
શ્રીજી મહારાજની અસીમ કૃપા અને પૂજ્યપાદ ગુરુ મહારાજની આજ્ઞાથી અમેરિકામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન – ડલાસ આંગણે તા. જુલાઈ 27, 2024 થી તા. ઓગષ્ટ 3, 2024 સુધી ગુરુ મહારાજ અને પૂજ્યપાદ મહંત સ્વામીના સાનિધ્યમાં ષષ્ઠમ બ્રહ્મસત્ર અને છઠ્ઠા પાટોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ હતી. આ બ્રહ્મસત્રનો કાર્યક્રમ પૂજ્ય નિષ્કુળાનંદ સ્વામીના જીવનને કેન્દ્રમાં રાખી તૈયાર કર્યો હતો. 1200 થી વધુ સમગ્ર યુ.એસ.એ. અને કેનેડાથી હરિભક્ત પરિવારોએ આ સમગ્ર મહોત્સવનો ભરપૂર લાભ લીધો હતો.

જેમાં દરરોજ સવારના સેશનમાં 350 થી 400 ભક્તો અને સાંજે 650 થી 700 ભક્તો મળીને ષોડશોપચાર પૂજન, ધ્યાન, પ્રભાતફેરી, અનુષ્ઠાન, હિંડોળા ઉત્સવ, સત્સંગનો રંગ, કથાવાર્તા અને સંતો સાથે ગોષ્ટિનો લાભ લેતા હતા.


દરરોજ સવારના કાર્યક્રમની શરૂઆત મહારાજના ષોડશોપચાર પૂજનથી થતી અને ત્યારબાદ હરિભક્તો ધૂન-કીર્તન સાથે મહારાજની પ્રભાતફેરીનો લાભ લેતા અથવા તો ગુરુકુળ મંદિરના પ્રાંગણમાં પ્રાણાયામ-ધ્યાનના સેશન માધ્યમે, સર્વે સુખનું મૂળ શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન છે તેવું અનુસંધાન રાખી, સહુ હરિભક્તો અંતરમાં મહારાજની મૂર્તિ ધારવાનો અભ્યાસ કરતા. પૂજ્ય કૃષ્ણચરણ સ્વામી મહારાજની મૂર્તિના નાના-મોટા સર્વે તિલ-ચિન્હનો મહિમા સમજાવી ધ્યાન કરાવતા. ત્યારપછી પૂજ્ય નિષ્કુળાનંદ સ્વામીના કાવ્ય-ગ્રંથોનું અનુષ્ઠાન થતું હતું. ત્યારબાદ ‘હું પણ genius બનીશ’ શીર્ષક હેઠળ સંતો દ્વારા ઇન્ટરેક્ટિવ સેશન માધ્યમે સર્વે હરિભક્તોને શિક્ષારુપી રસપાનનું પીરસાણ થતું હતું. બપોર પછીના કાર્યક્રમમાં, હિંડોળા ઉત્સવમાં હરિભક્તો ભક્તિભાવપૂર્વક મહારાજને વિધવિધ શણગારેલ હિંડોળામાં કીર્તન-ભક્તિ સાથે ઝુલાવી ખુબ ખુબ લાડ લડાવતા. ત્યારબાદ ‘સત્સંગનો રંગ’ કાર્યક્રમમાં બાળકો, યુવાનો અને વડીલ હરિભક્તો પોતાના સત્સંગના રંગને શ્રી ઘનશ્યામ મહારાજ અને સંતો-હરિભક્તોને રાજી કરવા પ્રસ્તુત કરતા હતા. જેમાં બાળમંચ, સત્સંગમાં પ્રચલિત શબ્દો પર ચર્ચા, પૂજ્ય નિષ્કુળાનંદ સ્વામીના જીવન પ્રસંગો પર પરીક્ષા, મહારાજના યાદ કરેલ દર્શન કહેવા વિગેરે વિષયોનો લાભ મળતો.




નિત્ય સાંજના બ્રહ્મસત્ર કાર્યક્રમમાં પૂજ્ય નિષ્કુળાનંદ સ્વામીના જીવન-કવન વિષે પૂજ્ય ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામીના સુમધુર કંઠે સહુ હરિભક્તોને કથાનું અદ્ભૂત રસપાન થતું. બ્રહ્મસત્રના હૃદય સમા એવા આ સેશનનો સહુ હરિભક્તો અતિ ઉત્સાહથી લાભ લેતા હતા. આ ઉપરાંત સાંજના બ્રહ્મસત્ર કાર્યક્રમમાં મહંત સ્વામી પૂજ્ય દેવપ્રસાદદાસજી સ્વામી શ્રીજી મહારાજ અને સંતો-હરિભક્તો વચ્ચે થયેલા જ્ઞાન-મંથનના જીવનદોરી સમાન વચનામૃતોનું સુંદર જીણવટ ભરી છણાવટથી રસપાન કરાવતા હતા. તે જ સમયમાં જોડે-જોડે યુવા હરિભક્તો માટે યુથ-સેશનનું આયોજન રાખવામાં આવેલ. જેમાં પૂજ્ય કૃષ્ણચરણદાસજી સ્વામી, પૂજ્ય સત્યસંકલ્પદાસજી સ્વામી અને પૂજ્ય હરિનિવાસદાસજી સ્વામીએ આજની વિદેશની યુવા પેઢીને સત્સંગમાં મુંજવતા વિષયો પર અંગ્રેજીમાં સત્સંગનો લાભ આપ્યો હતો. રાત્રે મહાપ્રસાદ બાદ “સંતો-ભક્તોની ગોષ્ઠી” કાર્યક્રમ નિમિત્તે સહુ હરિભક્તો પોતાને આધ્યાત્મિક જીવનમાં મૂંઝવતા પ્રશ્નોનું સંતો સાથે ગોષ્ટિ દ્વારા સમાધાન કરતા હતા.

તા. ઓગષ્ટ 2, 2024 ના શુક્રવારે, પૂજ્ય મહંત સ્વામીના માર્ગદર્શન નીચે સ્વયંસેવક સેમિનારમાં લગભગ 600 થી વધુ સ્વયંસેવકો સમગ્ર અમેરિકા અને કેનેડાથી પધારેલા અને તેમણે આગામી વર્ષમાં પોતાના સત્સંગના ઉત્કર્ષ માટે શું કરવું છે તે માટેની ચર્ચા વિચારણા કરી વર્ષ દરમિયાન પાળવાના નિયમોનું અમૂલ્ય ભાથું ભરી લીધેલ. આ ઉપરાંત, તા. ઓગષ્ટ 2, 2024 ના શુક્રવારે ભક્તિ મહિલા મંડળે મહિલા મંચનું આયોજન કરેલું. તે અંતર્ગત દીકરીઓએ સાંસ્કૃતિક પ્રોગ્રામો દ્વારા અને બહેનોએ આધ્યાત્મિક રૂપક વડે ખૂબ સુંદર સંદેશો આપેલ. આ પ્રોગ્રામ અંતર્ગત વિવિધ સત્સંગ સંબંધી પ્રવચનો અને એક્ટિવિટી પ્રવૃત્તિઓ પણ બહેનોએ દેખાડેલી. ડૉ. સુરેશભાઈ કાછડીયા અને નરેશભાઈ વાઘડિયાના નેતૃત્વ નીચે સહજાનંદ આરોગ્ય ટીમ દ્વારા તા. જુલાઈ 28, 2024ના રોજ હેલ્થફેરનું આયોજન રાખવામાં આવેલ. જેમાં 80 ઉપરાંતના બ્લડ-ટેસ્ટ નિઃશુલ્ક કિંમતમાં કરી બે દિવસમાં તેનું પરિણામ આપવામાં આવતું અને વિના મુલ્યે તેના ઉપર નિષ્ણાંતનો અભિપ્રાય પણ મેળવી શકાતો. આ ઉપરાંત, સહજાનંદ આરોગ્ય ટીમ દ્વારા તા. ઓગષ્ટ 3, 2024ના રોજ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હરિભક્તોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું.

તા. ઓગષ્ટ 3, 2024ના શનિવારે લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજના છઠ્ઠા પાટોત્સવની ઉજવણી થઈ હતી. સવારે 8 વાગ્યાથી શ્રી ઘનશ્યામ મહારાજ તથા શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી સીતારામજી આદિ સર્વે દેવોની પૂજનવિધિ, ન્યાસવિધિ અને મહાભિષેક કરવામાં આવ્યો હતો. અભિષેક પછી વિધવિધ 500 ઉપરાંત વાનગીઓથી શ્રીજી મહારાજને સુંદર અન્નકૂટ ધરાવ્યો હતો. 1200 થી વધુ હરિભક્ત પરિવારોએ અન્નકૂટ દર્શનનો અને પાટોત્સવ સભાનો લાભ લીધો હતો. જયારે સાંજની સભામાં દરેક સેન્ટરથી આવેલ નાના બાળકોએ બાલ સંસ્કાર મંચ નીચે પોતાની કાલી ઘેલી વાણીમાં મહારાજની વાતો,પૂજ્ય નિષ્કુળાનંદ સ્વામીના કાવ્યોની વાતો અને કીર્તનોથી તેમજ કીર્તન ઉપર નૃત્ય કરી સહુના હૃદય જીતી લીધા.

