Abraham Accords | અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મિડલ ઇસ્ટ (Middle East) માં શાંતિ સ્થાપવા અને ઈઝરાયલ (Israel) સાથે સંબંધો સામાન્ય બનાવવા માટે ફરી એકવાર મોટો દાવ ખેલ્યો છે. ટ્રમ્પે ખાડી દેશો અને અન્ય મુસ્લિમ રાષ્ટ્રો પર ‘અબ્રાહમ એકોર્ડ્સ’ (Abraham Accords) માં જોડાવા માટે રાજદ્વારી દબાણ ખૂબ જ વધારી દીધું છે.
ટ્રમ્પે ખુલ્લી ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે ઈરાન (Iran) સાથેની કોઈપણ સંભવિત ડીલ અથવા મધ્ય પૂર્વના વિવાદોનો અંત લાવવાના અમેરિકાના પ્રયાસો ત્યારે જ આગળ વધશે, જ્યારે સાઉદી અરેબિયા, કતાર, પાકિસ્તાન, ઇજિપ્ત અને તૂર્કીયે જેવા દેશો સત્તાવાર રીતે આ ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરશે.
તાજેતરમાં વોશિંગ્ટન (Washington) માં યોજાયેલી એક મહત્વની કેબિનેટ બેઠક દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે આકરા તેવર બતાવ્યા હતા. તેમણે રોકડા પરખાવતા જણાવ્યું હતું કે, સાઉદી અરેબિયા અને કતાર સહિતના દેશોએ તાત્કાલિક અબ્રાહમ એકોર્ડ્સ પર સહી કરવી જોઈએ.
ટ્રમ્પે ઉમેર્યું કે, “સાચું કહું તો, આ દેશો ભૂતકાળની મદદના કારણે આપણા ઋણી (Debtors) છે અને તેમણે આ વૈશ્વિક શાંતિ માટે આગળ આવવું જ પડશે. જો આ દેશો આ શાંતિ ફ્રેમવર્કમાં જોડાશે તો તે ઇતિહાસની સૌથી મોટી ઘટના બનશે.”
તેમણે ચેતવણી આપી કે જો ખાડી દેશો આમાં જોડાવાનો ઇનકાર કરશે, તો અમેરિકા મિડલ ઇસ્ટમાં શાંતિ સ્થાપવાના પોતાના તમામ પ્રયાસો પર ફરીથી વિચાર કરી શકે છે. ટ્રમ્પે તેમના ખાસ દૂત સ્ટીવ વિટકોફ (Steve Witkoff) અને જમાઈ જેરેડ કુશનર (Jared Kushner) ને આ પ્રોજેક્ટ પર દેશોને મનાવવાની મોટી જવાબદારી સોંપી છે.
અબ્રાહમ એકોર્ડ્સની શરૂઆત વર્ષ 2020 માં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન અમેરિકાની મધ્યસ્થતાથી થઈ હતી. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય ઈઝરાયલ અને આરબ તેમજ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો વચ્ચે રાજદ્વારી, આર્થિક અને તકનીકી સંબંધોને સામાન્ય બનાવવાનો છે.
અગાઉ UAE, બહેરીન, મોરોક્કો અને સુદાન આ કરાર પર હસ્તાક્ષર કરી ચૂક્યા છે. જોકે, વર્તમાન સમયમાં ટ્રમ્પ ગમે તેટલું દબાણ કરે, પરંતુ ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ (Geopolitics) જોતાં આ મુસ્લિમ દેશો માટે આ કરાર પર સહી કરવી એટલી સરળ નથી.
સાઉદી અરેબિયાએ વારંવાર સ્પષ્ટ કર્યું છે કે ઈઝરાયલ સાથે સંબંધો સામાન્ય કરવા માટે પેલેસ્ટાઇન (Palestine) ને અલગ દેશનો દરજ્જો આપવા તરફ ગંભીર પ્રગતિ થવી અનિવાર્ય છે, જે ગાજા યુદ્ધ (Gaza War) બાદ અટકી પડી છે.
બીજી તરફ, પાકિસ્તાને ઈઝરાયલ સાથે કોઈપણ પ્રકારના સંબંધો સ્થાપવાની શક્યતાઓનો પહેલેથી જ સત્તાવાર રીતે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. કતાર હંમેશા પ્રાદેશિક વિવાદોમાં તટસ્થ મધ્યસ્થ (Neutral Mediator) તરીકે કામ કરે છે અને તેના હમાસ સાથે પણ સંબંધો છે, જેથી તેનું તાત્કાલિક જોડાવું મુશ્કેલ છે.
આ બધા વચ્ચે ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર ઈરાનને પણ આ ગઠબંધનનો ભાગ બનવા આમંત્રણ આપીને સૌને ચોંકાવી દીધા છે, જોકે ઈઝરાયલનો વિરોધ એ ઇરાનની સત્તાવાર વ્યૂહનીતિનો મુખ્ય પાયો હોવાથી આ બાબત હાલ માત્ર કાલ્પનિક જણાય છે.
