Breaking News

Default Placeholder

ભૂકંપ બાદના વિકાસ અને કચ્છની ખુમારીને સમર્પિત વિશેષ મ્યૂઝિયમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશે


રિયલટાઇમ ભૂકંપનો અનુભવ કરાવવા માટે મ્યૂઝિયમમાં ખાસ થિયેટરનું નિર્માણ કરાયું

**

આધુનિક ટેક્નોલોજી અને વર્ચ્યુઅલ રિયાલીટીની મદદથી મુલાકાતીઓને ઉમદા અનુભવ મળશે


28 ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરવાના
છે. 26 જાન્યુઆરી 2001ના આવેલા ગોઝારા ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું અને તેમાં ભોગ બનેલા
નાગરિકોના યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોનારત સામે કચ્છ એક અભૂતપૂર્વ સફર ખેડીને
બેઠું થયું છે અને આજે કચ્છના વિકાસનો ડંકો વિશ્વભરમાં વાગે છે. સ્મૃતિવન બનાવવાનો નિર્ધાર તત્કાલિન
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રજૂ કર્યો હતો. આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ
હેઠળ રાજ્ય સરકારે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે અને તેથી હવે આ પ્રોજેક્ટ સાકાર થયો છે. સ્મૃતિવનમાં બનાવવામાં
આવેલું વિશેષ મ્યૂઝિયમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશે.

ભૂકંપની ક્ષણને ફરી જીવંત કરવા અને તેમાંથી આપણે શું શીખ્યા, તેમજ યુવાનોમાં ભૂસ્તરવિજ્ઞાન પ્રત્યે
રૂચિ પેદા થાય તે હેતૂથી આ મ્યૂઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભૂસ્તરશાસ્ત્રને લગતી વિવિધ રસપ્રદ માહિતી
તેમજ ભૂકંપની સ્મૃતિઓને અહીં અલગ અલગ ગેલેરીમાં દર્શાવવામાં આવશે. તેના માટે આધુનિક ટેક્નોલોજી અને
ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ભૂકંપનો અનુભવ કરવા માટે વિશેષ થિયેટર

2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયટેરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે
વિશ્વમાં સૌથી મોટા સ્ટિમ્યુલેટર પૈકી એક છે. અહીં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ
પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવશે. મ્યૂઝિયમમાં કુલ આઠ બ્લોક છે જેમને પુન: સંરચના, પુન:પરિચય,
પુન:પ્રત્યાવર્તન, પુન:નિર્માણ, પુન:વિચાર, પુન:આવૃતિ અને પુન:સ્મરણ નામ આપવામાં આવ્યું છે. અહીં
ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની કળા અને સંસ્કૃતિ, વાવાઝોડાનું
વિજ્ઞાન, રિયલટાઇમ અપાતકાલિન સ્થિતિ અંગે ક્ન્ટ્રોલ રૂમ દ્વારા સમજૂતિ તેમજ ભૂકંપ બાદના ભુજની
સાફલ્યગાથાઓ અને રાજ્યની વિકાસયાત્રા વર્કશોપ અને પ્રેઝન્ટેશનના માધ્યમથી દર્શાવવામાં આવી છે.

વર્ચ્યુઅલ રિયાલીટી, ઇન્ટરેક્ટિવ પ્રોજેક્શનથી ઉમદા અનુભવ

મુલાકાતીઓને અહીં એક ઉમદા અનુભવ મળે તે હેતુથી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં
આવ્યો છે. તેમાં 50 ઓડિયો-વિઝ્યુઅલ મોડલ, હોલોગ્રામ, ઇન્ટરેક્ટિવ પ્રોજેક્શન અને વર્ચ્યુઅલ રિયાલીટીનો
ઉપયોગ કરવામાં આવ્યો છે. જીવાશ્મોનું પ્રદર્શન પણ લોકો અહીં જોઇ શકશે. આ સ્થળ સ્થાનિક કળા સંસ્કૃતિ અને
ભૂકંપ બાદની સાફલ્યાગાથાની સાથે વિજ્ઞાનનો એક અદભૂત સમન્વય કરવામાં આવ્યો છે.
ડિજીટલ મશાલથી શ્રદ્ધાંજલિ

પુન:સ્મરણ બ્લોકમાં મુલાકાતીઓ ગેલેરીમાં પહોંચીને ભોગ બનેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપી શકશે.
અહીં ટચ પેનલ પર ડિજીટલ મશાલ પ્રગટાવવાથી તે એલઇડી દિવાલમાંથી થઇને સિલીંગની બહાર એક પ્રકાશ
બીમની જેમ નિકળશે અને સમગ્ર ભુજ શહેરમાંથી જોઇ શકાશે.
સ્થાનિક ખાવડા સ્ટોનનો ઉપયોગ

કચ્છનો વિશેષ રંગ ઉમેરાય તે હેતૂથી આ મ્યૂઝિયમની દિવાલો અને ફ્લોરમાં સ્થાનિક ખાવડા સ્ટોનનો
ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પથ્થરની વિશેષતા એ છે કે સમય જતા લોકોની ચહલપહલથી તે વધુ મજબૂત અને
સુંદર બનતો જાય છે.
470 એકર વિસ્તારમાં સ્મૃતિવન પ્રોજેક્ટ

ભુજના ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ નિર્માણ પામશે. પ્રથમ તબક્કામાં 170 એકર
વિસ્તારને વિકસિત કરવામાં આવી રહ્યો છે. પ્રથમ તબક્કાના ઘટકોમાં 50 ચેકડેમ, સન પોઇન્ટ, 8 કિમી લંબાઇના
ઓવરઓલ પાથવે, 1.2 કિમી આંતરિક રોડ, 1 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, 3 હજાર મુલાકાતીઓ માટે
પાર્કિંગ, 300+ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ, 3 લાખ વૃક્ષોનું વાવેતર, સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને
11500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યૂઝિયમનો સમાવેશ થાય છે. શ્રદ્ધાંજલિ તરીકે કુલ 12,932 પીડિત
નાગરિકોના નામની તકતી અહીં ચેકડેમની દિવાલો પર મુકવામાં આવી છે.
જાપાન અને દ.આફ્રિકામાં પણ ભૂંકપને સમર્પિત મ્યૂઝિયમ

જાપાનમાં કોબે અર્થક્વેક મેમોરિયલ મ્યૂઝિયમ છે જેમાં ભૂકંપમાં બચી ગયેલા લોકોની કહાણીઓ,
વ્યવસ્થાપન અને સ્થળાંતરને લગતી પ્રવૃત્તિઓ વિશે જણાવવામાં આવે છે. ભૂકંપ બાદ ઘટેલી પરિસ્થિતિઓનો
ચિતાર પણ આપવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં તુલબાગ અર્થક્વેક મ્યૂઝિયમ છે જેમાં સ્થાનિકો તેમના ભૂકંપ
અંગેના અનુભવો વીડિયો અને પ્રદર્શન દ્વારા જણાવે છે. આ રીતે જ ભુજમાં પણ હવે ભૂકંપ અંગેનું વિશેષ મ્યૂઝિયમ
હવે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: