ગાંધીનગર, 20 જૂન: G20 અંતર્ગત 3જી ફાઇનાન્સ ટ્રેક બેઠક ગુજરાતમાં ગાંધીનગર ખાતે 14 થી 18 જૂલાઈ, 2023 દરમિયાન યોજાશે. આ સંદર્ભમાં, નાણાકીય સમાવેશ અને નાણાકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે, રાજ્ય સરકાર બેંકો સાથે ભાગીદારીમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં 21 જૂનથી 20 જુલાઈ, 2023 સુધી એક મહિનાના નાગરિક સહભાગિતા કાર્યક્રમ (સિટિઝન એન્ગેજમેન્ટ પ્રોગ્રામ)નું આયોજન કરી રહી છે. G20 ફાઇનાન્સ ટ્રેક નાણાં મંત્રી – ગવર્નર સ્તરની બેઠક માટે નાગરિક સહભાગિતા કાર્યક્રમ (સિટિઝન એન્ગેજમેન્ટ પ્રોગ્રામ)ના ભાગ તરીકે સમગ્ર રાજ્યમાં નાણાકીય સાક્ષરતા શિબિરો આયોજિત કરવામાં આવશે, જેમાં ડિજિટલ પેમેન્ટ્સ, ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ્સ અને સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ નોંધણી જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

નાગરિક સહભાગિતા કાર્યક્રમ માટેની કાર્ય યોજનાની ચર્ચા કરવા માટે જી-20 સમિટના નોડલ અધિકારી શ્રીમતી મોના ખંધારની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શ્રીમતી મોના ખંધારે તમામ બેંકોને જિલ્લા કલેક્ટરની આગેવાની હેઠળ જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલનમાં ગ્રામીણ સ્તરે નાણાકીય સાક્ષરતા કાર્યક્રમો આયોજિત કરવાની સલાહ આપી હતી. આ કાર્યક્રમના સફળ સંચાલન માટે જિલ્લા વહીવટી તંત્રને જિલ્લાની અગ્રણી બેંક (લીડ ડિસ્ટ્રિક્ટ બેંક) સાથે મળીને કામ કરવા માટે સલાહ આપવામાં આવી છે.
નાગરિક સહભાગિતા કાર્યક્રમના ભાગ રૂપે, નીચેની પ્રવૃત્તિઓ હાથ ધરવાની દરખાસ્ત કરવામાં આવી છે:
• તમામ જિલ્લાઓમાં માઇક્રો ક્રેડિટ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ક્રેડિટ આઉટરીચ પ્રવૃત્તિઓ.
• ડિજિટલ બેંકિંગ અને ચૂકવણી પર તેમજ પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખાતા ખોલવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રામીણ સ્તરે નાણાકીય સાક્ષરતા શિબિરો હાથ ધરવી.
• સામાજિક સુરક્ષા યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજના હેઠળ નોંધણીની પ્રક્રિયા ગ્રામીણ સ્તરે હાથ ધરવી.
બેઠકમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે તમામ જિલ્લા કલેક્ટરો અને જિલ્લાના લીડ ડીસ્ટ્રીકટ મેનેજરોએ હાજરી આપી હતી. રાજ્ય સ્તરે, આ બેઠકમાં ગુજરાતની સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ના કન્વીનર શ્રી મહેશ બંસલ તેમજ રાજ્યની તમામ મોટી બેન્કોના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. SLBC કન્વીનરે જણાવ્યું કે, રાજ્ય સરકાર અને બેંકો બંનેના સંકલિત પ્રયાસોથી સિટિઝન એન્ગેજમેન્ટ પ્રોગ્રામ સફળ થશે. કાર્યક્રમને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે, જિલ્લા સ્તરની સલાહકાર સમિતિઓના નેજા હેઠળ દરેક જિલ્લા માટે જિલ્લા સ્તરીય કાર્ય યોજનાઓ તૈયાર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, G20 ફાઇનાન્સ ટ્રેક નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરો, તેમના ડેપ્યુટીઓ અને વિવિધ કાર્યકારી જૂથની બેઠકો દ્વારા વૈશ્વિક મેક્રો ઇકોનોમિક મુદ્દાઓની ચર્ચા કરે છે. ફાઇનાન્સ ટ્રૅક દ્વારા હાથ ધરવામાં આવેલા કેટલાક મુખ્ય મુદ્દાઓમાં, વૈશ્વિક આર્થિક જોખમોનું વૈશ્વિક આર્થિક આઉટલુક અને નિરીક્ષણ; વધુ સ્થિર અને સ્થિતિસ્થાપક વૈશ્વિક નાણાકીય આર્કિટેક્ચર માટે સુધારા; આંતરરાષ્ટ્રીય કરવેરા; ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ધિરાણ; સસ્ટેનેબલ ફાઇનાન્સ; નાણાકીય સમાવેશ; નાણાકીય ક્ષેત્રના સુધારા અને ભવિષ્યની આરોગ્ય કટોકટી માટે ધિરાણ તેમજ મહામારીને અટકાવવા, તે માટેની સજ્જતા અને તેનો સામનો કરવા માટે રોકાણ વગેરેનો સમાવેશ થાય છે.