ડેલાસ/ફોર્ટ વર્થ વિસ્તારના 500 થી વધુ લોકો જોડાયા હતાં

9 માર્ચ, 2024ના દિને, બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, ડેલાસ, ટેક્સાસ,ના સહયોગથી હ્યુસ્ટનમાં સ્થિત ભારતીય દૂતાવાસે સફળતાપૂર્વક શિબિરનું આયોજન કર્યું હતું. એમાં ડેલાસ/ફોર્ટ વર્થ વિસ્તારના 500 થી વધુ લોકો જોડાયા હતાં. આ કાર્યક્રમથી ભારતીયોને પાસપોર્ટ રિન્યુઅલ, વિઝા સહાય અને વિવિધ દસ્તાવેજીકરણ સેવાઓ સહિતની મહત્વપૂર્ણ દૂતાવાસમાં જ મળતી સેવાઓ સુલભરીતે ઉપલબ્ધ થઇ હતી.

શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય હતો, સમાજને આવશ્યક દૂતાવાસ વેરિફિકેશન અને અન્ય સેવાઓનો લાભ લેવો સરળ બને. સહભાગીઓએ શિબિરની વ્યાપક પ્રશંસા કરી હતી. જેમણે વિવિધ સેવાઓનો લાભ લીધો હતો તેમણે કાર્યક્ષમતા અને સગવડ માટે આભાર વ્યક્ત કર્યો હતો. ઘણા ઉપસ્થિતોએ પણ વિસ્તૃત સમર્થન કરતાં સમગ્ર શિબિરમાં સ્વયંસેવકો અને આયોજકોના ઉષ્માભર્યા આતિથ્યની પ્રશંસા કરી હતી.

હ્યુસ્ટન દૂતાવાસના મુખ્ય રાજદૂત શ્રી ડીસી મંજુનાથે જણાવ્યું હતું કે, “દૂતાવાસને આવી રીતે સમુદાયના ઘરઆંગણે લાવવા માટે બીએપીએસના સહયોગથી સમગ્ર દૂતાવાસ આનંદિત છે. આવશ્યક સુવિધાઓ સમાજને ઘર આંગણે લાવવામાં આવાં કાર્યક્રમો જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.”

શિબિરના એક સ્વયંસેવક શ્રી હેમલ પટેલે જણાવ્યું હતું કે, “આવી અર્થપૂર્ણ અને પ્રભાવશાળી શિબિરનું ભારતીય દૂતાવાસના સહયોગથી આયોજન કરવાનો અમને આનંદ છે. સદૈવ સમુદાયની સેવા અને શક્ય એટલું સમર્થન આપવાનું અમારું ધ્યેય છે. દૂતાવાસ શિબિર દ્વારા અમને અમારા સાથી સમુદાયના સભ્યોને મૂલ્યવાન સેવાઓ અને સહાય આપવાની તક મળી. એ દ્વારા અમે અમારા ધ્યેયને જ પૂરું કરી શક્યાં.”
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા સ્થાનિકોની સેવા અને સશક્તિકરણ માટે સમર્પિત છે. સંસ્થા ભવિષ્યમાં પણ આવા આયોજનો દ્વારા બહુમૂલ્ય સેવા અને સહયોગ કરતી રહેશે.
