Gujarat Monsoon 2026 | ગુજરાતમાં આ વર્ષે ચોમાસું (Monsoon) થોડું મોડું પડ્યું છે, પરંતુ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતાં જ રાજ્યના વિવિધ ભાગોમાં ધમાકેદાર વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 29 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં નોંધાયા છે. જેમાં વલસાડનું ઉંબરગામ 4.33 ઇંચ વરસાદ સાથે મોખરે રહ્યું છે, જ્યારે ડાંગના આહવામાં 3.07 ઇંચ અને રાજકોટના ગોંડલમાં 2.13 ઇંચ વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગની નાઉકાસ્ટ આગાહી અનુસાર, આગામી 3 કલાક માટે તાપી અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
આ સમયગાળા દરમિયાન આ વિસ્તારોમાં 62 થી 87 કિમી પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાવાની શક્યતા છે. આ ઉપરાંત ડાંગ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં આવ્યું છે. આજે સવારના બે કલાકમાં જ નર્મદાના સાગબારામાં 1.77 ઇંચ અને ડાંગના સુબિરમાં 1.57 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
મહારાષ્ટ્રમાં અટકેલા ચોમાસા (Monsoon)એ હવે જોર પકડ્યું છે અને તે 23 જૂન 2026ના રોજ મુંબઈ સહિતના વિસ્તારોને આવરીને ગુજરાતની સરહદે પહોંચી ગયું છે. હવામાન વિભાગના મોન્સૂન ટ્રેક અનુસાર, આગામી 24 થી 48 કલાકમાં ચોમાસું ગુજરાતમાં સત્તાવાર રીતે દસ્તક આપશે.
આજે 24 જૂન 2026ના રોજ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. સુરત અને વડોદરામાં ભારે પવન સાથે મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યાં મહત્તમ તાપમાન અનુક્રમે 35 ડિગ્રી અને 38 ડિગ્રી રહેશે.
બીજી તરફ, આગામી 5 દિવસ એટલે કે 27 જૂન 2026 સુધી ગુજરાતના તમામ બંદરો (જખૌથી પોરબંદર અને મુળદ્વારકાથી દમણ) પર 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે, જે વધીને 60 કિમી સુધી પહોંચવાની આશંકા છે.
દરિયામાં ઊંચા મોજા ઉછળવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપવામાં આવી છે. હાલમાં ઉત્તર રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી 2 મુખ્ય લો-પ્રેશર ટ્રફ અને 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી આગામી 25 થી 29 જૂન દરમિયાન પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેશે.
