
લોહાણા એસોસિએશન ઓફ ડીએફડબ્લ્યુ (LADFW) તરફથી રાજકોટના મૂળ નિવાસી અને હાલ ડેલાસ, ટેક્સાસમાં વસવાટ કરતા, કિશોરભાઈ અને કાશ્મીરાબેનના સુપુત્ર તથા કૃતિબેનના પતિ શ્રી આનંદભાઈ પાબારીને લોહાણા મહાપરિષદ, ભારત દ્વારા આપવામાં આવેલા પ્રતિષ્ઠિત “બેસ્ટ રઘુવંશી બિઝનેસ ટાયકૂન એવોર્ડ” પ્રાપ્ત કરવા બદલ હૃદયપૂર્વક અભિનંદન કરાયું હતું.
ઇન્ડિયા બજારની ૧૬ સ્ટોર્સ અને રાજુલાઝ કિચનના માલિક એવા આનંદભાઈ તેમની વ્યવસાયિક સફળતા સાથે સાથે ડીએફડબ્લ્યુ વિસ્તારની અનેક સેવાભાવી સંસ્થાઓને આપતા ઉદાર સહયોગ માટે પણ જાણીતા છે.
ગુજરાતી સમાજમાં તેઓ પ્રેમથી “દાનવીર કર્ણ” તરીકે ઓળખાય છે. આ સન્માનના ઉપક્રમે ૫ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સાંજે ૭ વાગ્યે લોહાણા એસોસિએશન ઓફ ડીએફડબ્લ્યુના બોર્ડ સભ્યો અને સ્વયંસેવકો રાજુલાઝ કિચનમાં ભોજન સમારંભ માટે એકત્રિત થયા હતા.
આ પ્રતિષ્ઠિત એવોર્ડ મુંબઈમાં યોજાનાર સમારંભમાં શ્રી આનંદભાઈ પાબારીને અર્પણ કરવામાં આવશે, જ્યાં LADFWના પ્રમુખ શ્રી કેતુલભાઈ ઠક્કર પણ હાજર રહેશે. આ સન્માન માટેના સૌથી લાયક એવા શ્રી આનંદભાઈ પાબારીને હાર્દિક શુભેચ્છાઓ અપાઇ હતી.

