Anshul Kuncha Murder | અમેરિકાના ફિલાડેલ્ફિયા (Philadelphia)માં એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ડ્રેક્સેલ યુનિવર્સિટીના (Drexel University) ગ્રેજ્યુએટ અને ડેટા એનાલિસ્ટ (Data Analyst) તરીકે કામ કરતા 28 વર્ષીય ભારતીય મૂળના યુવાન અંશુલ કુંચાની (Anshul Kuncha) પિઝા ડિલિવરી દરમિયાન ઘાતકી હત્યા કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ હત્યા એક પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે લૂંટના ઈરાદે કરવામાં આવી હતી. મૂળ તેલંગાણાના મેડચલ-મલકાજગિરી જિલ્લાના વતની અંશુલ કુંચા ઉચ્ચ શિક્ષણ માટે 2023 માં USA આવ્યા હતા. તેમણે 2024 માં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું અને વોરમિન્સ્ટરમાં ડેટા એનાલિસ્ટ તરીકે નોકરી શરૂ કરી હતી. તેઓ પોતાની વધારાની આવક માટે વીકએન્ડમાં (Weekends) પિઝા ડિલિવરીનું કામ કરતા હતા.
5 જૂનના રોજ નોર્થ ફિલાડેલ્ફિયામાં આવેલા એક ખાલી એપાર્ટમેન્ટમાં નકલી પિઝા ઓર્ડર (Fake Pizza Order) આપીને અંશુલને બોલાવવામાં આવ્યો હતો. અંશુલ જ્યારે ઓર્ડર પૂરો કરીને પાછો ફરી રહ્યો હતો, ત્યારે તેને ઘેરી લેવામાં આવ્યો હતો અને માથાના પાછળના ભાગમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
આ કેસમાં એફબીઆઈ (FBI) અને સત્તાવાળાઓએ 10 જુલાઈના રોજ 14 વર્ષના એક સગીર આરોપી સિન્સિયર કેમ્પ્સની (Sincere Camps) ધરપકડ કરી છે. તેના પર મર્ડર (Murder), રોબરી (Robbery), અને ગેરકાયદે હથિયાર રાખવાના ગંભીર ચાર્જ લગાવાયા છે.
સીસીટીવી ફૂટેજમાં (Surveillance Footage) બે શંકાસ્પદ વ્યક્તિઓ દેખાયા હતા, જેમાંથી એકની ધરપકડ થઈ છે અને બીજા સાથીદારની શોધખોળ ચાલુ છે. ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલ (Consulate General of India) અંશુલના પાર્થિવ દેહને ભારત લાવવા માટે (Repatriation) પરિવાર સાથે સંપર્કમાં છે. આ ઘટનાથી અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા પર ફરી સવાલો ઊભા થયા છે.
