
Goodbye 2025 | સાલ 2025 ભારતીય ટેસ્ટ ક્રિકેટ માટે ખાસ યાદગાર રહ્યો નથી. ટીમ ઇન્ડિયાએ વર્ષ દરમિયાન રમાયેલા 10 ટેસ્ટ મેચોમાંથી માત્ર 4માં જીત મેળવી, એક મેચ ડ્રો રહી અને 5 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો. આ ચાર જીતમાંથી પણ બે જીત ઘરઆંગણે ટેસ્ટમાં તુલનાત્મક રીતે નબળી વેસ્ટઇન્ડીઝ સામે મળી હતી, જે ટીમના કુલ પ્રદર્શન પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે.
ટીમના નબળા પ્રદર્શન પાછળ ખોટી સિલેક્શન નીતિ અને હેડ કોચ ગૌતમ ગંભીરની અપroachને જવાબદાર માનવામાં આવી રહી છે. ગંભીરની કોચિંગ હેઠળ ભારતે વ્હાઇટ બોલ ક્રિકેટમાં સફળતા મેળવી હોવા છતાં, રેડ બોલ એટલે કે ટેસ્ટ ફોર્મેટમાં ટીમ સતત સંઘર્ષ કરતી નજરે પડી છે. ગંભીર કોચ બન્યા બાદ પ્રથમ વખત ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ ગયું છે અને હાલના સાયકલમાં ભારત પાંચમા ક્રમે છે.
વર્ષની શરૂઆતમાં જ ભારતને ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના અંતિમ ટેસ્ટમાં 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો અને આખી સિરીઝ 3-1થી ગુમાવી દીધી. ત્યારબાદ ઇંગ્લેન્ડમાં રમાયેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2-2થી ડ્રો રહી, જેમાં અંતિમ ટેસ્ટમાં 6 રનની રોમાંચક જીતે ભારતને સિરીઝ બચાવવામાં મદદ કરી.
ઘરઆંગણે પણ ભારતનું પ્રદર્શન ચિંતાજનક રહ્યું. ઓક્ટોબરમાં વેસ્ટઇન્ડીઝ સામે 2-0ની જીત બાદ, નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને પોતાના જ મેદાન પર 2-0થી ક્લીન સ્વીપ આપ્યો. બીજા ટેસ્ટમાં 408 રનની શરમજનક હાર ભારતના ટેસ્ટ ઇતિહાસની સૌથી મોટી હાર તરીકે નોંધાઈ. આ પરાજય બાદ WTC ફાઇનલમાં પહોંચવાનો ભારતનો માર્ગ વધુ મુશ્કેલ બની ગયો છે.
કુલ મળીને, વર્ષ 2025 ભારતીય ટેસ્ટ ક્રિકેટ માટે આત્મમંથન કરવાનો સમય સાબિત થયું છે, જ્યાં ભવિષ્ય માટે ટીમ મેનેજમેન્ટને કઠોર નિર્ણયો લેવા પડશે.
