
સુપ્રીમ કોર્ટે વર્ષ 2024માં ઇલેક્ટોરલ બોન્ડ યોજનાને અસંવિધાનિક ઠેરવી બંધ કરી હોવા છતાં, સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)ને નાણાકીય વર્ષ 2024–25 દરમિયાન રેકોર્ડ સ્તરે દાન મળ્યું છે. ચૂંટણી પંચમાં દાખલ કરાયેલી કન્ટ્રીબ્યુશન રિપોર્ટ મુજબ BJPને આ વર્ષે કુલ 6,088 કરોડ રૂપિયાનું ભંડોળ મળ્યું છે, જે ગયા વર્ષ 2023–24ના 3,967 કરોડ રૂપિયાની સરખામણીમાં લગભગ 53 ટકા વધુ છે.
રિપોર્ટ મુજબ, BJPને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસની તુલનામાં 12 ગણું વધારે દાન મળ્યું છે. કોંગ્રેસને આ નાણાકીય વર્ષમાં 522 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું, જ્યારે કોંગ્રેસ સહિતની લગભગ એક ડઝન વિરોધ પક્ષોને મળીને કુલ 1,343 કરોડ રૂપિયાનું જ ભંડોળ મળ્યું છે. એટલે કે, તમામ વિરોધ પક્ષોના કુલ દાન કરતા પણ પાંચ ગણું વધુ ફંડ BJPને એકલાએ મળ્યું છે.
ઇલેક્ટોરલ બોન્ડ બંધ થયા બાદ પણ ઇલેક્ટોરલ ટ્રસ્ટ્સ મારફતે રાજકીય પક્ષોને મોટાપાયે દાન મળ્યું છે. 2024–25માં ઇલેક્ટોરલ ટ્રસ્ટ્સ દ્વારા કુલ 3,811 કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું, જેમાંથી એકલાએ BJPને 3,112 કરોડ રૂપિયા મળ્યા છે, જે કુલ દાનનો આશરે 82 ટકા હિસ્સો છે.
આ જ સમયગાળામાં કોંગ્રેસને ઇલેક્ટોરલ ટ્રસ્ટ્સ પાસેથી 299 કરોડ રૂપિયા મળ્યા, જ્યારે બાકી તમામ પક્ષોમાં લગભગ 400 કરોડ રૂપિયા વહેંચાયા.
ચૂંટણી પંચમાં રજૂ થયેલી આ રિપોર્ટ મુજબ, કુલ 12માંથી 9 ઇલેક્ટોરલ ટ્રસ્ટ્સે પોતાની કન્ટ્રીબ્યુશન વિગતો જમા કરાવી છે, જે દર્શાવે છે કે કોર્પોરેટ ફંડિંગમાં BJPનું પ્રભુત્વ યથાવત્ છે.
