BRICS Summit 2026 | નવી દિલ્હી (New Delhi) માં આયોજિત BRICS Summit 2026 માં ભાગ લેવા પહોંચેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) એ પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધો (Sanctions) ની ભારે ટીકા કરી છે.
BRICS Business Forum ને સંબોધિત કરતા પુતિને આ તમામ બેન (Ban) ને અયોગ્ય ગણાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે 30,000 થી વધુ પ્રતિબંધો સહન કર્યા પછી પણ રશિયાનું અર્થતંત્ર (Russian Economy) ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે.
પુતિને જણાવ્યું હતું કે મોસ્કો (Moscow) પર લાદવામાં આવેલા 30,000 થી વધુ બેન અન્ય તમામ દેશો પર મૂકવામાં આવેલા કુલ પ્રતિબંધો કરતા બમણા છે.
તેમણે આરોપ લગાવ્યો કે પશ્ચિમી પ્રતિસ્પર્ધીઓ દ્વારા ટ્રાન્સપોર્ટેશન રૂટ્સ (Transportation Routes) અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastructure) ને નુકસાન પહોંચાડવાના ખોટા ઉપાયો અપનાવવામાં આવ્યા છે. આ સિવાય સપ્લાય ચેઈન (Supply Chain) ને અવરોધવા માટે પણ પ્રયાસો કરવામાં આવ્યા છે.
આટલા દબાણ છતાં, રશિયન અર્થતંત્રનો આર્થિક વિકાસ દર (Economic Growth) છેલ્લા 3 વર્ષમાં વૈશ્વિક સરેરાશ કરતા વધારે રહ્યો છે. છેલ્લા 4 વર્ષમાં દેશની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા છે અને પશ્ચિમી દેશોના આર્થિક દબાણ સામે તે વધુ મજબૂત બનીને ઉભરી છે.
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2026માં યુએસ સિનેટ દ્વારા સંકલિત પ્રતિબંધો કાયદો પસાર કરવામાં આવ્યો હતો, જે રશિયન નાણાકીય સંસ્થાઓ અને લશ્કરી ક્ષેત્રને લક્ષ્ય બનાવે છે.
પુતિને વધુમાં ઉમેર્યું કે BRICS અને પશ્ચિમી અર્થતંત્રો વચ્ચેની સ્પર્ધા હવે વધુ ટકરાવપૂર્ણ બની રહી છે. પશ્ચિમી દેશો દ્વારા પાઇપલાઇન્સ (Pipelines) ને નુકસાન પહોંચાડવું, આંતરરાષ્ટ્રીય પરિવહન કોરિડોર (International Transport Corridors) રોકવા અને સમુદ્રી જહાજોને જપ્ત કરવા જેવી ઘટનાઓ અયોગ્ય સ્પર્ધા દર્શાવે છે.
જોકે, રશિયાએ પોતાના રાજકીય અને આર્થિક લચીલાપણાના આધારે આ તમામ પડકારોનો યોગ્ય જવાબ આપ્યો છે. BRICS ના મંચ પરથી પુતિને સ્પષ્ટ કર્યું કે રશિયા વિશ્વના અન્ય દેશો સાથે પોતાના વ્યાપારી સંબંધો વધુ મજબૂત બનાવવાનું ચાલુ રાખશે.
