15 જુલાિઇથી અમલમાં આવેલ ભારત-યુનાઈટેડ કિંગડમ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA)
15 જુલાઈ 2026ના રોજ અમલમાં આવનાર ભારત-યુનાઈટેડ કિંગડમ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA), માત્ર ટેરિફ (આયાત જકાત) ઘટાડવાના કરાર કરતાં ઘણો વિશેષ છે. આ એક વ્યૂહાત્મક આર્થિક ભાગીદારી છે જે વેપારને વધુ ગાઢ બનાવવા, રોકાણ આકર્ષવા, ટેકનોલોજી સહયોગને પ્રોત્સાહન આપવા અને કુશળ વ્યાવસાયિકોની ગતિશીલતાને સરળ બનાવવાનું વચન આપે છે. વધુ મહત્ત્વની વાત એ છે કે, તે વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓ (ગ્લોબલ વેલ્યુ ચેઇન્સ) સાથે ભારતના વધતા જોડાણનો સંકેત આપે છે, અને આ તકને ઝડપી લેવા માટે ગુજરાત કરતાં અન્ય કોઈ રાજ્ય વધુ સારી સ્થિતિમાં નથી.

ઇતિહાસ આપણને શીખવે છે કે દરેક મોટા આર્થિક પરિવર્તનો વૈશ્વિક ઉત્પાદનના નવા કેન્દ્રોનું નિર્માણ કરે છે. જાપાને 1960ના દાયકામાં ઔદ્યોગિક પુનરુત્થાનનું નેતૃત્વ કર્યું, દક્ષિણ કોરિયા 1980ના દાયકાનો ઉત્પાદન ચમત્કાર બન્યો, ચીને 1990ના દાયકામાં વૈશ્વિક ઉત્પાદનમાં ક્રાંતિ લાવી, અને વિયેતનામ છેલ્લા દાયકામાં એક પસંદગીના સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. આજે, જ્યારે વિશ્વ ‘ચાઇના પ્લસ વન (China+1)’ વ્યૂહરચના અપનાવી રહ્યું છે, ત્યારે ભારત પણ આવી જ એક તકના ઉંબરે ઊભું છે. ભારતમાં, આ પરિવર્તનનું નેતૃત્વ કરવા માટે ગુજરાત પાસે કદાચ માળખાગત સુવિધાઓ, ઉદ્યોગસાહસિકતા, નીતિગત સ્થિરતા અને ઔદ્યોગિક ક્ષમતાનું સૌથી મજબૂત સંયોજન છે.
આનાથી વધુ સાનુકૂળ સમય બીજો કોઈ હોઈ શકે નહીં. CETA ભારતીય નિકાસકારોને UKમાં લગભગ 99 ટકા ટેરિફ લાઈનો માટે ડ્યુટી-ફ્રી (કરમુક્ત) ઍક્સેસ પ્રદાન કરે છે, જે ભારતીય ઉત્પાદનો માટે વિશ્વના સૌથી અત્યાધુનિક ગ્રાહક બજારોમાંનું એક ખોલે છે. આ સાથે જોડાયેલ ‘ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન’ પાત્ર ભારતીય વ્યાવસાયિકો માટે UKના સામાજિક સુરક્ષા યોગદાનમાંથી મુક્તિને ત્રણથી વધારીને પાંચ વર્ષ કરે છે, જે વિદેશી પ્રોજેક્ટ્સને વધુ આકર્ષક બનાવે છે અને ભારતની સેવાઓની નિકાસને મજબૂત કરે છે.
