
Trump Tariff Impact US Bankruptcies | ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ટેરિફને અમેરિકાના હિતમાં ગણાવતા હોય અને તેનાથી આવક વધવાના દાવા કરતા હોય, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ દેખાઈ રહી છે. વર્ષ 2025માં અમેરિકામાં કંપનીઓની નાદારી (Bankruptcies) નોંધાવવાના કિસ્સા છેલ્લા 15 વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. અમેરિકન કંપનીઓ આ સ્થિતિ માટે ટ્રમ્પની ટેરિફ નીતિ અને વધતી મોંઘવારીને જવાબદાર ગણાવી રહી છે.
આંકડા ચોંકાવનારા: 2010 પછીની સૌથી ખરાબ સ્થિતિ ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના અહેવાલ મુજબ, 2025માં અમેરિકામાં કોર્પોરેટ નાદારીમાં ભારે વધારો થયો છે. S&P ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સના ડેટા દર્શાવે છે કે જાન્યુઆરીથી નવેમ્બર વચ્ચે 717 કંપનીઓએ ચેપ્ટર 7 અથવા ચેપ્ટર 11 હેઠળ નાદારી માટે અરજી કરી છે. આ આંકડો 2024ની સરખામણીએ 14% વધુ છે અને 2010 પછીનો સૌથી મોટો આંકડો છે.
જાણો શું છે ચેપ્ટર 7 અને 11?
ચેપ્ટર 11: આમાં કંપની દેવાનું પુનર્ગઠન (Restructuring) કરે છે અને કોર્ટની દેખરેખ હેઠળ કામગીરી ચાલુ રાખે છે.
ચેપ્ટર 7: આ હેઠળ કંપની સંપૂર્ણપણે બંધ થઈ જાય છે અને તેની અસ્કયામતો વેચી દેવામાં આવે છે.
આયાત પર નિર્ભર બિઝનેસ ભાંગી પડ્યા જે વ્યવસાયો સીધા આયાત પર નિર્ભર હતા, તેમને દાયકાઓમાં સૌથી વધુ ટેરિફનો સામનો કરવો પડ્યો છે. સૌથી વધુ અસર ઈન્ડસ્ટ્રિયલ સેક્ટર, કન્સ્ટ્રક્શન, મેન્યુફેક્ચરિંગ અને ટ્રાન્સપોર્ટ કંપનીઓમાં જોવા મળી છે. અર્થશાસ્ત્રીઓના મતે, ટેરિફ અને ઉંચા વ્યાજ દરોએ સપ્લાય ચેઈનને ખોરવી નાખી છે અને ખર્ચમાં તોતિંગ વધારો કર્યો છે.
ટ્રમ્પના દાવાઓ સામે સવાલ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સતત દાવો કરી રહ્યા છે કે તેમની નીતિઓથી અમેરિકન મેન્યુફેક્ચરિંગ સેક્ટર મજબૂત થઈ રહ્યું છે. જોકે, સરકારી આંકડા મુજબ નવેમ્બરમાં પૂરા થયેલા એક વર્ષમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 70,000 થી વધુ નોકરીઓ ખતમ થઈ ગઈ છે.
કોરોના પછીની સૌથી ગંભીર સ્થિતિ કોર્નરસ્ટોન રિસર્ચના જણાવ્યા અનુસાર, 2025ના પ્રથમ છ મહિનામાં જ $1 બિલિયન (અંદાજે ₹8,980 કરોડ) થી વધુની સંપત્તિ ધરાવતી 17 મોટી કંપનીઓએ નાદારી નોંધાવી છે. ‘એટ હોમ’ અને ‘ફોરેવર 21’ જેવા જાણીતા રિટેલર્સ પણ આ યાદીમાં સામેલ છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો ટેરિફનો બોજ આમ જ વધતો રહેશે, તો નાની કંપનીઓ ટૂંક સમયમાં બંધ થઈ જશે અને મોટી કંપનીઓ તેનો બોજ ગ્રાહકો પર નાખશે, જેનાથી મોંઘવારી વધુ આસમાને પહોંચશે.
