે. આથી, અવકાશ જેવા પડકારજનક વાતાવરણમાં મોકલતા પહેલા ગગનયાત્રીઓની સહનશક્તિ અને માનસિક સ્થિતિની આકરી કસોટી કરવામાં આવી રહી છે.
