એટલાન્ટા…ગોકુલધામ માટે તન-મન-ધનથી સમર્પિત વોલેન્ટિયર્સના સન્માનમાં કાર્યક્રમ યોજાયો
File Photo મારું, તમારું અને આપણું ગોકુલધામ વર્ષ-પ્રતિવર્ષ સફળતાના એક પછી સોપાનો સર કરી રહ્યું છે. આ ગોકુલધામ હવેલીની સૌથી મોટી તાકાત તેના વોલેન્ટિયર્સ છે. આ વોલેન્ટિયર્સ ભાઇઓ-બહેનોના સન્માનમાં ડાન્સ વિથ ડિનરના કાર્યક્રમનું આયોજન શનિવાર તા.9 ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડીજે ના તાલે વોલિન્ટિયર્સે ડાન્સ કરી મોજમસ્તી સાથે કાર્યક્રમનો ભરપૂર આનંદ લૂંટ્યો હતો. આ કાર્યક્રમમાં 200 થી વધુ વોલેન્ટિયર્સે પરિવારજનો સાથે ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.ગોકુલધામના દરેક નાના-મોટા કાર્યક્રમમાં વોલેન્ટિયર્સ ભાઇઓ-બહેનો દિવસ-રાતની પરવા કર્યા વિના તન-મન-ધનથી તેમનું કિંમતી યોગદાન આપે છે. જેના થકી ગોકુલધામ હવેલીમાં યોજાતા અનેકવિધ કાર્યક્રમો અભૂતપૂર્વ રીતે સફળ રહે છે. ગોકુલધામમાં વર્ષ દરમિયાન યોજાતા અનેકવિધ કાર્યક્રમોમાં વિવિધ ક્ષેત્રોમાં સખત પરિશ્રમ દ્વારા સમર્પિત ભાવથી વોલેન્ટિઅર્સ ભાઇઓ અને બહેનો તેમનું યોગદાન આપે છે. આ ઉપરાંત અનેક દાતાઓ ગોકુલધામને દાનની સરવાણી વહેવડાવી આર્થિક સહયોગ પૂરો પાડે છે. આવા અનેક વોલેન્ટિઅર્સ અને દાતાઓના સન્માનમાં દર વર્ષે મ્યુઝિક તેમજ ડાન્સ સાથે ડિનરનું આયોજન કરવામાં આવે છે.જે અંતર્ગંત વર્ષ 2023 નો વોલેન્ટિઅર્સ પ્રતિ સન્માનના ભાવથી ડાન્સ વિથ ડિનરનો કાર્યક્રમ શનિવાર તા.9 ડિસેમ્બરે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગોકુલધામના ચેરમેન અશોક પટેલે વોલેન્ટિઅર્સની સખત મહેનત થકી ગોકુલધામ સતત પ્રગતિ કરી રહ્યું હોવાનું જણાવી વોલેન્ટિઅર્સની દરેક પ્રકારની સેવાની પ્રશંસા કરી હતી. એક્ઝિક્યુટિવ ચેરમેન તેજસ પટવાએ જણાવ્યું હતું કે, ગોકુલધામ નાતજાતના ભેદભાવથી અલગ રહીને સૌને સાથે રાખીને કાર્ય કરે છે. ગોકુલધામમાં આવતી દરેક વ્યક્તિ વૈષ્ણવ છે. અહીં કોઇ જ્ઞાતિવાદ નથી, આ સૌનું ગોકુલધામ છે. ગોકુલધામના ટ્રેઝરર કિન્તુ શાહે વર્ષ દરમિયાનની ગોકુલધામની નાણાંકિય બાબતોની વિસ્તૃત છણાવટ કરી હતી. તેમણે ડોનેશન અને પ્રસાદમ્ થકી થતી આવક અને ખર્ચનું આંકડાકિય વિશ્લેષણ સ્ક્રીન ઉપર રજૂ કર્યું હતું.આ કાર્યક્રમમાં આ વર્ષે ગૌલોકવાસી થયેલા ગોકુલધામના સ્વપ્નદ્રષ્ટા અને બોર્ડ ઓફ ટ્રસ્ટી સ્વ.સુબોધચંદ્ર શાહને અંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીબહેન શાહના હસ્તે સ્વ.સુબોધચંદ્ર શાહના ધર્મપત્ની ભાનુબહેન શાહનું સાડી અર્પણ કરી સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં ગોકુલધામના બોર્ડ ઓફ ટ્રસ્ટી દેવેન્દ્ર પટેલ અને ડૉ.ઇન્દ્ર શાહ તેમજ ગર્વંનિંગ બોડીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં ડીજેના તાલે વોલેન્ટિઅર્સે ડાન્સ તેમજ ગરબે ઘૂમી આનંદ લૂંટ્યો હતો. આ ઉપરાંત કિચન ટીમ દ્વારા તૈયાર કરાયેલા સ્વાદિષ્ટ ભોજનનો લ્હાવો લીધો હતો.