• વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને રેલવેએ ચરિતાર્થ કર્યું છે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ
• સાબરમતી સ્ટેશનનો કોઈ માની ન શકે તેવો કાયાકલ્પ થયો છે
• વર્ષ 2026-27ના બજેટમાં ગુજરાતના રેલવે પ્રોજેક્ટ માટે રૂ. 17,366 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે
૦૦૦
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
• વડાપ્રધાનશ્રીએ સત્તાને સેવાનું માધ્યમ બનાવી દેશના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડ્યો
• સરકાર ‘ઇકોનોમી અને ઇકોલોજી’ બંનેને સાથે લઈને ચાલે છે: LNG ટ્રેનની શરૂઆત ક્લીન-ગ્રીન એનર્જી તરફ મોટું કદમ
• ગુજરાતના ઝડપી ઔદ્યોગિક વિકાસને અનુરૂપ રેલવે માળખાને ભવિષ્યલક્ષી બનાવવામાં આવી રહ્યું છે
• વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં ભારતીય રેલવે દેશના પરિવહનની મજબૂત કરોડરજ્જુ બનશે
૦૦૦
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે દેશની પ્રથમ એલએનજી ટ્રેનને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવવા ઉપરાંત સાબરમતી અત્યાધુનિક WAG-12 લોકોમોટિવ મેન્ટેનન્સ શેડ તથા સાબરમતી–કલોલ–ભાંડુ મોટીદાઉ તથા સાબરમતી–સાણંદ–જખવાડા રેલખંડ પર એબીએસ પ્રણાલીના લોકાર્પણ તેમજ અમદાવાદ મંડળના 404 કિલોમીટર લાંબા રેલખંડ (અમદાવાદથી પાલનપુર અને સામાખ્યાલી) પર ‘કવચ’ પ્રણાલી અને સાબરમતી -સરખેજ રેલવે લાઇનના ડબલિંગનું ખાતમુહૂર્ત કરાયું
૦૦૦ ૦૦૦ ૦૦૦ ૦૦૦
ભારતીય રેલવે દ્વારા સલામતી, કાર્યક્ષમતા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે સાબરમતી ખાતે રૂ. 1,542 કરોડથી વધુના વિવિધ અત્યંત મહત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને પ્રસ્થાન સંપન્ન કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે રેલવેના વિવિધ લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે આજે આપણે આત્મબળ અને સત્યના પ્રયોગોની ભૂમિ એવી સાબરમતીની ધરતી પર ઊભા છીએ, જ્યાં મહાત્મા ગાંધીએ આશ્રમ સ્થાપીને દેશની આઝાદીના આંદોલનનું કેન્દ્ર બનાવ્યું હતું. બાપુએ આ ધરતી પર જ સત્યાગ્રહ, સાદું જીવન, ગ્રામીણ વિકાસ, ખાદીના પ્રયોગો કર્યા હતા. બાપુની આ ભૂમિને વંદન છે.”
સાબરમતી રેલવે સ્ટેશનના બદલાયેલા સ્વરૂપ અંગે ભૂતકાળનાં સંસ્મરણો વાગોળતા તેમણે કહ્યું કે
”હું અગાઉ ઘણી વખત દિલ્હીથી આવતી વખતે સાબરમતી રેલવે સ્ટેશને ઊતર્યો છું… કોઈ માની જ ન શકે કે 80ના દાયકામાં રિક્ષા પકડવા માટે 2 કિલોમીટર ચાલીને જવું પડતું હતું, તે જ આ સાબરમતી સ્ટેશનનો કોઈ માની ન શકે તેવો કાયાકલ્પ થયો છે. સાબરમતી સ્ટેશન પર રેલવે યાત્રીઓની સુવિધા, સુરક્ષા અને કનેક્ટિવિટીની દૃષ્ટિએ અનેક પરિવર્તનો થયાં છે. અહીંથી મેટ્રો રેલ, બસ સ્ટેશન અને બુલેટ ટ્રેનના સ્ટેશન સુધી પહોંચવાની સુવિધા વિકસી છે. પશ્ચિમ અમદાવાદના લોકોને શુભેચ્છાઓ પાઠવું છું, એવું તેમણે ઉમેર્યું હતું.
દેશમાં રેલવે ક્ષેત્રે સ્થાપિત થઈ રહેલા આત્મનિર્ભરતાના નવા આયામો અને શક્તિશાળી લોકોમોટિવ વિશે વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે
એક એવું એન્જિન જે 12,000 હોર્સપાવરની ટ્વિન સેક્શન ક્ષમતા સાથે, લગભગ 600 ટ્રક જેટલો માલસામાન આ એકલું એન્જિન ખેંચી જશે. પહેલાં બે લોકોમોટિવ લગાવવા પડતા હતા, હવે એક જ WAG-12 આ કામ કરી શકે છે. તે દેશને રેલવેના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સ્થાને પહોંચાડશે… એક યુવાન એન્જિનિયરે મને જણાવ્યું કે આ એન્જિનના ખર્ચનું 94% કામ ભારતમાં થયું છે, જેને અમે 3 વર્ષમાં 100% કરી દઈશું. આ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીનું પરિણામ છે, જેમણે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’નું વિઝન આપ્યું અને રેલવેએ તેને ચરિતાર્થ કર્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.
દેશની પ્રથમ એલએનજી ટ્રેનને લીલીઝંડી આપવા નિમિત્તે રેલવેના ગ્રીન એનર્જી સંકલ્પ અને ડીઝલમુક્ત ભવિષ્યની રૂપરેખા સ્પષ્ટ કરતાં કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે 2015-16માં રેલવે 293 કરોડ લીટર ડીઝલનો ઉપયોગ કરતી હતી. આ ડીઝલ વપરાશ વર્ષ 2024-25માં ઘટીને 108 કરોડ લીટર થઈ ગયો છે, અને 2030 સુધીમાં તેને શૂન્ય (ઝીરો) કરીને આપણે ભારતનું હુંડિયામણ બચાવીશું. વિદ્યુતીકરણ 2010-11માં વર્ષે માત્ર 75 કિલોમીટર થતું હતું, જ્યારે 2023-24માં એક જ વર્ષમાં 7,188 કિલોમીટર વિદ્યુતીકરણ થયું છે. 75થી સીધો 7,000 કિલોમીટરનો કૂદકો જોવા મળ્યો છે.
ગુજરાતને મળેલા રેલવે બજેટની અગાઉની સરકારો સાથે સરખામણી કરતાં અમિત શાહે કહ્યું કે હું માત્ર ગુજરાતના રેલવે બજેટની વાત કરું તો 2009થી 2014 વચ્ચે 5 વર્ષમાં માત્ર 589 કરોડ રૂપિયા મળ્યા હતા… જ્યારે માત્ર 2026-27ના બજેટમાં ગુજરાતને રૂ. 17,366 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, એવું તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રસેવા અને જનકલ્યાણનાં 25 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે દેશભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ ચાલી રહ્યું છે. વડાપ્રધાનશ્રીએ સત્તાને સેવાનું માધ્યમ બનાવી દેશના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડ્યો છે. કલમ 370 નાબૂદ કરવી, આંતરિક સુરક્ષા અને નક્સલવાદ સામે નિર્ણાયક નીતિ જેવા અશક્ય લાગતાં કાર્યો વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશિપ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના અથાક પરિશ્રમથી સાકાર થયા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે દેશની પ્રથમ LNG સંચાલિત ટ્રેનની શરૂઆત પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલવે અને અમદાવાદ ડિવિઝન માટે આ ગૌરવપૂર્ણ અવસર છે. ક્લીન અને ગ્રીન એનર્જી તરફ આ પહેલ એક મોટું કદમ સાબિત થશે, જે ઈંધણ ખર્ચ ઘટાડવાની સાથે કાર્બન ઉત્સર્જન નિયંત્રિત કરવામાં મદદરૂપ બનશે. સરકાર ‘ઇકોનોમી અને ઇકોલોજી’ બંનેને સાથે લઈને ચાલી રહી છે. રેલવેમાં 99% ઇલેક્ટ્રિફિકેશન, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને હાઇડ્રોજન ટ્રેન જેવી પહેલો રેલવેને આધુનિક અને પર્યાવરણ-અનુકૂળ બનાવી રહી છે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતના ઝડપી ઔદ્યોગિક વિકાસને અનુરૂપ રેલવે માળખાને ભવિષ્યલક્ષી બનાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઉપરાંત 5 વંદે ભારત, 1 અમૃત ભારત અને 1 નમો ભારત ટ્રેનની ભેટ મળી છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજ્યના 87 રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ થઈ રહ્યો છે અને રૂ. 1.28 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટ્સ પ્રગતિ હેઠળ છે.
મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને સાકાર કરવામાં ભારતીય રેલવે સલામતી અને ઝડપ સાથે દેશના પરિવહનની મજબૂત કરોડરજ્જુ બની રહેશે.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો દ્વારા લોકોમોટીવ શેડમાં પ્રદર્શન નિહાળી, લોકો એન્જિન ટ્રેનનું અવલોકન કર્યું તેમજ લોકોમોટિવનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં ડીઆરએમ, અમદાવાદ શ્રી વેદ પ્રકાશે સ્વાગત પ્રવચન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમના અંતે પશ્ચિમ રેલવે પ્રશાસન દ્વારા મંચસ્થ તમામ મહાનુભાવો, ઉપસ્થિત નાગરિકો તેમજ મીડિયાકર્મીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ લોકાર્પણ સમારંભમાં રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા, અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, સાબરમતીના ધારાસભ્ય ડૉ. હર્ષદભાઈ પટેલ સહિત અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારના ધારાસભ્યશ્રીઓ, પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ અંતર્ગત લગભગ રૂ. 700 કરોડના ખર્ચે સાબરમતી ખાતે સ્થાપિત અત્યાધુનિક WAG-12 લોકોમોટિવ મેન્ટેનન્સ શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 12,000 હોર્સપાવર ક્ષમતા ધરાવતા 300 હાઈ-હોર્સપાવર વિદ્યુત એન્જિનોના વિશ્વસ્તરીય વૈજ્ઞાનિક રખરખાવ માટે તૈયાર કરાયેલો આ શેડ દેશમાં ભારે અને લાંબી માલગાડીઓના સંચાલનને નવી ગતિ તેમજ વિશ્વસનીયતા આપશે. તેની સાથે જ સાબરમતી–કલોલ–ભાંડુ મોટીદાઉ તથા સાબરમતી–સાણંદ–જખવાડા રેલખંડ પર રૂ. 118.83 કરોડના ખર્ચે તૈયાર થયેલી 122.57 કિલોમીટર લાંબી સ્વચાલિત બ્લોક સિગ્નલિંગ (ABS) પ્રણાલીનું પણ રાષ્ટ્રાર્પણ થયું છે, જે ટ્રેનો વચ્ચે સલામત અંતર જાળવી લાઇન ક્ષમતા અને સમયપાલનમાં નોંધપાત્ર વધારો કરશે.
રેલ મુસાફરીને અત્યંત સલામત બનાવવાના ઉદ્દેશથી અમદાવાદ મંડળના 404 કિલોમીટર લાંબા રેલખંડ (અમદાવાદ–પાલનપુર અને અમદાવાદ–સામાખ્યાલી) પર રૂ. 411 કરોડના ખર્ચે સ્થાપિત થનારી સ્વદેશી માનક ‘કવચ’ પ્રણાલીનું ખાતમુહૂર્ત સંપન્ન થયું છે. આ આધુનિક ટ્રેન સુરક્ષા સિસ્ટમ માનવીય ભૂલો ઘટાડી ટ્રેનોની આમને-સામને કે પાછળથી થતી ટક્કરો રોકવામાં સીમાચિહ્નરૂપ નીવડશે.
આ ઉપરાંત અમદાવાદ ક્ષેત્રમાં ભવિષ્યની મુસાફરી અને સરખેજ–ધોલેરા ઔદ્યોગિક કનેક્ટિવિટીને વેગ આપવા માટે રૂ. 313.27 કરોડના ખર્ચે માર્ચ 2028 સુધીમાં પૂર્ણ થનારા 21 કિલોમીટર લાંબા સાબરમતી–સરખેજ રેલવે લાઇનના ડબલિંગ કાર્યનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો છે.
પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ ઊર્જા તરફ ક્રાંતિકારી પહેલ કરતા મુખ્ય અતિથિશ્રી દ્વારા ડ્રાઇવિંગ પાવર કાર (DPC)માં 40 ટકા સુધી LNG ઉપયોગ કરતી ભારતની સૌપ્રથમ ડ્યુઅલ-ફ્યુઅલ LNG ટ્રેન તેમજ શક્તિશાળી WAG-12 વિદ્યુત લોકોમોટિવને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવ્યા હતા. ડીઝલની બચત અને ઉત્સર્જનમાં ભારે ઘટાડો કરનારી આ હરિત પહેલ ભારતીય રેલવેની કાર્બન ઉત્સર્જન ઘટાડવાની કટિબદ્ધતાને સાકાર કરે છે.
………
'ધરતીપકડ' નગરમલ બાજોરિયાનું 97 વર્ષની વયે નિધન: દેશમાં 280થી વધુ ચૂંટણી લડવાનો અનોખો રેકોર્ડ ભારતમાં…
ડાક વિભાગ દ્વારા હિન્દી પખવાડિયાનો સમાપન સમારોહ યોજાયો, પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વિજેતાઓને…
ડલાસ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ગણેશ ચતુર્થી મહોત્સવની ષડ્દિનાત્મક ભવ્ય ઉજવણી ડલાસ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતેભાદરવા…
* કરોડો હિંદુઓની આસ્થાના કેન્દ્ર અયોધ્યામાં ભવ્ય-દિવ્ય રામમંદિરના નિર્માણ માટેનો અશોકજીનો સંઘર્ષ અને સંકલ્પ આજે…
“રાધા કૃષ્ણ ટેમ્પલ ઓફ ડલાસ (એલન) ખાતે ગણેશજીનું વિસર્જન રાધા કૃષ્ણ ટેમ્પલ ઓફ ડલાસ (એલન)…