**
સાયન્સ અને ટેકનોલોજી સચિવ શ્રીમતી પી. ભારતી અને પીઆરએલના નિયામકશ્રી અનિલ ભારદ્વાજે કરાવ્યો પ્રારંભ
**
આવાં આયોજનો ક્વોન્ટમ વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં ભારતના રોડમેપને વધુ મજબૂત બનાવશે: શ્રીમતી પી. ભારતી, સાયન્સ અને ટેકનોલોજી સચિવ
**
બે દિવસીય સંચાર પરિષદમાં દેશભરમાંથી ૨૦૦ જેટલા વૈજ્ઞાનિકો, સંશોધકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહભાગી થશે

**
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા ગુજરાત સાયન્સ સિટી ખાતે “પબ્લિક અંડરસ્ટેન્ડિંગ ઓન ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેક્નોલોજી” વિષય પર ભારતની સૌથી મોટી બે દિવસીય વિજ્ઞાન સંચાર પરિષદનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના સચિવ શ્રીમતી પી. ભારતી (IAS) અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી(PRL)ના નિયામકશ્રી અનિલ ભારદ્વાજે બે દિવસીય વિજ્ઞાન સંચાર પરિષદનો પ્રારંભ કરાવ્યો હતો.
ઉદ્ઘાટન સમારોહમાં ગુજકોસ્ટ ડિસેમ્બર ન્યુઝલેટર ‘ગુજકોસ્ટ ન્યૂઝ’નું અનાવરણ કરવામાં આવ્યું હતું તથા કોન્ફરન્સનું સોવેનિયર લોન્ચ કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન બાદ પ્રથમ દિવસે ઇસરો (ISRO) ના વૈજ્ઞાનિક શ્રી સી.પી. શર્માનું મુખ્ય વ્યાખ્યાન અને લંડનથી પ્રો. કાનન પુરકાયસ્થનું વર્ચ્યુઅલ પ્લેનરી સેશન યોજાયું હતું. આ સિવાય વિવિધ મહત્ત્વના વિષયો પર પેનલ ડિસ્કશન અને એક્સપર્ટ ટોક સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
આ કોન્ફરન્સના પ્રારંભે શ્રીમતી પી. ભારતીએ મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનનું સ્મરણ કરતા જણાવ્યું હતું કે આજની આ કોન્ફરન્સ ક્વોન્ટમ સાયન્સ અને ટેક્નોલોજીની જાહેર સમજ વધારવામાં મહત્ત્વની સાબિત થશે.
તેમણે કહ્યું કે આપણે ‘ઇન્ટરનેશનલ યર ઓફ ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ૨૦૨૫’ની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે ક્વોન્ટમ ટેક્નોલોજી એ ૨૧મી સદીની નવી વૈજ્ઞાનિક ક્રાંતિ છે જે ઉભરતા ક્ષેત્રોમાં ટેક્નોલોજીને નવો આકાર આપી રહી છે. અલ્ટ્રા-ફાસ્ટ કમ્પ્યુટિંગ, અત્યંત સુરક્ષિત કોમ્યુનિકેશન સિસ્ટમ અને એડવાન્સ મટિરિયલ્સ જેવી ઉભરતી ટેક્નોલોજીઓ માત્ર ગુજરાત કે ભારત માટે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે આપણને આર્થિક વૃદ્ધિ અને વ્યૂહાત્મક ક્ષમતામાં આગળ રાખશે.
સચિવશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અને ખાસ કરીને વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ છેલ્લાં ઘણાં વર્ષોથી યુવાનોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે સતત પ્રયત્નશીલ છે. ગુજકોસ્ટ (GUJCOST) જેવી સંસ્થાઓ દ્વારા આયોજિત આવા સેમિનારો વિજ્ઞાનને લેબોરેટરીથી સમાજ સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

ગુજકોસ્ટને આ વર્ષે યુનેસ્કો (UNESCO)ના શૈક્ષણિક ભાગીદાર તરીકે ઓળખ મળવા બદલ તેમણે ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. જે એકેડેમિયા, ઉદ્યોગ અને સરકાર વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવશે એમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે ક્વોન્ટમ યુગ માટેની સજ્જતા પર ભાર મૂકતા જણાવ્યું કે આપણો ઉદ્દેશ્ય ક્વોન્ટમ વિજ્ઞાનને સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે સરળ અને પ્રેરણાદાયી બનાવવાનો છે. નેશનલ ક્વોન્ટમ મિશનના સહયોગથી આયોજિત આ પરિષદ દ્વારા આપણે ક્વોન્ટમ વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં ભારતના રોડમેપને વધુ મજબૂત બનાવીશું અને ‘વિકસિત ગુજરાત’ થી ‘વિકસિત ભારત’ ના સ્વપ્નને સાકાર કરવામાં ફાળો આપીશું.
ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી(PRL)ના નિયામકશ્રી અનિલ ભારદ્વાજે ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે આ કોન્ફરન્સ ના ઉદ્દેશ ક્વોન્ટમ સાયન્સ વિશે પબ્લિકને કોમ્યુનિકેટ કરવાનો છે. આ એક અનોખી કોન્ફરન્સ છે. ક્વોન્ટમ કોમ્યુનિકેશન, ક્વોન્ટમ સાયન્સ, ક્વોન્ટમ કોમ્યુટિંગ, ક્વોન્ટમ મટીરિયોલોજી સહિતના વિષયો પર આ બે દિવસીય કોન્ફરન્સમાં મહત્વની ચર્ચા વિચારણાઓ અને ચિંતન મનન કરવામાં આવનાર છે. સેટેલાઈટ કોમ્યુનિકેશન, ફાઇબર ઓપ્ટિક્સ, ફોટોન્સ, ક્વોન્ટમ કોમ્યુનિકેશનમાં AI અને મશીન લર્નિંગનો ઉપયોગ સહિતના વિષયો પર તેમણે રસપ્રદ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સોસાયટી ફોર ઇન્ફોર્મેશન સાયન્સના પ્રેસિડેન્ટ ડૉ. મનોજ કુમાર પટેરિયાએ ઉદ્ઘાટન સમારોહમાં પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. અનિશ્ચિતતાથી ભરેલા આધુનિક સમયમાં ક્વૉન્ટમ સાયન્સ ઘણા ક્ષેત્રોમાં સમાધાનો પૂરા પાડી શકે છે. માનવજાતના અસ્તિત્વ સામે ઊભા થયેલા ઘણા સવાલોના જવાબો શોધવામાં ક્વોન્ટમ સાયન્સ મહત્વનું સાબિત થશે. આવા કાર્યક્રમો ક્વોન્ટમ સાયન્સના મહત્વને ઉજાગર કરીને નાગરિકોને ક્વોન્ટમ સાયન્સ સાથે જોડવામાં મહત્ત્વના સાબિત થશે.
ગુજકોસ્ટ (GUJCOST) ના એડવાઈઝર અને મેમ્બર સેક્રેટરી ડૉ. નરોત્તમ સાહૂએ સ્વાગત પ્રવચન કરતા સૌને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે બે દિવસીય ક્વોન્ટમ સાયન્સ કોમ્યુનિકેશન કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય ક્વોન્ટમ સાયન્સના જટિલ વિષયોને વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો માટે સરળ, આકર્ષક અને સુસંગત બનાવવાનો છે.

કોન્ફરન્સમાં દેશ વિદેશમાંથી પધારેલા વૈજ્ઞાનિકો, સંસ્થાના પ્રતિનિધિઓ, રિસર્ચ સ્કોલર્સ સહિતના મહાનુભાવો સસ્ટેનેબલ એનર્જી, સંદેશાવ્યવહાર અને ભવિષ્યની ટેક્નોલોજીમાં ક્વોન્ટમ વિજ્ઞાનની ભૂમિકા સહિતના વિવિધ વિષયો પર ચિંતન મનન કરશે અને વિકસિત ભારતના નિર્માણમાં ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજીની ભૂમિકા સુદ્રઢ બનાવવા મહત્ત્વનું માર્ગદર્શન પૂરું પાડશે.
કોન્ફરન્સના મુખ્ય આકર્ષણો:
– આંતરરાષ્ટ્રીય સ્તરનું આયોજન: આ પરિષદ યુનેસ્કો (UNESCO) ના ‘ઇન્ટરનેશનલ યર ઓફ ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ૨૦૨૫’ (IYQ-2025) અને ભારત સરકારના નેશનલ ક્વોન્ટમ મિશન (NQM) ના સહયોગથી યોજાઈ રહી છે.
– સહભાગીઓ: આ કાર્યક્રમમાં દેશભરમાંથી લગભગ ૨૦૦ જેટલા વૈજ્ઞાનિકો, સંશોધકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.
– નિષ્ણાતોની ઉપસ્થિતિ: યુનાઇટેડ કિંગડમ (UK), વિયેતનામ અને નેપાળના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો આ બે દિવસ દરમિયાન વિવિધ વિષયો પર માર્ગદર્શન આપશે.
– પ્રાયોગિક પ્રદર્શન: શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ક્વોન્ટમ સુપરપોઝિશન મોડલ્સ અને એન્ટેન્ગલમેન્ટ ડેમોન્સ્ટ્રેટર્સ જેવી હેન્ડ્સ-ઓન ક્વોન્ટમ એજ્યુકેશન કિટનું પ્રદર્શન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
– યુવા સંશોધકો: વિજ્ઞાન સંચારની જટિલ પદ્ધતિઓ પર યુવા સંશોધકો દ્વારા પોસ્ટર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે.
આ ક્વોન્ટમ વિજ્ઞાન સંચાર પરિષદના ઉદ્ઘાટન સમારોહમાં વિયેતનામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ઇન્ફોર્મેશનના પ્રો. એન.ટી. લાન, નેપાળ એકેડમી ઓફ S&T ના પ્રો. અંજના સિંઘ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝ, બેંગલુરુના પ્રો. એમ. સાઈબાબા અને ગુજકોસ્ટના પ્રિન્સિપલ સાયન્ટિફિક ઓફિસર ડૉ. પૂનમ ભાર્ગવ ઉપસ્થિત રહ્યા હતા.
**
