5-1

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છ જિલ્લાને દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર કરી આજે વિશ્વભરમાં નવી ઓળખ આપી છે, ત્યારે પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં પણ કચ્છ જિલ્લો આદર્શ બને, સમગ્ર રાજય અને દેશને પ્રેરણા પુરી પાડનારો મોડેલ જિલ્લો બને. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ભુજ કલેકટર કચેરી ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ અંગેની સમીક્ષા બેઠકમાં કહ્યું હતું કે, કચ્છમાં ખેતીના એવા મોડેલ ઉભા કરો કે, સમગ્ર દેશ અને રાજયના ખેડૂતો, જાણકારો તથા વિશેષજ્ઞો અહીં પ્રાકૃતિક ખેતીની તાલીમ લેવા અને શીખવા માટે આવે.

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કલેકટર કચેરી ખાતે પ્રાકૃતિક ખેતીની સમીક્ષા બેઠકમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સંલગ્ન આત્મા તથા કૃષિ વિભાગના અધિકારીશ્રીઓ, કૃષિ ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને કચ્છ જિલ્લાના પ્રગતિશીલ કિસાનોને સંબોધતાં જણાવ્યું હતું કે, તેમણે કચ્છના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે માટે વધુ સઘન તાલીમ અને ઉપયોગી તમામ માર્ગદર્શન આપવું જોઈએ. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા કિસાનોના ઉત્પાદનોના વેચાણ માટે કચ્છમાં જિલ્લા કક્ષાએ અને દરેક તાલુકા કક્ષાએ સપ્તાહમાં બે દિવસ વેંચાણકેન્દ્ર શરૂ કરવા પણ જણાવ્યું હતું.

આ બેઠકમાં રાજયપાલશ્રીએ રાસાયણિક ખેતી અને જૈવિક ખેતીના ગેરફાયદા જણાવીને વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતીની શું જરૂરીયાત છે તે અંગે ઊંડાણપૂર્વક જાણકારી આપી હતી. તેમણે ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો તફાવત સમજાવીને વેરાન બનતી જતી જમીનને જીવંત કરવા માટે પ્રાકૃતિક ખેતીને જ એકમાત્ર ઉપાય ગણાવ્યો હતો. વધુમાં તેમણે ઘનજીવામૃત બનાવવાની નવી પધ્ધતિ વિશે ખેડૂતોને જાણકારી આપી હતી. પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનનો ઑર્ગેનિક કાર્બન કેવી રીતે વધે તે અંગે દાખલા સાથે માહિતી આપીને અળસિયાની જરૂરીયાત તેમજ ધટતા જતા ઓર્ગેનિક કાર્બનના કારણો જણાવીને તેના વધારા માટે પ્રાકૃતિક ખેતી કઇ રીતે ઉપયોગી છે તે વિશે વિગતવાર માહિતિ આપી હતી.

રાજયપાલશ્રીએ રાસાયણિક ખાતર અને જૈવિક ખેતીને ગ્લોબલ વોર્મિગ માટે જવાબદાર ગણાવીને ધરતીમાતા, પર્યાવરણ તથા સમગ્ર મનુષ્ય-જીવસૃષ્ટિના બચાવ માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને આહ્વાન કર્યું હતું.
વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓને પ્રાકૃતિક ખેતીની ઝુંબેશને પરિણામલક્ષી બનાવવા દર માસે જુદા જુદા પ્રગતિશીલ ખેડૂતો સાથે બેઠક યોજવા, તાલીમ સઘન બનાવવા, વધુમાં વધુ પ્રચાર-પસાર કરવા સૂચના આપી હતી.
બેઠકમાં આત્મા દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરીને કચ્છમાં પ્રાકૃતિક ખેતી અંગે થયેલી સફળ કામગીરીને રાજયપાલશ્રી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના કારણે થયેલા ફાયદા, નફો, પાકની ગુણવત્તામાં થયેલો સુધારો, જમીનની વધેલી ફળદ્રુપતા તથા જમીનનો કાર્બન જે ૦.૫ થી ઓછો હતો તે કઇ રીતે ૨ થી ૨.૫ ઉપર ગયો તે અંગેના સ્વાનુભાવો વર્ણવ્યા હતા.
આ પ્રસંગે પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં કચ્છના ખેડૂતોના પ્રયાસો તથા સફળતાને તેમજ કચ્છમાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ માટે કરાતા વહીવટીતંત્રના પ્રયાસોને રાજયપાલશ્રીએ બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.

બેઠકમાં કલેકટરશ્રી અમિત અરોરાએ રાજયપાલશ્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. જયારે આભારવિધી કરતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. કે. પ્રજાપતિએ રાજયપાલશ્રીને ખેતીની જમીનનું ઑર્ગેનિક કાર્બન ચેકીંગ, ટ્રેનરોને સઘન તાલીમ તથા મોડેલ જિલ્લો બનાવવા માટેના તમામ પગલા ભરવાની ખાત્રી આપી હતી.