Ahmedabad News

વૈદિક પરંપરા, ભારતીય જીવનમૂલ્યો અને સનાતન વૈદિક ધર્મ જ વિશ્વ શાંતિનો આધાર બની શકે : શ્રી આચાર્ય દેવવ્રતજી

SGVP માં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય અને મહર્ષિ સાંદિપની રાષ્ટ્રીય વેદવિદ્યા પ્રતિષ્ઠાન, ઉજ્જૈન દ્વારા આયોજિત અખિલ ભારતીય વૈદિક સંમેલનનો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શુભારંભ કરાવ્યો

અન્ય ધર્મગ્રંથોની કથાઓ થાય છે તેમ યુવાન વિદ્વાનોએ વેદકથાને પ્રચલિત કરવી જોઈએ

ભારતીય સંસ્કૃતિને સમજવી હશે અને ભારતને જાણવું હશે તો વેદને જાણવા પડશે.

20-10

વૈદિક પરંપરા, ભારતીય જીવનમૂલ્યો અને સનાતન વૈદિક ધર્મ જ વિશ્વ શાંતિનો આધાર બની શકે. પરમાત્મા દ્વારા રચિત વેદના મંત્રોનું માત્ર જ્ઞાન નહીં, ચિંતન કરો. વેદના જ્ઞાનને જીવનમાં અપનાવો. વેદને વિજ્ઞાનની એરણે ચકાસો અને પછી શ્રદ્ધાપૂર્વક વેદના અર્થોને જનમાનસ સુધી પહોંચાડો. શ્રી આચાર્ય દેવ્રતજીએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યાલય- SGVP માં અખિલ ભારતીય વૈદિક સંમેલનનો શુભારંભ કરાવતાં કહ્યું હતું કે, કથાકારો-ધર્મગુરુઓ દ્વારા અન્ય ગ્રંથોની કથાઓ થાય છે તેમ યુવાન વિદ્વાનોએ વેદકથાને પ્રચલિત કરવી જોઈએ. આજે સમાજને વેદકથાની આવશ્યકતા છે.

દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય અને મહર્ષિ સાંદિપની રાષ્ટ્રીય વેદવિદ્યા પ્રતિષ્ઠાન, ઉજ્જૈન દ્વારા તારીખ ૨૦ થી ૨૨ ઓક્ટોબર દરમિયાન અખિલ ભારતીય વૈદિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતભરમાંથી આવેલા ૧૫૦ જેટલા વૈદિક વિદ્વાનો સમગ્ર દેશમાં વેદ પ્રતિ પુનર્જાગરણ કેળવવા અને વૈદિક અધ્યયનના વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્વતજનોની આ સભાને સંબોધતાં વેદ મંત્રોના સંદર્ભ સાથે ખૂબ મહત્વની વાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિને સમજવી હશે અને ભારતને જાણવું હશે તો વેદને જાણવા પડશે. વેદ, દર્શનશાસ્ત્ર, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, ઉપનિષદ જેવા ગ્રંથોને નહીં સમજીએ તો ભારતની સાચી ઓળખ નહીં મેળવી શકીએ.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, વિદેશી આક્રાંતાઓએ ભારત પર આક્રમણ કરીને આપણા બહુમૂલ્ય ઋષિકૃત ગ્રંથો-આર્ષ પરંપરાના ગ્રંથોને નષ્ટ કરી નાખ્યા પરંતુ વૈદિક વિદ્વાનોએ બહુમૂલ્ય ગ્રંથો અને વેદોને કંઠસ્થ કરીને આપણા સુધી પહોંચાડ્યા છે ભારતીય સંસ્કૃતિ આવા વિદ્વતજનોને ક્યારેય નહીં ભૂલે. કંઠસ્થ વેદો આપણા સુધી પહોંચ્યા પરંતુ તેના અર્થોથી અપરિચિત રહ્યા. દૈનિક જીવનમાં તેનું મહત્વ ન રહ્યું એટલે વેદના અર્થોને જનમાનસ સુધી નથી પહોંચાડી શકાયા. તેમણે આ માટે વેદકથાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.

પૃથ્વીની ઉત્પતિ લગભગ બે અબજ વર્ષ પહેલાં થઈ, એવું વૈજ્ઞાનિકો વિજ્ઞાન અને ટેકનોલોજીના આધારે કહે છે. જ્યારે આપણા ઋષિમુનિઓના ગ્રંથોને આધારે કહીએ તો; એક અબજ, ૯૬ કરોડ, ૮ લાખ, ૫૩ હજાર, ૧૨૩ વર્ષ થયાં છે. ભારતીય પ્રાચીન શાસ્ત્રોએ આટલી સચોટતાથી ગણતરી કરી છે. એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આ ધરતી પર પહેલો માનવ અવતર્યો ત્યારે જ વેદ પણ પ્રગટ થયા છે. અગ્નિ, વાયુ, આદિત્ય અને અંગિરા નામના ચાર ઋષિમુનિઓના હૃદયમાં પરમાત્માએ સ્વયમ્ વેદોનું જ્ઞાન મૂક્યું હતું. અગ્નિએ ઋગ્વેદ આપ્યો, વાયુથી યજુર્વેદ મળ્યો, આદિત્યએ સામવેદ અને અંગિરાએ અથર્વવેદ આપ્યો. આ વેદોનું જ્ઞાન શ્રુતિ પરંપરા અને ગુરુ-શિષ્ય પરંપરાથી આપણા સુધી પહોંચ્યું છે. મનુષ્ય જ એક માત્ર પ્રાણી છે જે જ્ઞાન મેળવી શકે છે, તેમાં અભિવૃદ્ધિ કરી શકે છે અને પોતાનું જ્ઞાન અન્યને આપી પણ શકે છે. પૂર્ણ પરમાત્માએ આપેલા વેદ જ આ ધરતી અને ધર્મોનો મૂળ આધાર છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભૌતિક યુગમાં ભોગવિલાસ છોડીને વેદની રક્ષા અને તેના વિસ્તાર માટે પ્રવૃત્ત વિદ્વાન યુવાનોને આ પૂણ્યકાર્ય માટે અભિનંદન આપ્યા હતા અને તેમનો આભાર માન્યો હતો.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, વેદ જ અસલી જ્ઞાનનો સ્ત્રોત છે. સમસ્ત વિદ્યા વેદમાં સમાવિષ્ટ છે. ધર્મ અને મતમાં અંતર છે. આજકાલ મતને જ ધર્મ માનવામાં આવે છે. મનુષ્યએ સંપ્રદાય સ્થાપ્યા છે, પરમાત્મા દ્વારા સ્થાપિત વૈદિક ધર્મ એટલે માત્ર મનુષ્ય જ નહીં, પ્રાણી માત્રની ચિંતા. વિશ્વ શાંતિની ચિંતા અને ‘વસુધૈવ કુટુંબકમ્’ ની વિભાવના. વિશ્વમાં વૈદિક ચિંતન આવે તો આતંકવાદ નહીં રહે, પરમાણુ બોમ્બની આવશ્યકતા નહીં રહે. વૈદિક ધર્મ મનુષ્યને પરસ્પરની કાળજી લેતા શીખવે છે. જેવી રીતે એક ગાય પોતાના બચ્ચાંને જન્મ આપીને પ્રેમ-કાળજીપૂર્વક ચાટીને વહાલ કરે છે, એમ વેદ પણ એકબીજાને કાળજીપૂર્વક પ્રેમ કરતાં શીખવે છે

ઈશ્વર-પરમાત્મા મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા  કે ગીરજાઘરમાં નહીં મળે. પરમાત્માનો વાસ તો એવા હૃદયમાં હોય છે જે બીજાની પીડા-સંવેદનાને પોતાની સમજે છે એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, વેદનું જ્ઞાન, વેદનો અભ્યાસ વિશ્વ શાંતિનો આધાર હોઈ શકે.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યાલય પ્રતિષ્ઠાનના અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ પોતાના ઉદબોધનમાં કહ્યું હતું કે, વૈદિક વિચારધારા વિશ્વની શ્રેષ્ઠ વિચારધારા છે. સનાતન વૈદિક જીવનમૂલ્યોનું શિક્ષણ આપતી ગુરુકુલ શિક્ષણ પ્રણાલિકા મન, ચેતના અને શરીરને વિકસિત કરે છે.SGVP ની સ્થાપના થઈ તે પહેલાં તે જગ્યાએ માત્ર કાંટાળા બાવળ હતા, એવા સંદર્ભ સાથે તેમણે કહ્યું કે, આજે પણ ચોતરફ બાવળના ઝાડ છે, પરંતુ ભારતીય વૈદિક મૂલ્યોની શિક્ષા આપતાં ગુરુકુળ ચંદનના વૃક્ષ સમાન છે. શ્રી માધવપ્રિયદાસજી સ્વામી એ કહ્યું કે, ‘વસુધૈવ કુટુંબકમ્’, સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવ આપણા જીન્સમાં છે. આપણે ભારતીયો અનાદિકાળથી સહિષ્ણુ છીએ. વિવિધતામાં એકતાની વિભાવના સાથે ન્યાય, શાંતિ અને સુખાકારીની સ્થાપના કરવી હશે તો સનાતન વૈદિક પરંપરાના જીવનમૂલ્યોને, ગુરુકુલની શિક્ષા પ્રણાલીને પ્રસારિત અને પ્રચારિત કરવી પડશે.

મહર્ષિ સાંદિપની રાષ્ટ્રીય વેદવિદ્યા પ્રતિષ્ઠાન, ઉજ્જૈનના સચિવ પ્રોફેસર ડૉ. વિરુપાક્ષ જડ્ડીપાલજીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, વૈદિક અધ્યયનની મૌખિક પરંપરાના સંરક્ષણ, સંવર્ધન અને વિકાસ માટે સ્થાપિત આ પ્રતિષ્ઠાન પાઠશાળાઓ અને અન્ય સંસ્થાઓના માધ્યમથી વેદોના અધ્યયન અને અધ્યાપન માટે પ્રવૃત્ત છે. પ્રતિ વર્ષ અખિલ ભારતીય સંમેલન યોજાય છે, ક્ષેત્રીય સંમેલનો પણ યોજાય છે. અત્યાર સુધીમાં અખિલ ભારતીય કક્ષાના ૪૧ સંમેલનો અને ૧૭૫ ક્ષેત્રિય સંમેલનો યોજાયા છે. ભારતના ૨૬ રાજ્યોમાં ૩૪૨ પાઠશાળાઓમાં ૧૯૪૮ ગુરૂજનો દ્વારા ૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ માટે વૈદિક અધ્યયન અને અધ્યાપન ચાલી રહ્યું છે.

અખિલ ભારતીય વૈદિક સંમેલનના શુભારંભ સમારોહમાં SGVP ના  ઉપપ્રમુખ પરમ પૂજ્ય શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી,  સી-ડૈક ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગ્લોરના એસોસિએટ નિર્દેશક શ્રી રામાનુજમ સ્વામી, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના એકેડેમિક નિર્દેશક શ્રી રામપ્રિયજી, ભારતભરમાંથી પધારેલા સારસ્વત વૈદિક વિદ્વાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Chief Editor

Recent Posts

ડલાસઃ એકલ મિશનની અદ્દભૂત સેવા

એકલ ડલ્લાસ દ્વારા ભારતના આશરે 342 ગામડોઓમાં પ્રભાવ પાળવા માટે $222,000 એકત્ર કરાયા લેન્ડમાર્ક DFW…

6 hours ago

ગ્રેટર નોઈડામાં 6 વર્ષની બાળકીની હત્યા, બોરીમાં લાશ લઈ જતા દેખાયો આરોપી

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ગ્રેટર નોઈડા (Greater Noida) વિસ્તારમાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના…

2 days ago

કેનેડામાં વર્ક પરમિટ માટે નવા 90-દિવસના LMIA પ્રોસેસિંગ ગ્રેસ પિરિયડમાં મોટો ફેરફાર

કેનેડાના (Canada) ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ (Temporary Foreign Worker Program - TFWP) માં એક મોટો…

2 days ago

વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર મજબૂત, ઘરઆંગણે માંગ અને ઉત્પાદનમાં તેજીનો દાવો

વૈશ્વિક સ્તરે આર્થિક અને જીઓપોલિટિકલ (Geopolitical) અસ્થિરતા વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર (Indian Economy) સતત મજબૂતી…

5 days ago

કિસાન વિકાસ પત્રમાં પૈસા થશે ડબલ! જાણો વ્યાજ દર અને રોકાણના નિયમો

Kisan Vikas Patra | ભારત સરકાર નાગરિકો માટે સલામત અને સુરક્ષિત રોકાણના અનેક વિકલ્પો પ્રદાન…

5 days ago