
APK Scam | તમારો સ્માર્ટફોન હવે માત્ર વાતચીતનું સાધન નથી રહ્યો, પરંતુ તે તમારી ડિજિટલ તિજોરી બની ગયો છે. આ તિજોરીમાં તમારા બેંક પાસવર્ડ્સ, પરિવારના ખાનગી ફોટા અને ઓફિસના મહત્વના દસ્તાવેજો સચવાયેલા હોય છે. પરંતુ, શું તમે જાણો છો કે તમારી એક નાનકડી ભૂલ આ તિજોરીની ચાવી હેકર્સના હાથમાં સોંપી શકે છે?
ફ્રીના ચક્કરમાં મોટું જોખમ ઘણીવાર આપણે થોડા પૈસા બચાવવા અથવા કોઈ પેઇડ (Paid) એપ મફતમાં મેળવવાના લાલચમાં ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) છોડીને અન્ય અજાણી વેબસાઇટ્સ પરથી એપ ડાઉનલોડ કરીએ છીએ. અહીં જ આપણે એવી ભૂલ કરીએ છીએ જેનું પરિણામ બેંક એકાઉન્ટ ખાલી થવા તરીકે આવે છે. આ ખતરાનું નામ છે APK ફાઈલ.
શું છે આ APK ફાઈલ?
સરળ ભાષામાં સમજીએ તો, APK (Android Package Kit) એ એક પ્રકારનું બોક્સ છે જેમાં કોઈપણ એન્ડ્રોઇડ એપ પેક થઈને આવે છે. જેવી રીતે કમ્પ્યુટરમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા માટે ‘.exe’ ફાઈલ હોય છે, તેવી જ રીતે એન્ડ્રોઇડ ફોનમાં એપ ઇન્સ્ટોલ કરવા માટે APK ફાઈલ વપરાય છે.
પ્લે સ્ટોર અને અજાણી લિંક વચ્ચેનો તફાવત
-
Google Play Store: જ્યારે તમે પ્લે સ્ટોર પરથી કોઈ એપ ડાઉનલોડ કરો છો, ત્યારે ગૂગલ તે એપને વાયરસ કે માલવેર માટે ચેક કરે છે. સુરક્ષિત હોવાની ખાતરી થયા પછી જ તે તમારા ફોનમાં ઇન્સ્ટોલ થાય છે.
-
થર્ડ પાર્ટી APK: જ્યારે તમે કોઈ વેબસાઈટ, વોટ્સએપ પર આવેલી લિંક કે ટેલિગ્રામ પરથી APK ડાઉનલોડ કરો છો, ત્યારે ત્યાં કોઈ સુરક્ષા ચેકિંગ હોતું નથી. તમે સીધો જ તમારા ફોનનો દરવાજો કોઈ અજાણ્યા મહેમાન (વાયરસ) માટે ખોલી રહ્યા છો.
કઈ રીતે થાય છે સ્કેમ?
હેકર્સ અસલી એપ જેવી જ દેખાતી નકલી APK ફાઈલો બનાવે છે. જેવી તમે આ ફાઈલ ઇન્સ્ટોલ કરો છો, તે તમારા ફોનના મેસેજ, કોન્ટેક્ટ્સ અને ગેલેરીનું એક્સેસ મેળવી લે છે. આનાથી હેકર્સ તમારા બેંકના OTP પણ વાંચી શકે છે અને તમને ખબર પડે તે પહેલા જ તમારા ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે.
બચવા માટે શું કરવું?
-
હંમેશા ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી જ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
-
ફોનના સેટિંગ્સમાં જઈને ‘Install from Unknown Sources’ ઓપ્શન હંમેશા બંધ રાખો.
-
વોટ્સએપ કે એસએમએસ પર આવેલી અજાણી લિંક પર ક્લિક કરીને ક્યારેય કોઈ ફાઈલ ડાઉનલોડ ન કરો.
