
નવી દિલ્હી: ભારતીય ખેતીને આધુનિક, સસ્તી અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. દેશમાં પ્રથમ વખત ઇલેક્ટ્રિક કૃષિ ટ્રેક્ટરો માટે ‘ભારતીય માનક’ (Indian Standards) જાહેર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની ક્ષમતા અને સુરક્ષા ચકાસવા માટે કોઈ ચોક્કસ માપદંડ નહોતા, પરંતુ હવે BIS (Bureau of Indian Standards) દ્વારા નક્કી કરાયેલા ધોરણોને કારણે ખેડૂતો સાથે છેતરપિંડી થવાની શક્યતા નહિવત્ થઈ જશે.
શું છે આ નવો ‘IS 19262:2025’ સ્ટાન્ડર્ડ?
કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ નવી દિલ્હીમાં IS 19262:2025 ‘ઇલેક્ટ્રિક કૃષિ ટ્રેક્ટર – પરીક્ષણ સંહિતા’ નું વિમોચન કર્યું હતું. આ નવા માનક હેઠળ:
-
ઇલેક્ટ્રિક ટ્રેક્ટરોની તાકાત (PTO Power), ટ્રોલી ખેંચવાની ક્ષમતા અને બેટરીની ગુણવત્તાનું વૈજ્ઞાનિક પદ્ધતિથી પરીક્ષણ કરવામાં આવશે.
-
કંપનીઓના કાગળ પરના દાવાઓ હવે જમીન પર કેટલા સાચા છે, તેની ચોક્કસ માહિતી ખેડૂતોને મળી શકશે.
-
ટ્રેક્ટરની મોટર, બેટરી અને અન્ય સ્પેરપાર્ટ્સની સુરક્ષાના કડક નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
ડીઝલના ખર્ચમાંથી મળશે મુક્તિ
વધતા જતા ડીઝલના ભાવને કારણે ખેતીનો ખર્ચ સતત વધી રહ્યો છે. ઇલેક્ટ્રિક ટ્રેક્ટર આ ખર્ચ ઘટાડવામાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. જો ખેડૂતો સોલર પેનલ કે સસ્તી વીજળીનો ઉપયોગ કરે, તો ખેતીના ખર્ચમાં ધરખમ ઘટાડો થશે. વધુમાં, ઇલેક્ટ્રિક ટ્રેક્ટરમાં ડીઝલ એન્જિનની સરખામણીએ પાર્ટ્સ ઓછા હોવાથી તેના મેન્ટેનન્સ (રખરખાવ) નો ખર્ચ પણ ઘણો ઓછો આવે છે.
પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
ઇલેક્ટ્રિક ટ્રેક્ટરો અવાજ પ્રદૂષણ ફેલાવતા નથી અને તેમાંથી ધુમાડો નીકળતો નથી. આ કારણે ખેતરમાં કામ કરતા ખેડૂતોના સ્વાસ્થ્ય માટે પણ તે શ્રેષ્ઠ છે. ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેના જણાવ્યા મુજબ, આ પહેલથી ભારતમાં ઇલેક્ટ્રિક ટ્રેક્ટરોનું વેચાણ વધશે અને ખેતીમાં મોટું પરિવર્તન આવશે.
અત્યાર સુધી કંપનીઓ ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની શક્તિ અંગે મનસ્વી દાવા કરતી હતી, પરંતુ હવે BIS ના સિક્કા સાથે ખેડૂતોને પૂરી સુરક્ષા અને ભરોસો મળશે. ખેતી હવે માત્ર સ્માર્ટ જ નહીં, પણ ખિસ્સાને પરવડે તેવી પણ બનશે.
