
માર્ચ 10મી રવિવારે Wyatt સ્કૂલ, Plano માં વૈષ્ણવ સંઘે બહુ જ ધામધૂમથી રસિયા ફૂલફાગ હોળી ઉત્સવની ઉજવણી કરી. વસંતપંચમી થી હોળી સુધીના 40 દિવસ વૈષ્ણવો માટે અતિ આનંદના દિવસો છે. સત્સંગ દરમ્યાન એક બીજા સાથે અને દર્શન વખતે શ્રી ઠાકોરજી સાથે પણ રંગોની લહેરો ઉડે છે, હોળીના રસિયા ગવાય છે, તો સાથે વૈષ્ણવો પણ ઉમંગમાં આવી નાચવા માંડે છે.


આવું જ વાતાવરણ આ વખતે Wyatt સ્કૂલમાં બધા જ વૈષ્ણવોએ માણ્યું! બાળકોએ પણ આનો ખૂબ લાભ લીધો, અને મોટા સાથે જોડાઈને એક બીજાને રંગવા લાગ્યા હતા. લગભગ 200 જેટલા વૈષ્ણવો ઉત્સવમાં જોડાયા હતા. હવે બધાને બરાબર ખબર પડી ગઈ છે કે સત્સંગ 4 વાગે શરૂ થઇ જાય છે, એટલે મોટા ભાગે બધા સમયસર આવી જાય છે, તે ઘણું આવકારદાયક છે. વૈષ્ણવોના આવા સહકારથી સંઘના કાર્યકરોનો ઉત્સાહ પણ વધે છે.


આ વખતે પૂજ્યશ્રી દ્વારકેશલાલજી મહોદયે સ્પેશ્યલ સંદેશ આપ્યો, અને જૂન માસની 14, 15 અને 16 દરમ્યાન આવી રહેલ શ્રીમદ ભગવતગીતા ઉત્સવની જાહેરાત કરી. સાથે સાથે તેમાં થનાર 51 પોથીપુજનની પણ અગત્યતા સમજાવી. વૈષ્ણવોએ ખુબ જ ઉત્સાહથી આને વધાવી લીધી, અને સ્હેજમાં તો પોથી માટે અડધા ઉપર નામ આવી પણ ગયા!!
અંતમાં શ્રી યમુનાજીની આરતી ગાઈને બધા વૈષ્ણવોએ પ્રસાદ લીધો, અને આ અનોખા સત્સંગની પૂર્ણાહુતિ થઇ.