
ડલાસથી માધુભાઈ પટેલ જણાવે છે કે અમેરિકાના ડલ્લાસમાં રાજકોટ ગુરુકુળ સ્વામિનારાયણ મંદિર પ્લાનો મુકામે ગુરુકુળ સીનીયર સીટીઝન ડલ્લાસના સભ્યોએ હર્ષોલ્લાસ સાથે હોળી – ધુળેટીના તહેવારની ઉજમણી કરી હતી.
ગુરુકુળ સીનીયર સીટીઝન ડલ્લાસના સભ્યોની સભા રાજકોટ ગુરુકુળ મંદિર હોલમાં મળી. આવકારમાં સભ્યોને ચા પાણી અને ધાણી ખજૂર આપવામાં આવ્યા હતા.


સભાની શરૂઆત પ્રાર્થનાથી કરી. ત્યારબાદ પ્રેસિડેન્ટ માધુભાઈ પટેલે ઉપસ્થિત સભ્યોને આવકાર્યા અને મહેમાન ફાર્માસીસ્ટ ચિરાગભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી પરિચય આપ્યો. ચિરાગભાઈએ ડાયાબિટીસ અને બ્લડ પ્રેસર માટે રાખવાની જાગૃતતા અને સાવધાની રાખવા અંગેની સમજ આપી. તેમણે તેમના 19 વર્ષના અનુભવ ઉપરથી જણાવ્યું કે મારી દ્રષ્ટિએ ડાયાબિટીસ કોઈ રોગ નથી પણ આપણી શારીરિક બેદરકારીથી થતી બીમારી છે અને આ બીમારી ના આવે તે માટે સરળ ઉપાય બતાવ્યો કે જીવનમાં શારીરિક શ્રમ, ખાવા પીવાની સાચવણી, કસરત, યોગ વિગેરે જીવનમાં નિયમિત અપનાવી લેવા જોઈએ.

ત્યારબાદ વાઇસ પ્રેસિડેન્ટ રોમાબેન પીઠડિયાએ એપ્રિલમાં બે રાત્રિ અને ત્રણ દિવસ પ્રવાસ આયોજનની સંપૂર્ણ માહિતી આપી હતી.
હોળી – ધુળેટીના તહેવારની ઉજવણી કરવા બધા જ સભ્યો મંદિરના પરિસરમાં ગોઠવાયા અને આનન્દ ઉત્સાહથી એક બીજાને ગુલાબ, કંકું લગાવી તેમજ ફૂલોની વર્ષા કરી રંગે ચંગે તહેવારની ઉજવણી કરી. છેલ્લે મન ભાવન રૂચિકર બબ્બે સ્વીટ સાથેનું સ્વાદિષ્ઠ ભોજન લઈ આજના આનંદની વાતો કરતાં છુટા પડ્યા હતા.