Breaking News

17 માર્ચથી 20 માર્ચ સુધી આઠ ટીમો વચ્ચે યોજાશે સ્પર્ધા

વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની પ્રેરણાથી સતત બીજીવાર એમ.એલ.એ. ક્રિકેટ લીગનું આયોજન

રાજ્યની મુખ્ય નદીઓ સાબરમતી, નર્મદા, ભાદર, શેત્રુંજી, બનાસ અને મહીસાગરના નામ ટીમો સાથે જોડવાનો નવતર અભિગમ

મીડિયાકર્મીઓ પણ લીગમાં સહભાગી થશે

શક્તિ અને દુર્ગા ટીમમાંથી મહિલા ધારાસભ્યો અને વિધાનસભાના મહિલાકર્મીઓ રમશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘સ્વર્ણિમ ગુજરાત એમ.એલ.એ. ક્રિકેટ લીગ 2.0’નો પ્રારંભ વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યમંડળના મંત્રીશ્રીઓ, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ટોસ ઉછાળીને ગાંધીનગરના કોબા ખાતેથી કરાવ્યો હતો.

આ ‘સ્વર્ણિમ ગુજરાત એમ.એલ.એ. ક્રિકેટ લીગ 2.0’ 17થી 20 માર્ચ દરમિયાન આઠ ટીમો વચ્ચે યોજાવાની છે.

પ્રથમ દિવસે બનાસ ટીમ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ઇલેવન તરીકે અને નર્મદા ટીમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઇલેવન તરીકે રમવા માટે મેદાનમાં ઉતરી હતી.

વિધાનસભા સત્રમાં રાજ્યના વિકાસની ચર્ચા-મંથનમાં સહભાગી થતા ધારાસભ્યોમાં ગૃહની બહાર પણ રમત-ગમત દ્વારા ખેલદિલીની ભાવના પ્રબળ બને તેવા હેતુથી અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની પ્રેરણાથી સતત બીજીવાર આ એમ.એલ.એ. ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે.

મહિલા ધારાસભ્યોની શક્તિ ટીમ અને વિધાનસભાના મહિલાકર્મીઓની દુર્ગા ટીમ વચ્ચે પણ લીગના પ્રથમ દિવસે મુકાબલો થયો હતો.
તેમાં મહિલા ધારા સભ્યો ની શકિત ટીમનો વિજય થયો હતો.


આ ઉપરાંત સાબરમતી અને ભાદર ટીમ વચ્ચે પણ મેચ યોજાઈ હતી.

રાજ્યની મુખ્ય નદીઓ સાબરમતી, નર્મદા, ભાદર, શેત્રુંજી, બનાસ અને મહીસાગરના નામ ટીમો સાથે જોડવાના નવતર અભિગમ સાથે આ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે.

તદઅનુસાર ગૃપ-Aમાં સાબરમતી, ભાદર અને શેત્રુંજી તથા ગૃપ-Bમાં નર્મદા, બનાસ અને મહીસાગર વચ્ચે ક્રિકેટ મેચ રમાવાની છે.

20મી માર્ચ, ગુરુવારે મીડિયાકર્મીઓ અને વિધાનસભાના અધિકારી-કર્મચારીઓ વચ્ચે ક્રિકેટ મેચ યોજાવાની છે. તે જ દિવસે લીગની વિજેતા ટીમો વચ્ચે ફાઈનલ મેચ યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: