Raj Bhavan Press Release Dt. 3.11.2024
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નૂતન વર્ષે શુભકામનાઓનું આદાન-પ્રદાન કર્યું

રાજભવનમાં આનંદ-ઉલ્લાસપૂર્વક નૂતન વર્ષની ઉજવણી થઈ હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજભવન પધારીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે નૂતન વર્ષે શુભકામનાઓનું આદાન-પ્રદાન કર્યું હતું. મુખ્ય સચિવ શ્રી રાજકુમાર પણ રાજભવન પધાર્યા હતા તેમણે પણ શુભેચ્છાઓની આપ-લે કરી હતી. રાજભવનના પ્રાંગણમાં સંસ્કારભારતી, ગુજરાત પ્રાંતની ભૂઅલંકરણ ટીમની બહેનોએ સુંદર રંગોળીમાં પ્રાકૃતિક ખેતીના સંદેશાની ભાત પાડી છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મુખ્ય સચિવ શ્રી રાજકુમારે આ રંગોળી નિહાળીને સુંદર તસવીરો લીધી હતી. નૂતન વર્ષના પ્રારંભે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી અને પરિવારજનોએ રાજભવન પરિવારમાં આવેલી યજ્ઞશાળામાં હવન કર્યો હતો. ગુજરાત રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારીઓ. ભૂતપૂર્વ સનદી અધિકારીઓ અને નાગરિકોએ રાજભવન પધારીને નૂતન વર્ષની શુભકામનાઓની આપ-લે કરી હતી.

ગાંધીનગરના સંસ્કાર ગ્રુપના બાળકો રાજ્યપાલશ્રી માટે તેમણે જાતે તૈયાર કરેલા કાર્ડ લઈને આવ્યા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજીએ વ્હાલપૂર્વક બાળકોની શુભેચ્છાઓ સ્વીકારી હતી. શુભકામનાઓ પાઠવવા રાજભવન પધારેલા નાગરિકોને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નૂતન વર્ષ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આણનારું બની રહે એવી શુભકામનાઓ પાઠવીને સૌનો આભાર માન્યો હતો.