Skip to content
March 17, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

૯ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા : ૭,૫૩,૦૦૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી : એક મહિનામાં રાજ્યમાં ૨,૬૨,૯૮૬ ખેડૂતોને તાલીમ

Chief Editor January 3, 2024
3 pak2

જિલ્લા મથકો અને તમામ તાલુકા મથકોએ અઠવાડિયામાં બે દિવસ; રવિવાર અને ગુરુવારે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું બજાર ભરાશે

રાજ્યમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. વર્ષ – ૨૦૨૩ ના અંત સુધીમાં ૯ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. ૭,૫૩,૦૦૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં રાજભવનમાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે વિસ્તૃત વિચાર-વિમર્શ કરાયો હતો.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ પણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિસ્તરે તે માટે સતત ચિંતા કરી રહ્યા છે. પર્યાવરણના જતન માટે, લોકોના સારા સ્વાસ્થ્ય માટે અને ખેડૂતોના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અનિવાર્ય છે.

જો ખેડૂતો યોગ્ય પદ્ધતિ સમજે અને પદ્ધતિસર પ્રાકૃતિક ખેતી કરતા થાય તો ઉત્પાદનની ગુણવત્તા અને માત્રા બંનેમાં વૃદ્ધિ થાય છે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે,પ્રાકૃતિક ખેતી દેશી ગાય પર આધારિત છે. ખેડૂતો સારી નસલની દેશી ગાય રાખે, તેના દૂધથી સ્વયં બળવાન બને અને તેના ગોબર-ગૌમૂત્રથી ખેતરને પણ બળવાન બનાવે એ સમયની માંગ છે. પ્રાકૃતિક ખેતીમાં ગુજરાત આખા દેશ માટે આદર્શ બને એ માટે મિશન મોડથી કામ કરવા તેમણે તમામ અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને મોડેલ પ્રાકૃતિક ફાર્મ બનાવીને ત્યાં ખેડૂતોને તાલીમ અપાશે. કૃષિ વિભાગ અને એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી-આત્મા દ્વારા તાલીમ કાર્યક્રમ સઘન બનાવાયા છે. ડિસેમ્બર-૨૦૨૩ ના એક મહિનામાં રાજ્યમાં ૨,૬૨,૯૮૬ ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે. તાલીમ આપનારા અધિકારીઓ અને નિષ્ણાત ખેડૂતોએ ૩૩,૭૬૩ ખેતરોમાં જઈને ખેડૂતો સાથે મુલાકાત કરી છે. છેલ્લા આઠ મહિનામાં ૨૩ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે.

તમામ જિલ્લાઓમાં કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓના સતત માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવાનું કામ થઈ રહ્યું છે. કલેક્ટર કક્ષાએ પણ પ્રતિમાસ સમીક્ષા થઈ રહી છે. કલેક્ટર દ્વારા ૪૧ સ્થળોએ રાત્રિસભા યોજીને ૨,૭૦૫ ખેડૂતો સાથે સીધી વાત કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો પ્રાકૃતિક ખેતી કરી રહેલા ખેડૂતોના ખેતરોની મુલાકાત લઈને તેમને પ્રોત્સાહિત કરી રહ્યા છે. તમામ જિલ્લા મથકો અને જિલ્લાના તમામ તાલુકા મથકોએ, અઠવાડિયામાં બે દિવસ; રવિવાર અને ગુરુવારે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું બજાર ભરાય અને ત્યાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો જ વેચાય તે સુનિશ્ચિત કરવા તમામ કલેકટર્સ અને ડીડીઓને સૂચના આપવામાં આવી છે.

ગુજરાત ઑર્ગેનિક પ્રોડક્ટસ સર્ટિફિકેશન એજન્સી- ગોપકાને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન કરતા ખેડૂતોના સર્ટિફિકેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા અને સર્ટિફિકેશન માટે ખેડૂતોને જાગૃત કરવા સૂચના આપવામાં આવી હતી.

હાલોલમાં કાર્યરત થઈ રહેલી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ, રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુ, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ડી. એચ. શાહ, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મનીષકુમાર બંસલ, સંયુક્ત સચિવ શ્રી પી. ડી. પલસાણા, કૃષિ નિયામક શ્રી એસ. જે. સોલંકી, આત્માના નિયામક શ્રી પ્રકાશ રબારી, કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિયામકો, પ્રાકૃતિક કૃષિના રાજ્ય સંયોજક મહાત્મા શ્રી પ્રફુલભાઈ સેંજલીયા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: 1.64 કરોડ નાગરિકોને આયુષ્માન ભારત સ્વાસ્થ્ય કવચ મળ્યું
Next: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાઘવ સેવા સમિતિ દ્વારા આયોજિત રામકથામાં હાજરી આપી
Follow

Recent Posts

  • દુબઈ એરપોર્ટ પર ડ્રોન એટેક, અબુ ધાબીમાં મિસાઈલ હુમલામાં પેલેસ્ટાઈનના 1 નાગરિકનું મોત મોત
  • યુદ્ધની અસર: ગુજરાતમાં કોમર્શિયલ ગેસની ભારે અછત, હોટલ-કેટરિંગ ઉદ્યોગ દાઝ્યો
  • ખેડા: પાટીદાર દીકરીના પ્રેમલગ્ન મામલે સમાજ મેદાને, કિંજલ રબારીના કિસ્સા બાદ દીકરીને પરત લાવવા ઉઠી માંગ
  • અમદાવાદમાં ઉઘરાણી માટે ફિલ્મી ઢબે અપહરણ: ‘કિડની વેચીને પણ પૈસા આપવા પડશે’ કહી યુવકને માર માર્યો
  • કિંજલ રબારી લગ્ન વિવાદનો અંત: સિંગરે લીધો યુ-ટર્ન, કહ્યું- “હું રાહ ભટકી ગઈ હતી, હવે પરિવાર સાથે છું”
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.