જૂનાગઢ જિલ્લાના બીલખામાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વિકસિત ભારત સંકલ્પયાત્રામાં પ્રેરક ઉપસ્થિતિ
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી :
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં દેશે ગૌરવ અને પ્રતિષ્ઠા હાંસલ કર્યાં છે.
– ગામના આંગણે આવેલી કલ્યાણકારી સરકારી યોજનાઓની માહિતી એકબીજાને પહોંચાડી પ્રમાણિકતાથી-મહેનતથી રાષ્ટ્રની ઉન્નતિના સંકલ્પને ચરિતાર્થ કરીએ
પ્રધાનમંત્રીશ્રીના જન અભિયાનો અને ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના જનજાગરણ સહિતના રાજ્યપાલશ્રીના પ્રેરક પ્રવચનને બિલખાના ગ્રામજનોએ ધ્યાનપૂર્વક સાંભળ્યું : ગ્રામજનો વિકસિત ભારત સંકલ્પયાત્રાને સફળ અને સાર્થક બનાવવા સંકલ્પબધ્ધ બન્યા
4-1-24

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે જુનાગઢ જિલ્લાના બીલખા ખાતે વિકસિત ભારત સંકલ્પયાત્રામાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પમાં દેશના દરેક ક્ષેત્રના નાગરિકની રાષ્ટ્રની ઉન્નતિ માટેની કર્તવ્યભાવના અને રાષ્ટ્ર પ્રત્યેનો સમર્પણભાવ રહેલો છે.
રાજ્યપાલશ્રીએ કોઈ કામ નાનું નથી, તેમ જણાવીને ખેડૂત, શિક્ષક, સૈનિક, કર્મયોગી , મહિલાઓ સહિત દરેક ક્ષેત્રના નાગરિક પોતપોતાના કાર્યક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરે-પ્રમાણિકતા અને મહેનતથી પરિવાર, સમાજ, રાજ્ય અને રાષ્ટ્રના વિકાસ માટે સમર્પિત થાય તેમ કહ્યું હતું. તેઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનકલ્યાણના આ અભિયાનમાં દેશના છેવાડાના દરેક માનવીનું કલ્યાણ થાય-સરકારની યોજના એકેએક નાગરિક સુધી પહોંચે અને પાત્રતા ધરાવતા દરેક નાગરિકો સરકારી યોજનાનો લાભ લઈને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તે સંકલ્પને સાકાર કરવા આ વિકસિત ભારત સંકલ્પયાત્રા આપના ગામમાં આવી છે અને આ રીતે દેશના ખૂણે-ખૂણે આ યાત્રા જનકલ્યાણના ઉદ્દેશ સાથે ફરી રહી છે તેમ જણાવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી ઑર્ગેનિક કે જૈવિક ખેતીથી ભિન્ન છે. ઑર્ગેનિક ખેતીથી ખર્ચમાં ઘટાડો થતો નથી, ત્યારે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઘટવાની સાથે જમીનનો ઑર્ગેનિક કાર્બન એટલે કે ફળદ્રુપતા વધે છે. ઉપરાંત ગૌ આધારિત ખેતીથી જમીનમાં અળસિયા, સૂક્ષ્મ જીવાણુ વગેરેનું પ્રમાણ વધે છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ગૌ સંવર્ધન, લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ રક્ષણ, ખેડૂત અને દેશનું ધન બચે છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાત સરકારના સહયોગથી રાજ્યના ૯ લાખ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડી દેવામાં આવ્યા છે.
રાજ્યપાલશ્રીએ પોતાના વતન હરિયાણાના કુરુક્ષેત્રમાં પ્રાકૃતિક ખેતીના સ્વ અનુભવો અને લાભો વિશે જણાવતાં કહ્યું કે, વર્ષો પહેલા અન્ય ખેડૂતોની જેમ રાસાયણિક ખેતી કરી રહ્યો હતો. જેથી જમીનનો ઑર્ગેનિક કાર્બન ૦.૫ ટકા જેટલો થઈ ગયો હતો. આજે પ્રાકૃતિક ખેતીના પરિણામે ઑર્ગેનિક કાર્બન ૧.૭ ટકા જેટલો થયો છે. જેથી હવે રાસાયણિક ખેતી કરતા ખેડૂતો કરતાં પણ વધુ ખેત પેદાશ લઈ રહ્યા છીએ.

રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીથી ખેતપેદાશ ઘટી જાય છે તેવી માન્યતાને ખોટી ગણાવતાં કહ્યું કે, જંગલમાં રહેલા વૃક્ષો છોડને કોઈ રાસાયણિક ખાતર કે માવજત વગર ઋતુ મુજબ ખૂબ ફળ આવે છે. તેમ કુદરતે જ કૃષિ ખેત પેદાશ માટે વ્યવસ્થા કરી છે. આમ, પ્રાકૃતિક રીતે જ જરૂરી પોષક તત્વો પાકને મળી રહે છે. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે આહવાન કરતાં કહ્યું કે, ઝેરમુક્ત ખેતી કરી લોકોને આરોગ્ય બક્ષવાનું પણ ખૂબ મોટું કાર્ય થશે.
કેન્દ્ર સરકાર – ગુજરાત સરકાર વિવિધ લોક કલ્યાણ યોજનાઓ લોકો સુધી પહોંચે અને આ યોજનાનો લાભ લઈને લાભાર્થી જીવનમાં પ્રગતિ કરે. આ કાર્ય હવે વિકસિત ભારત સંકલ્પયાત્રાના માધ્યમથી વ્યાપક બન્યું છે, તેમ જણાવીને તેનો લાભ લેવા અને માહિતી એકબીજાને આપી યોજનાનો લાભ અન્ય લોકો લે તે માટે રાજયપાલશ્રીએ ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલશ્રી એ જણાવ્યું હતું કે, દેશ પ્રગતિના માર્ગે છે. છેલ્લા પાંચ વર્ષમાં સાડાતેર કરોડ લોકો ગરીબીની રેખાથી બહાર આવ્યા છે. આ વાત સરકાર નહીં, પરંતુ વિદેશી એજન્સીઓ ભારતના વિકાસની ફલશ્રુતિ અને સફળ ગાથા જણાવતાં કહી રહી છે. ભારત વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થા છે અને આગામી થોડા વર્ષોમાં ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બને તે દિશામાં રાષ્ટ્ર વિકાસના માર્ગે છે. રાજ્યપાલશ્રીએ વિકાસની આ યાત્રામાં દરેકની ભાગીદારી જરૂરી છે તેમ પણ જણાવ્યું હતું.


આ પ્રસંગે કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસીયાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતાં કહ્યું કે, જિલ્લાના ૮૫ ટકા ગામોમાં વિકસિત ભારત સંકલ્પયાત્રા ફરી ચૂકી છે. જેમાં ૧.૨૫ લાખ લોકો ઉત્સાહભેર સામેલ થયા છે. આ યાત્રાના માધ્યમથી ૧૯,૦૦૦ જેટલા આયુષ્માન ભારત કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત ૫૦,૦૦૦ જેટલા લોકોનું હેલ્થ ચેકઅપ અને ૩૦,૦૦૦ થી વધારે લોકોનું ટીબી સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યું છે. ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત ૪૦૦૦ જેટલા સરકારી યોજનાઓના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા છે. તેમણે કહ્યું કે, જૂનાગઢ જિલ્લામાં ૩૦ હજાર જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી ચૂક્યા છે. તેમજ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન થતી ખેત પેદાશોના વેચાણ માટે પણ વ્યવસ્થાતંત્ર દ્વારા ઉભું કરવામાં આવ્યું છે.


આ કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ લુણાગરિયાએ પોતાની પ્રાકૃતિક ખેતીની સફળતાની પ્રેરક વાત કરી હતી. જ્યારે પ્રધાનમંત્રી જનઆરોગ્ય આયુષ્યમાન કાર્ડના લાભાર્થી શ્રી શિલ્પાબેન રામોલિયાએ સરકારશ્રીની આ આરોગ્યલક્ષી યોજનાથી તેમને મળેલા આ લાભથી થયેલ મોટી રાહતની વાત અન્ય લોકોને જણાવી હતી.
આ પ્રસંગે બીલખાના સરપંચશ્રીને રાજ્યપાલશ્રીના હસ્તે બીલખાને સ્વચ્છતા અભિયાનમાં ઓડીએફ પ્લસ અને જલજીવન મિશનની કામગીરી બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિકસિત ભારત સંકલ્પયાત્રા સંદર્ભે પ્રધાનમંત્રીશ્રીનો વિડીયો સંદેશ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલશ્રીનું ગામની બાળાઓએ સ્વાગત કર્યું હતું. જુનાગઢ જિલ્લાના અગ્રણી અને બીલખાના પૂર્વ ધારાસભ્ય અને સેવાભાવી શ્રી રત્નાબાપા ઠુંમરને રાજ્યપાલશ્રીએ મળીને શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, માંગરોળના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન તેમજ બિલખાના સરપંચ ભાવનાબેન સાબલપરા, જિલ્લા પંચાયતના સભ્ય અનકભાઈ ભોજક સહિતના અગ્રણીઓ અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.