મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદના શહેરી વિકાસમાં મહાપાત્રોજીનું મહત્વપૂર્ણ યોગદાન
ડો. ગુરુપ્રસાદ મહાપાત્રોમાં સરકારની પ્રજાલક્ષી યોજનાઓને પ્રજા સુધી
પહોંચાડવાની કાબેલિયત અને દૂરંદેશીતા હતી.
વડાપ્રધાનશ્રીની ‘ઉડાન’ યોજનાને સાકાર કરવામાં મહાપાત્રોજીની મહત્ત્વપૂર્ણ
ભૂમિકા હતી.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે ‘ગુરુમંત્રા, મ્યુઝિંગ્સ ઓફ બ્યુરોક્રેટ – ગુરુપ્રસાદ મહાપાત્રો’
પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પુસ્તક વિમોચન પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ડો. ગુરુપ્રસાદ
મહાપાત્રોમાં સરકારની પ્રજાલક્ષી યોજનાઓને પ્રજા સુધી પહોંચાડવાની કાબેલિયત અને
દૂરંદેશીતા હતી. તેમનો શાંત સ્વભાવ અને વિશિષ્ટ કાર્યપદ્ધતિ તેમની ઓળખ હતી. પોતે
લીધેલા નિર્ણયો અંગે આવકારદાયક સૂચનોને ખુલ્લા દિલે સ્વીકારવાની અને જાહેર હિત માટે
પોતાના નિર્ણયોને સુધારવાની જિંદાદિલી પણ તેમનામાં હતી. પબ્લિક, બ્યુરોક્રેસી અને
પોલિટિક્સ વચ્ચે યોગ્ય તાલમેલ સાધીને કામગીરી કરવાની કુનેહ મહાપાત્રોજીમાં હતી એમ
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
અમદાવાદના મ્યુનિ. કમિશનર તરીકે મહાપાત્રોજીના યોગદાનનો ઉલ્લેખ કરી
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજે દુનિયા અમદાવાદને હેરિટેજ સિટી કે મેટ્રો સિટી તરીકે
વખાણી રહી છે. અમદાવાદના શહેરી વિકાસમાં મહાપાત્રોજીનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે
એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાનશ્રીનો સંકલ્પ હતો કે, ભારતનો સામાન્યમાં
સામાન્ય નાગરિક પણ પ્લેનમાં મુસાફરી કરતો થાય. વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને ‘ઉડાન’
યોજનાથી સાકાર કરવામાં પણ મહાપાત્રોજીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. ભારતના એરપોર્ટના
આધુનિકીકરણ, સુવિધાયુક્ત બનાવવા અને ટેક્નોલોજી અપગ્રેડેશન માટે મહાપાત્રોજીએ સાકાર
કરેલા સફળ અને પરિણામલક્ષી કાર્યોના ફળ આપણે માણી રહ્યા છીએ. એ જ દિશામાં આગળ
ચાલતા આજે રાજ્ય સરકારે રાજ્યમાં એરપોર્ટ જેવા જ બસપોર્ટ આપીને તેમની કાર્ય
વિચારધારાને આગળ ધપાવી છે એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી એક વિઝનરી ગ્લોબલ
લીડર છે, તેમણે ભારતને વિવિધ ક્ષેત્રે અગ્રેસર બનાવવાનું પ્રેરકબળ અને માર્ગદર્શન હંમેશાં
આપ્યું છે. વડાપ્રધાનશ્રીના આવા દિશાદર્શનમાં ડૉ. મહાપાત્રોએ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ
ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડના સચિવ પદે રહી ભારતના ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રેન્કિંગમાં
સુધાર કરવા અનેક પગલાં લીધા હતા.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં કોવિડ
મહામારી સામે લડત આપવા જે એમ્પાવર્ડ ગ્રુપ ફોર મેનેજમેન્ટ બનાવ્યું, તેમાં મહાપાત્રોજીને
અનુક્રમે મેમ્બર અને ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી હતી.
શ્રી ગુરુપ્રસાદ મહાપાત્રોએ પોતાના હાર્ડવર્ક, ઈન્ટેલિજન્સ અને કેપેબ્લિટિઝને કારણે
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિશ્વાસ જીત્યો હતો.કોરોનાકાળમાં દેશને અનેક જરૂરી
બાબતોમાં આત્મનિર્ભર બનાવવામાં મોહાપાત્રાજીનું મોટું યોગદાન હતું. એટલે જ
વડાપ્રધાનશ્રીએ ‘મન કી બાત’ માં તેમને ઉત્કૃષ્ટ કર્મયોગી તરીકે બિરદાવેલા એમ તેમણે
વધુમાં ઉમેર્યું હતું.
આ પુસ્તક વિમોચન પ્રસંગે નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના ગ્રુપ એડિટર
અજય ઉમટે જણાવ્યું હતું કે, પોતાના કાર્યકાળમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં અનેક ક્ષેત્રોમાં
અલગ અલગ ભૂમિકાઓમાં ખરેખર અદ્ભુત અને ક્રાંતિકારી કહી શકાય એવા ઉપક્રમો જાહેર સેવા
માટે ઉપલબ્ધ કરાવવામાં ડો. ગુરુપ્રસાદ મહાપાત્રોનો બહુ મોટો ફાળો છે. સુરેન્દ્રનગરથી શરૂ
કરીને સુરત તથા અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં પાણીની તંગી, વીજળીની સમસ્યાઓ
સહિત અનેક ક્ષેત્રોમાં ઉદ્દભવતી સમસ્યાઓના નિરાકરણ માટે બહુઉપયોગી યોજનાઓ શરૂ
કરવામાં ડો. ગુરુપ્રસાદ મહાપાત્રોનું બહુ મોટું યોગદાન રહેલું છે. અમદાવાદમાં મ્યુનિસિપલ
કમિશ્નર તરીકેના તેમના કાર્યકાળમાં વર્લ્ડ હેરિટેજ સિટી માટેનું ડોઝિયર તૈયાર કરવાથી લઈને,
બીઆરટીએસ,રિવર ફ્રન્ટ, ફ્લાવર શો અને SVP હોસ્પિટલ શરૂ કરવામાં શ્રી મહાપાત્રોની
દૂરંદેશી કાર્યશૈલીનું બહુ મોટું યોગદાન રહેલું છે. એટલા માટે જ તેમને ફિલ્ડ માર્શલ, પ્રોબ્લેમ
સોલ્વર અને ક્રાઇસિસ મેનેજર જેવા ઉપનામોથી ઓળખવામાં આવતા હતા એમ તેમણે વધુમાં
ઉમેર્યું હતું.
આ પુસ્તક વિમોચન પ્રસંગે નિવૃત્ત આઇએએસ અધિકારીશ્રી શ્રીમતી રીટા તેવટીયાએ
જણાવ્યું હતું કે, ડો. ગુરુપ્રસાદ મહાપાત્રો એક પ્રેક્ટીકલ વિચારસરણી ધરાવતા બ્યુરોક્રેટ હતા.
તેમણે હંમેશા તેમના લેખોમાં જાહેર સેવાને સ્પર્શતા મુદ્દાઓ અંગે સચોટ અને ડાઉન ટુ અર્થ
આલેખન કર્યું હતું. તેઓ એક જિંદાદિલ અધિકારી અને ઉમદા વ્યક્તિત્વના માલિક હતા એમ
તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પુસ્તક વિમોચન પ્રસંગે નિવૃત્ત આઇએએસ અધિકારીશ્રી અને ગિફ્ટ સિટીના ચેરમેન
શ્રી સુધીર માંકડે ડો. ગુરુપ્રસાદ મહાપાત્રોના વિવિધ વિભાગોમાં કાર્યકાળ દરમિયાનના પ્રસંગો
વાગોળતા જણાવ્યું હતું કે, તેઓ જાહેર જનતાની સેવા માટે ઘડવામાં આવેલી નીતિઓને લોકો
સુધી પહોચાડવા હંમેશા તત્પર રહેતા. ઘણા પ્રસંગોએ તેમની આઉટ ઓફ બોક્સ વિચારસરણી
જાહેર વહીવટમાં આવતી ચેલેંજીસમાં ઉત્કૃષ્ટ સમાધાનો ઉપલબ્ધ કરાવતી હતી. સુરતમાં
આવેલા તાપી નદીના પૂરમાં એમણે અન્ય આઈએએસ અધિકારીઓ સાથે પોતાના જીવની
પરવા કર્યા વગર ઘણી જ ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. આ બુકમાં જાહેર વહીવટ, અર્બન
લેન્ડસ્કેપિંગ, પર્યાવરણ સંરક્ષણ અંગે ડો. ગુરુપ્રસાદ મહાપાત્રોનો અલગ અને આગવો દ્રષ્ટિકોણ
જોવા મળે છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડો. ગુરુપ્રસાદ મહાપાત્રોનું કોરોના દરમિયાન નિધન થયું હતું.
તેમને કોરોના મહામારી દરમિયાન ઓક્સિજનની અછતને પહોંચી વળવા તેમજ અન્ય
બાબતોમાં કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ મરણોત્તર પદ્મશ્રી પુરસ્કાર એનાયત
કરવામાં આવ્યો હતો. આ પુસ્તકમાં ડો. ગુરુપ્રસાદ મહાપાત્રોના જીવન, તેમની વિચારધારા,
કાર્યશૈલી સહિત અમલદારશાહીના વિચારોનું રસપ્રદ વર્ણન કરવાના આવ્યું છે.
આ પુસ્તક વિમોચન પ્રસંગે પૂર્વ મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર સહિત ઘણા આઇએએસ
અધિકારીઓ, સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.