14 થી 16 જુલાઇ દરમિયાન ગાંધીનગરમાં 3જી ફાઇનાન્સ અને સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ વર્કિંગ ગ્રુપની મીટિંગ યોજાશે
*
17 અને 18 જુલાઈના રોજ ગાંધીનગરમાં 3જી નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની બેઠક યોજાશે
ગાંધીનગર, 12 જુલાઈ: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારતે G20 નું પ્રમુખપદ સંભાળ્યું છે અને વિશ્વને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વ્યવહારિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
ટ્રેડ અને ફાઇનાન્સ, પર્યાવરણ, પ્રવાસન, શહેરી વિકાસ અને અન્ય ઘણા મહત્વના કાર્યક્રમોનું આયોજન કરીને ભારતના G20 પ્રમુખપદની ઉજવણી કરવામાં ગુજરાત મોખરે રહ્યું છે. U20 મેયોરલ સમિટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી, ગુજરાત ફાઇનાન્સ ટ્રેક મીટિંગ્સની ત્રીજી સાયકલની યજમાની કરવા માટે સજ્જ છે.
ગાંધીનગર જુલાઈ મહિનામાં બે ફાઇનાન્સ ટ્રેક મીટિંગ્સની યજમાની કરવા માટે તૈયાર છે. આ મીટિંગોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
• 14થી 16 જુલાઈ દરમિયાન 3જી ફાઇનાન્સ અને સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ વર્કિંગ ગ્રુપ મીટિંગ
• 17થી 18 જુલાઈ દરમિયાન 3જી ફાઇનાન્સ મિનિસ્ટર્સ અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની મીટિંગ
વિશ્વભરમાંથી 300થી વધુ સહભાગીઓ આ મીટિંગોમાં ભાગ લેવાના છે. આ મહાનુભાવોમાં યુએસએ, ફ્રાન્સ, ચીન, ઇટાલી, યુકે, જર્મની, જાપાન, સાઉદી અરેબિયા, આર્જેન્ટિના, સ્પેન, ઓસ્ટ્રેલિયા, રિપબ્લિક ઓફ કોરિયા જેવા દેશોના ગવર્નરો, ડેપ્યુટી ગવર્નરો, મંત્રીઓ અને વડાઓનો સમાવેશ થાય છે.
3જી ફાઇનાન્સ અને સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ વર્કિંગ ગ્રુપ મીટિંગ
3જી ફાઇનાન્સ અને સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ વર્કિંગ ગ્રૂપ મીટિંગ ગાંધીનગરમાં 14 જુલાઈ 2023ના રોજ શરૂ થશે. મલ્ટીલેટરલ ડેવલપમેન્ટ બેંકો (MDBs) ને મજબૂત કરવા માટે G20 એક્સપર્ટ ગ્રુપના અહેવાલ પર ચર્ચા કરવા માટે G20 રાઉન્ડ ટેબલ યોજવામાં આવશે.
પ્રતિનિધિઓ માટે ‘થર્ડ-પાર્ટી રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્ક સહિત બિગટેક અને ફિનટેકને લગતા નીતિ વિષયક મુદ્દાઓ’ પર ચર્ચાનું પણ સાઇડ ઇવેન્ટ તરીકે આયોજન કરવામાં આવ્યું છે. વર્કિંગ ગ્રૂપ 14મી અને 15મી જુલાઈએ G20 ટેબલ માટે રજૂ કરવામાં આવનાર કોમ્યુનિકનો મુસદ્દો તૈયાર કરશે. ત્યારબાદ, 15 જુલાઈના રોજ પ્રતિનિધિઓ સમૃદ્ધ કાર્યક્રમો અને ભોજન દ્વારા ગુજરાતની સંસ્કૃતિ અને વારસાનો અનુભવ કરશે.
છેલ્લા દિવસે એટલે કે, 16 જુલાઈના રોજ, વિવિધ વિષયો પર મંત્રી સ્તરની પેનલ ચર્ચાઓ યોજાશે, જેમાં, G20 ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટર્સ ડાયલોગ: લીવરેજિંગ ફંડિંગ એન્ડ ફાઇનાન્સિંગ મિકેનિઝમ્સ એન્ડ એપ્રોચીસ ફોર ધ સિટીઝ ઓફ ટુમોરોઝ તેમજ કરચોરી, ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ સામે લડવા પર G20 હાઇ લેવલ ટેક્સ સિમ્પોઝિયમ જેવા વિષયોનો સમાવેશ થાય છે.
આ દિવસે ડેપ્યુટી લેવલના પાર્ટિસિપન્ટ્સ માટે બે સમાંતર સત્રો પણ આયોજિત કરવામાં આવ્યા છે. તેમાં ‘ઇન્ટરલિંકિંગ ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ્સ’ પર વર્કશોપનો સમાવેશ થાય છે, અને ત્યારબાદ ‘અચિવિંગ ગ્રોથ ફ્રેન્ડલી ક્લાઇમેટ એક્શન એન્ડ ફાઇનાન્સિંગ ફોર ઇમર્જિંગ એન્ડ ડેવલપિંગ ઇકોનોમીઝ’ (ઉભરતા અને વિકસતા અર્થતંત્રો માટે વિકાસને સાનુકૂળ ક્લાઇમેટ એક્શન અને ધિરાણ હાંસલ કરવું) વિષય પર એક સત્રનો સમાવેશ થાય છે.
3જી નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની મીટિંગ
ફાયનાન્સ ટ્રેકના બીજા ભાગમાં 3જી નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની બેઠક યોજાશે, જે 17મી જુલાઈથી ગાંધીનગરમાં શરૂ થશે. G20 સભ્ય દેશોમાંથી ભાગ લેનારા નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરો માટે અલગ-અલગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મીટિંગો પછી ‘ગ્લોબલ ઈકોનોમી એન્ડ ગ્લોબલ હેલ્થ’તેમજ ‘સસ્ટેનેબલ ફાઇનાન્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ પર સત્રો યોજાશે. G20 સભ્યો દ્વારા ‘પોલિસી ડાયલોગ્સ: રાઉન્ડટેબલ ડિસ્કશન ઓન ક્રિપ્ટો એસેટ’ પર ચર્ચા પણ યોજાશે.
18 જુલાઈના રોજ, ‘આંતરરાષ્ટ્રીય નાણાકીય આર્કિટેક્ચર’, ‘આંતરરાષ્ટ્રીય કરવેરા’ અને ‘નાણાકીય ક્ષેત્ર અને નાણાકીય સમાવેશ’ પર સત્રો યોજાશે. આ ઇવેન્ટ કોમ્યુનિકને અપનાવવા સાથે સમાપ્ત થશે. સમાપન સમારોહ પછી પ્રેસ કોન્ફરન્સ યોજાશે.

19 જુલાઈના રોજ એક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પ્રતિનિધિઓ હેરિટેજ વોક દ્વારા અમદાવાદની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓના સાક્ષી બનશે. તેઓ સાબરમતી આશ્રમ, અટલ બ્રિજ, અડાલજની વાવની પણ મુલાકાત લેશે અને CEPT યુનિવર્સિટીનો સંસ્થાકીય પ્રવાસ કરશે.