US Returned Indian Ancient Idols | ભારતની સાંસ્કૃતિક ધરોહરને પરત લાવવાના પ્રયાસોમાં મોટી સફળતા મળી છે. અમેરિકાએ ભારતને અંદાજે 120 કરોડ રૂપિયા ($14 Million) થી વધુની કિંમતની 657 જેટલી દુર્લભ અને પ્રાચીન મૂર્તિઓ પરત કરી છે.
આ અમૂલ્ય વારસો સુભાષ કપૂર અને નેન્સી વીનર જેવા આંતરરાષ્ટ્રીય તસ્કર (International Smugglers) ગીરોહો દ્વારા ભારતમાંથી ચોરી કરીને અમેરિકા લઈ જવામાં આવ્યો હતો. ન્યૂયોર્કના મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની એલ્વિન બ્રૈગ અને ભારતીય કોન્સ્યુલ જનરલ રાજલક્ષ્મી કદમની હાજરીમાં આ મૂર્તિઓ સોંપવા માટે એક વિશેષ સમારોહ યોજાયો હતો.
આ ઐતિહાસિક વારસો ભારતને ત્રણ અલગ-અલગ તબક્કામાં પરત કરવામાં આવ્યો છે. નવેમ્બર 2024 માં 612 મૂર્તિઓ, જુલાઈ 2025 માં 26 મૂર્તિઓ અને છેલ્લા તબક્કામાં 28 એપ્રિલ 2026, મંગળવારના રોજ 19 મૂર્તિઓ ભારતને સોંપાઈ હતી. જેમાંની 17 મૂર્તિઓ સીધી રીતે કુખ્યાત તસ્કર સુભાષ કપૂર સાથે જોડાયેલી છે.
પરત મળેલી પ્રતિમાઓમાં મુખ્યત્વે અવલોકિતેશ્વરની કાંસ્ય પ્રતિમા (Bronze Idol) શામેલ છે, જેની કિંમત અંદાજે 17 કરોડ રૂપિયા છે. આ મૂર્તિ છત્તીસગઢના રાયપુરથી 1982 માં ચોરાઈ હતી.
આ ઉપરાંત, ઉત્તર ભારતમાંથી લૂંટાયેલી બુદ્ધની લાલ બલુઆ પથ્થરની પ્રતિમા, જેની કિંમત 63 કરોડ રૂપિયા છે, તે પણ પરત મળી છે. મધ્ય પ્રદેશના મંદિરમાંથી વર્ષ 2000 માં ચોરાયેલી નૃત્ય કરતા ગણેશની મૂર્તિ પણ આ સંગ્રહનો ભાગ છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભારતમાંથી ચોરાયેલી હજુ પણ 1,000 થી વધુ કલાકૃતિઓ (Artifacts) પરત લાવવાની બાકી છે. અમેરિકન તપાસ એજન્સી (HSI) અને ભારત સરકાર છેલ્લા દોઢ દાયકાથી આ સ્મગલિંગ નેટવર્કને તોડવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.
પીએમ મોદીએ પણ આ સાંસ્કૃતિક વારસાની વાપસી બદલ સોશિયલ મીડિયા પર હર્ષ વ્યક્ત કર્યો છે. હવે આ પવિત્ર મૂર્તિઓ અને કલાકૃતિઓ ભારતની વિવિધ આર્ટ ગેલેરી અને સંગ્રહાલયોની શોભા વધારશે.
