Bill Gates Attend New Delhi AI Summit : માઈક્રોસોફ્ટના (Microsoft) સહ-સ્થાપક બિલ ગેટ્સની ભારત મુલાકાત હાલ ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં આંધ્ર પ્રદેશના પાટનગર અમરાવતીમાં ચંદ્રાબાબુ નાયડુ સરકારના મહેમાન બનવા બદલ તેમની આકરી ટીકા થઈ હતી. જોકે, હવે સ્પષ્ટ થઈ ગયું છે કે તમામ વિવાદો છતાં બિલ ગેટ્સ દિલ્હીમાં યોજાનારી AI ઈમ્પેક્ટ સમિટ (AI Impact Summit) માં હાજરી આપશે.
એપસ્ટીન ફાઈલ્સ વિવાદ:દુનિયાભરને હચમચાવી દેનારા એપસ્ટીન ફાઈલ્સ કૌભાંડમાં બિલ ગેટ્સની કથિત સંડોવણી બહાર આવ્યા બાદ તેમની વૈશ્વિક સ્તરે ટીકા થઈ રહી છે. આ જ કારણોસર અમરાવતીમાં તેમની મુલાકાતને લઈને વિપક્ષોએ ચંદ્રાબાબુ સરકારને નિશાને લીધી હતી. આ વિવાદોના કારણે એવી અટકળો તેજ બની હતી કે ગેટ્સ દિલ્હીના કાર્યક્રમમાંથી છેલ્લી ઘડીએ ખસી જશે.
ગેટ્સ ફાઉન્ડેશને અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું : થોડા સમય પહેલા સમિટની સત્તાવાર વેબસાઈટ પરથી દિગ્ગજ વક્તાઓની યાદીમાં બિલ ગેટ્સનું નામ ગાયબ જણાતા મીડિયામાં તેમના ન આવવાના સમાચાર ફેલાયા હતા. જોકે, ગેટ્સ ફાઉન્ડેશને (Gates Foundation) આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે બિલ ગેટ્સ ચોક્કસપણે AI સમિટમાં ભાગ લેશે. તેઓ આ ઈવેન્ટમાં પોતાની કી-નોટ સ્પીચ (Keynote Speech) પણ આપશે.
AI અને ભારતનું ભવિષ્ય: આ સમિટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની (Artificial Intelligence) અસરો અને ભવિષ્યના રોડમેપ પર કેન્દ્રિત છે. બિલ ગેટ્સની હાજરી આ ઈવેન્ટ માટે મહત્વની માનવામાં આવે છે કારણ કે તેઓ ટેકનોલોજી અને સામાજિક બદલાવના હિમાયતી રહ્યા છે. સત્તાવાર વેબસાઈટ પર નામ ન હોવા પાછળ કોઈ ટેકનિકલ ખામી હોઈ શકે છે, પરંતુ તેમની હાજરી હવે સુનિશ્ચિત છે.
