૨૬ ડિસેમ્બર, ૨૦૨૨, અમદાવાદ
અધ્યાત્મ, નિત્ય જીવન, સાહિત્ય અને ઇતિહાસની દૃષ્ટિએ સ્વામિનારાયણ સંત સાહિત્યના અદ્વિતીય પ્રદાન અંગે યોજાયો પરિસંવાદ
***

પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યો, સંવાદિતા, તેમજ ગહન દાર્શનિક બાબતોને વિશ્વમાં પહોંચાડવા ‘આર્ષ’ અને ‘બી એ પી એસ સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ ની સ્થાપના થઈ
સાહિત્યની શતાબ્દીઓ પુરાણી યાત્રામાં સ્વામિનારાયણીય સંતસાહિત્યનું મહત્ત્વ આગવું બની રહ્યું છે. સાહિત્ય-સંગીત-કલાના પરિપોષક ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના સંતશિષ્યોને પ્રેરણા આપીને વૈવિધ્યસભર સત્ત્વશીલ સાહિત્ય રચાવ્યું હતું. સ્વામી મુક્તાનંદજી, સ્વામી બ્રહ્માનંદજી, સ્વામી પ્રેમાનંદજી, સ્વામી નિષ્કુળાનંદજી, સ્વામી નિત્યાનંદજી વગેરે પ્રખર વિદ્વાન-કવિ-સર્જકો દ્વારા રચાયેલું વિપુલ ગદ્ય અને પદ્ય સાહિત્ય ગુજરાતી સાહિત્યનું ઘરેણું બની રહ્નાં છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણના મહાન સંતોના એ વિપુલ સાહિત્ય વારસાને સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે એવો ને એવો જ જીવંત રાખ્યો છે. બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન સંતો પાસે વિપુલ ગદ્ય-પદ્ય સાહિત્ય રચાવીને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે ભગવાન શ્રી સ્વામિનારાયણની સાહિત્ય સર્જનની પરંપરાને નવપલ્લવિત રાખી છે.
સંધ્યા સભા
‘સ્વામિનારાયણીય સંત સાહિત્ય – લોક સાહિત્ય દિન’ ની વિશિષ્ટ સભાનો આરંભ સાંજે ૪:૪૫ વાગ્યે ધૂન-કીર્તન સાથે થયો હતો.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના બૃહદ જીવનચરિત્રનું આલેખન કરનાર BAPS ના પૂ આદર્શજીવન સ્વામીએ પ્રમુખ ચરિતમ’ પ્રવચનમાળા હેઠળ જણાવ્યું, “ સંત તો ફરતા તીર્થ કહેવાય અને તેઓ જ્યાં જ્યાં વિચરણ કરે ત્યાં ત્યાં તીર્થ રચાય અને પ્રમુખસ્વામી મહારાજ એવા હરતાંફરતાં તીર્થસ્વરૂપ જ હતા અને આ પ્રમુખસ્વામી મહારાજ નગર પણ તીર્થ સમાન બની ગયું છે.
પ્રમુખસ્વામી મહારાજ હંમેશા પોતાના ગુરુઓના ચરિત્રોની નોંધ કરતા હતા અને પોતાની પ્રત્યેક ક્રિયામાં પોતાના ગુરુનું અનુસંધાન રહેતું. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કોઈ પણ કાર્યનો યશ પોતાના ગુરુને જ આપતા. પ્રમુખસ્વામી મહારાજે હંમેશા કહેતા કે મારા અને ગુરુ શાસ્ત્રીજી મહારાજ વચ્ચે “ભક્ત અને ભગવાન” જેવો સંબંધ હતો. “ગુરુને ગમે એ મને ગમે” એ જીવનસૂત્ર સાથે પ્રમુખસ્વામી મહારાજ આખું જીવન જીવ્યા.”
***
ત્યારબાદ સંગીતવૃંદ દ્વારા ‘આ તન રંગ પતંગ’ કીર્તન પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
BAPS ના વરિષ્ઠ સંત અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની અભૂતપૂર્વ વિચરણ યાત્રા, જીવન-કાર્યના સાક્ષી અને અનેકવિધ પુસ્તકોના લેખક એવા પૂ. વિવેકસાગર સ્વામી દ્વારા ‘સંત સાહિત્યના પુરસ્કર્તા ભગવાન સ્વામિનારાયણ’ વિષયક મનનીય પ્રવચન આપવામાં આવ્યું હતું.
તેમણે જણાવ્યું,
“સ્વામિનારાયણ સંપ્રદાય અને તેના સંતો-મહંતોએ સાહિત્ય ક્ષેત્રે અનેક યોગદાન આપ્યાં છે, જેમાં તેમને વિવિધ ભાષાઓમાં લખેલા ગ્રંથો, કાવ્યો , ભજનો વગેરે નો સમાવેશ થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંત સાહિત્ય નો સાગર ઘૂઘવી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય નું સાહિત્ય એ મનોરંજન માટેનું નથી પરંતુ મનો-પરિવર્તન માટેનું છે.”
ત્યારબાદ સભામાં ઉપસ્થિત મહાનુભાવોમાંથી અનેક મહાનુભાવોએ તેમના વક્તવ્ય દ્વારા પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પણ કરી હતી.
જાણીતા કવિ, લેખક શ્રી માધવ રામાનુજે જણાવ્યું,

“મેં પ્રમુખસ્વામી મહારાજના દર્શન સૌપ્રથમ વખત જ્ઞાનસત્ર માં 1981માં કર્યા હતા એ મને આજે પણ યાદ છે. પ્રત્યેક વ્યક્તિના વ્યક્તિત્વમાં માતાપિતા નો અણસાર આવે છે એ રીતે પ્રમુખસ્વામીના દર્શન કરીએ ત્યારે ભગવાનનો અણસાર આવે છે અને તેમના વિચારોમાં, પ્રવચનમાં, કાર્યોના આયોજનમાં બધે જ ભગવાનનો અણસાર આવતો હતો.
જ્યારે જ્યારે પ્રમુખસ્વામી મહારાજના દર્શન કરીએ ત્યારે આપણે આપણાં પરિવારના વડીલને મળતા હોઈએ તેવી લાગણી અનુભવાય છે. તેમને ચાહનારા અનેક વ્યક્તિઓના હૃદય-મંદિરમાં તેઓએ સ્થાન લીધું હતું.”
ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટિલે જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજના વિચારો અને સંસ્કારોને પ્રદર્શિત કરવાના સફળ પ્રયત્નો આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જોવા મળે છે અને મારું સૌભાગ્ય છે કે હું પ્રમુખસ્વામી મહારાજને ૫ વાર મળી શક્યો છું.
પ્રમુખસ્વામી મહારાજે લંડન મંદિર નિર્માણ વખતે કહ્યું હતું તે કે ,’અહી અમે મંદિરનું નિર્માણ કરીશું અને તે મંદિર વ્યક્તિવિશેષનું નિર્માણ કરશે અને તે વ્યક્તિઓ પ્રમાણિક અને સદાચારી જીવન જીવશે’ અને આજે આ નગરમાં પણ ૮૦,૦૦૦ સ્વયં સેવકો નાતજાતના ભેદભાવ વગર આ નગરમાં સેવામાં જોડાયા છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ કાર્ય ભલે ૧ મહિના માટેનું હોય પરંતુ તેની રચના સદીઓ સુધી રાખવાનું હોય તે રીતે કરવામાં આવી છે.”
શ્રી વિલે પાર્લે કેળવણી મંડળના પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી અમરીશભાઈ પટેલે જણાવ્યું,
“આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગરને જોઈને મને સ્વપ્નું જેવું લાગે છે અને પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ જોઈને કરુણાથી ભરેલી એમની આંખો મારા હૃદયને સ્પર્શ કરી જાય છે.
હજારો વર્ષોમાં એકવાર આવા યુગપુરુષ આ પૃથ્વી પર અવતરે છે અને પ્રમુખસ્વામી સાચા અર્થમાં યુગ પુરુષ હતા.”
ભારતીય ઉદ્યોગરત્ન એવોર્ડથી વિભૂષિત શ્રી સંજય ઘોડાવતે જણાવ્યું,
“આજે મારી જિંદગીનો સૌથી ભાગ્યશાળી દિવસ છે કારણકે આ શતાબ્દી મહોત્સવ અને પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવવાની મને તક મળી.મારા માટે આ પ્રમુખસ્વામી મહારાજ નગરનું પ્રબંધન અને આયોજન એ શીખવાનો વિષય છે.”
હરિસિંહ ગૌર વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રોફ. ડૉ બળવંતભાઈ શાંતિલાલ જાનીએ જણાવ્યું,
“પ્રમુખસ્વામી એ આપણા સમયની વિરલ વિભૂતિ અને આદર્શ વિભૂતિ અને ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એવી વ્યક્તિ હતા જેઓ ભગવાન સ્વામિનારાયણે દર્શાવેલા મૂલ્યો અને આદેશોનું નિર્વહન એક સાચા વારસદાર તરીકે કરી ગયા.પ્રમુખસ્વામી મહારાજમાં સહજાનંદ સ્વામી મહારાજનો માતૃત્વ વાત્સલ્ય ભાવ જોવા મળતો હતો.
આપણે ભૂતકાળના મહાપુરુષો ને નથી જોયા પરંતુ આપણે ગર્વ સાથે કહી શકીશું કે ,”મેં પ્રમુખસ્વામી મહારાજના દર્શન કર્યા છે. આ શતાબ્દી મહોત્સવ દર્શનાર્થીઓના જીવન પરિવર્તનનો મહોત્સવ છે. મારા માટે આ સામાન્ય ઉત્સવ નથી પરંતુ આપણા સમયની એક સાંસ્કૃતિક ઘટના છે.
મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને દૃષ્ટિથી સંતોએ કરેલું નગર નિર્માણ નું કાર્ય એ મારા જીવનની અવિસ્મરણીય ઘટના છે.”
ગુજરાત સાહિત્ય પરિષદના પૂર્વ પ્રમુખ શ્રી રઘુવીર ચૌધરીએ જણાવ્યું,
“ઇશ્વરચરણ સ્વામી સાથે મારો નાતો તેમના પિતા હર્ષદભાઈ દવેના સમયથી છે જેમણે મને આ સંપ્રદાયનું જ્ઞાન આપ્યું છે. મહંતસ્વામી મહારાજ સાથે શિકાગો માં ૧૦-૧૧ કિમી ચાલવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું હતું તે મારું સૌભાગ્ય છે.
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં એક બાળકના દર્શન થયા જે પ્રદર્શન અંગે સમજાવતો હતો ત્યારે તેને જોઈને મને મનાયું કે ,”બાળકને સાચા ગુરુ મળી જાય તો બાળક કઈ કક્ષાએ પહોંચી જાય છે તેનું આ ઉદાહરણ છે. આજે અમેરિકામાં પણ બાળકો ગુજરાતી ભાષા શીખી રહ્યા છે માટે આપણું ભવિષ્ય ઉજ્જવળ છે. આ સંપ્રદાયમાં “કરિષ્યે વચનમ તવ” ની ભાવના જોવા મળે છે.”
ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટના ટ્રસ્ટી પદ્મ શ્રી કુમારપાળ દેસાઇએ જણાવ્યું,

“ કેટલીક વસ્તુઓ પ્રાચીન હોય છે અને કેટલીક વસ્તુઓ અર્વાચીન છે પરંતુ આજની આ ઘટના એ શાશ્વત છે કારણકે આ એક વિશ્વસંત ની શતાબ્દી છે. “શરત વગર વહાલ કરવું અને કારણ વગર આપતા રહેવું” એ આપણને પ્રમુખસ્વામી મહારાજે શીખવ્યું છે અને માનવહૃદયના પ્રેમથી કઈ રીતે જીવન પરિવર્તન કરી શકાય તેનું ઉજ્જવળ ઉદાહરણ પ્રમુખસ્વામી મહારાજ છે.
તેઓ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર છે. વ્યક્તિગત સેવાના બદલે કૌટુંબિક સેવાનો અભિગમ પ્રમુખસ્વામી મહારાજે તમામ ભક્તોને શીખવ્યો છે. પ્રમુખસ્વામી મહારાજ બાળ સંસ્કાર માટે કહેતા કે, “જો તમે તમારા બાળકોને સંસ્કાર નહી આપો તો તમારે સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે.”
ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરપર્સન શ્રી ભાગ્યેશ ઝાએ જણાવ્યું,

“ પ્રમુખસ્વામી મહારાજ નગરને જોઈને હું ખૂબ જ અભિભૂત થયો છું અને નગરની રજે રજમાં પ્રમુખસ્વામી મહારાજના દર્શન થાય છે અને પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ જોઈને એમ થાય છે કે હમણાં પ્રમુખસ્વામી મહારાજ બોલાવશે કારણકે બાપાને હું ૩૨ વખત મળ્યો છે અને ૫૦ થી વધારે ધબ્બા ખાધા છે જે મારા માટે અવિસ્મરણીય અનુભવ છે.
આ માત્ર શતાબ્દી મહોત્સવ નથી પરંતુ ભારતીય સંસ્કૃતિનો મહોત્સવ છે. જેમ દરેક દેશમાં રાજદૂત હોય છે તેમ પ્રમુખસ્વામી મહારાજ એ ઈશ્વરના પ્રેમદુત હતા.”
આસામના કેબિનેટ રાજ્ય મંત્રી શ્રી અશોક સિંઘલે જણાવ્યું,
“મારા માટે ગર્વની વાત છે કારણકે આજે મને આ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગુજરાતમાં દરેક વસ્તુ ભવ્ય હોય છે પરંતુ અહી આવીને આ પ્રમુખસ્વામી મહારાજ નગરની ભવ્યતા જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે અકલ્પનીય છે.
ભલે પ્રમુખસ્વામી મહારાજ આપણી વચ્ચે નથી પરંતુ તેમની દિવ્ય ચેતના આપણાં સૌની વચ્ચે હાજર છે.સનાતન સંસ્કૃતિના પ્રવર્તનનું અલૌકિક કાર્ય આ સંસ્થા કરી રહી છે અને વિશ્વભરમાં મંદિરોનું નિર્માણ કરીને માનવ ઉત્કર્ષનું ભગીરથ કાર્ય કર્યું છે.”
હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આરલેકરે જણાવ્યું,
“આજે કોઈ પણ માણસને પ્રબંધનના પાઠ શીખવા હોય તો આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને સારી રીતે શીખી શકાય છે.હું પણ આજે આ નગરમાં માર્ગદર્શન આપવા નહિ પરંતુ પ્રમુખસ્વામી મહારાજ , સંસ્થા અને સ્વયંસેવકો માંથી શીખવા માટે આવ્યો છું.”
પરમ પૂજ્ય મહંતસ્વામીજી મહારાજે આશીર્વાદ આપતાં કહ્યું ,
“પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે “જીવનમાં ધાર્મિક અને જીવન ઉપયોગી સાહિત્ય વાંચવાની આદત પાડવી.આધ્યાત્મિક વૃત્તિ થાય તે માટે વચનામૃત, સ્વામીની વાતો અને ગુરુ પરંપરાના જીવનચરિત્રો વાંચવા.
“ભગવાન સ્વામિનારાયણ અને ગુરુપરંપરાના પ્રસંગો ઊંડાણપૂર્વક વાંચવા અને તેઓના પ્રસંગોનું મનન કરવું “
“વાંચન હંમેશા એકાગ્રતાથી કરવું અને સાથે પ્રાર્થના કરતા રહેવું અને જે વાંચીએ તેનું પુનરાવર્તન કરવું.”
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ૨૬ ડિસેમ્બર, સોમવારના રોજ યોજાયેલ પરિસંવાદ
સ્વામિનારાયણ સંત સાહિત્ય
બી એ પી એસ સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે ‘સ્વામિનારાયણ સંત સાહિત્ય’ વિષયક વિશિષ્ટ સેમિનાર યોજાયો હતો.
“ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી હિમાંશુભાઈ પંડયાએ જણાવ્યું હતું,
“સંત સાહિત્ય એવું સાહિત્ય છે જે લોકોના હ્રદયને સ્પર્શી જાય છે. સંત આપણને સકારાત્મક વલણથી પ્રેરિત કરે છે અને આપણને ભગવાન સુધી દોરી જાય છે. માતાની જેમ સંતો આપણું રક્ષણ અને પોષણ કરે છે.”
વિખ્યાત કવિ, વિવેચક, ૮૦ કરતાં વધુ પુસ્તકોના લેખક, સાહિત્ય અકાદમી એવોર્ડ અને જ્ઞાનપીઠ એવોર્ડનાં વિજેતા શ્રી રઘુવીરભાઈ ચૌધરી જણાવ્યું,
“ ભગવાન સ્વામિનારાયણ અને સંતોએ જે કાર્ય કર્યું છે તે અભૂતપૂર્વ છે. સ્વામિનારાયણ સંત સાહિત્ય દ્વારા સમગ્ર વિશ્વમાં મૂલ્યોનો પ્રસાર થઈ રહ્યો છે. વચનામૃત અને શિક્ષાપત્રી મહાન શાસ્ત્રો છે. આ સંપ્રદાયનો આધાર નક્કર આધ્યાત્મિક તત્વજ્ઞાન છે. પ્રમુખસ્વામી મહારાજે મિલેનિયમ વર્લ્ડ સમિટમાં તેઓના સંબોધન દ્વારા ગુજરાતી ભાષાને ગૌરવ અપાવ્યું. ”
કવિ અને નિબંધકાર શ્રી અનિલભાઈ જોશીએ જણાવ્યું,
“ મને યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજના ઘણી વાર આશીર્વાદ સાંપડ્યા છે . મારા અકસ્માત સમયે પણ લીવર ક્ષતિગ્રસ્ત થયું હતું, પરંતુ યોગીજી મહારાજના આશીર્વાદથી સઘળું સારું થઈ ગયું. તેઓના આશીર્વાદ મારી નસોમાં વહે છે. પ્રમુખસ્વામી મહારાજ જેવા ગુરુ ભલે શાંત રહે, પરંતુ તેઓ ભગવાન સ્વામિનારાયણના પ્રતાપથી અને તેઓના આશીર્વાદ ફળે છે.”
ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન શ્રી ભાગ્યેશભાઈ ઝાએ જણાવ્યું,
“આ સંતકવિઓના સર્જનમાં આપણે સૌએ અવગાહન કરવું જોઈએ, જેથી વૈશ્વિક ઉર્જા અને દિવ્યતાનો અનુભવ આપણે કરી શકીએ. બ્રહ્માનંદ, મુક્તાનંદ અને પ્રેમાનંદના કાવ્યોમાં પારલૌકિક વિશ્વનું નિરૂપણ છે, જેના દ્વારા જીવન અને બ્રહ્માંડના રહસ્યોને આપણે સમજી શકીએ છીએ.”
ડૉ. હરિસિંહગોર વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રોફ. ડૉ બળવંતરાય જાનીએ ગુજરાતી ભક્તિ સાહિત્યમાં બ્રહ્માનંદ સ્વામીના પ્રદાનને વધાવ્યું. બ્રહ્માનંદ સ્વામીની કાવ્યરચનાઓના વિવિધ પ્રકારોને તેમણે આદરાંજલિ અર્પી. તેમણે જણાવ્યું, “ બ્રહ્માનંદ સ્વામી શીઘ્ર કવિ હતા. ભગવાન સ્વામિનારાયણની ઉદાત્ત ભાવનાઓથી, બ્રહ્માનંદ સ્વામીએ અન્ય ધર્મોના લોકો સાથે પણ આદરભાવ સંપાદિત કર્યો હતો, જેમાં જૂનાગઢના મુસ્લિમ નવાબ પણ હતા.”
CNN અને CBS ખાતેના પૂર્વ પત્રકાર અને કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર એવા શ્રી યોગી ત્રિવેદીએ જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજે તેમને સાહિત્યમાં આગળ વધવાની અને વિશ્વ સુધી સદ્સાહિત્યના પ્રસાર માટે પ્રેરણા કરી. પ્રમુખસ્વામી મહારાજે તેમને કહ્યું હતું, “ પહેલાં સ્વયં શિક્ષિત બનો અને પછી અન્યને શિક્ષિત કરો.”
ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વે ગુજરાતી સાહિત્ય વિભાગના અધ્યક્ષ અને પદ્મશ્રી એવોર્ડનાં વિજેતા શ્રી કુમારપાળ દેસાઇએ જણાવ્યું, “ સ્વામિનારાયણ સંતકવિઓએ તેમની સમક્ષ રહેલાં સ્વરૂપને ભક્તિ રૂપે આરાધ્યા. આ સંત કવિઓની રચનાઓ મીરા, નરસિંહ અને સૂરદાસની રચનાઓને સમકક્ષ છે. આ સંતકવિઓની રચનામાં તેઓના પોતાના જીવનમાં રહેલી ભક્તિ અને વૈરાગ્યનો વિરલ સંગમ જોવા મળે છે.”
‘અખંડ આનંદ’ ના સંપાદક, ગાંધર્વ સંગીત વિદ્યાલય ટ્રસ્ટ અને અમદાવાદ તથા ગુજરાતની સાહિત્ય પરિષદના પૂર્વ પ્રમુખ એવા પ્રોફ. માધવ રામાનુજે પ્રમુખસ્વામી મહારાજ સાથે પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા.
ગુજરાતના પૂર્વ ચીફ ઇન્ફોર્મેશન કમિશનર એવા શ્રી વસંત ગઢવીએ સ્વામીનારાયણીય સંત સાહિત્યને ગંગાની ધારા સમાન ગણાવ્યું હતું.
BAPS ના પૂ. ભદ્રેશદાસ સ્વામીએ જણાવ્યું,”સંતકવિઓની કૃતિઓની સાથે જોડાયેલાં લોકસંગીતને જાળવવું અગત્યનું છે. કવિનું સર્જન કોઈ તાલીમ દ્વારા નહીં, પરંતુ પોતાના જીવનના સંઘર્ષો અને કષ્ટોની વચ્ચે થાય છે.”