જુલાઈ મહિનાની 11 તારીખે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા અને સૌથી યુવાન દેશ ભારતમાં યુવાનોના કૌશલ્યવર્ધન માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. સાથોસાથ ગુજરાતનો યુવાન કૌશલ્ય અને રોજગાર ક્ષેત્રે અગ્ર હરોળમાં સ્થાન પામે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્ય સરકાર પણ પ્રયાસરત છે. ગુજરાતને રોજગારીના ક્ષેત્રમાં અવ્વલ રાખવામાં ગુજરાત કૌશલ્ય વિકાસ મિશનની મહત્વપૂર્ણ ભૂમિકા છે.


શું છે ગુજરાત કૌશલ્ય વિકાસ મિશન ?
ગુજરાત કૌશલ્ય વિકાસ મિશન (GSDM)ની સ્થાપના ફેબ્રુઆરી, 2009માં રાજ્ય સ્તરની વ્યૂહરચના અને કૌશલ્ય વિકાસ થકી રોજગાર તરફ દોરી જતા કાર્યક્રમોનું સંકલન કરવા માટે કરવામાં આવી છે. GSDM ગુજરાતમાં રોજગારલક્ષી કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતાની પ્રવૃતિઓ પર દેખરેખ, સંકલન અને સંચાલન માટે સર્વોચ્ચ સંસ્થા તરીકે કાર્ય કરે છે. આ મિશનનો ઉદ્દેશ્ય રાજ્યના તમામ કૌશલ્ય વિકાસ કાર્યક્રમોના સંપૂર્ણ ચિત્ર પ્રસ્તુત કરવાની સાથે માહિતી એકત્રિત કરવાનો છે. વિવિધ યોજનાઓ હેઠળ ઉમેદવારોના કૌશલ્ય, વિસ્તાર અને લાભાર્થી જૂથનો અભ્યાસ કરીને તાલીમ પામેલા કેટલા યુવાનોને રોજગારી મળી છે તેનો અભ્યાસ કરવાનો છે.



આ ઉપરાંત રાજ્યમાં કૌશલ્ય વિકાસના પ્રયાસોને સુવ્યવસ્થિત કરી એવા વાતાવરણનું સર્જન કરવું. જેમાં ભારત અને વિશ્વમાં કુશળ માનવબળની વધતી જતી બજારની માંગને પહોંચી વળવા અને બદલાતા પ્રવાહો વચ્ચે સતત વ્યક્તિત્વ વિકાસ અને તાલીમ થકી યુવાનોને રોજગાર આપવાનો છે. ગુજરાત કૌશલ્ય વિકાસ મિશન અંતર્ગત આવતી વિવિધ યોજના
ગુજરાત કૌશલ્ય વિકાસ મિશનના ઉદ્દેશ્યો
• રાજ્યમાં યુવાનોની રોજગાર ક્ષમતા વધારવા માટે એક સંકલિત વ્યૂહરચના તૈયાર કરવી.
• કૌશલ્ય વિષયક વર્તમાન સ્થિતિનું સર્વેક્ષણ/સંશોધન કરવું
• કૌશલ્ય વિકાસ માટે વ્યાપક વ્યૂહરચના બનાવવી.
• લક્ષ્યાંકની દૃષ્ટિએ વ્યૂહરચનાને કૌશલ્ય મુજબ અને લાભાર્થી મુજબ અલગ-અલગ કરવા
• શિક્ષણ, આદિજાતિ વિકાસ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, પંચાયત અને ગ્રામીણ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સાથે સંકલનમાં રહીને તેમને તાલીમબદ્ધ કર્મચારીઓ પૂરા પાડવા.
ગુજરાત કૌશલ્ય વિકાસ મિશન સાથે સંલગ્ન યોજનાઓ અને કાર્યક્રમો
- પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દેશમાં કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા તથા કૌશલ્યવર્ધનની ટૂંકાગાળાની નિઃશુલ્ક તાલીમ આપી પ્રમાણપત્ર તેમજ નાણાકીય પુરસ્કાર થકી યુવાનોને પ્રોત્સાહિત કરવાના વિચારને સાકાર કરવા માટે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) યોજનાનું પ્રથમ સંસ્કરણ 2015માં શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના 3.0 કાર્યરત છે. જે અંતર્ગત યુવાનોને તાલીમબદ્ધ કરી લાંબાગાળાની ઓળખ પ્રસ્થાપિત કરી રોજગારી મેળવવામાં મદદરૂપ થવાનો છે. - મુખ્યમંત્રી કૌશલ્ય વિકાસ પહેલ
રાજ્યને ગુણવત્તાયુક્ત કૌશલ્ય માળખા સાથે સુસજ્જ કરવા અને વિશ્વને પહોંચાડવા માટે રાજ્યમાં એક સંકલિત, એકીકૃત અને સહયોગી પ્રયાસોને સંસ્થાકીય બનાવવા માટે આ પહેલને શરૂ કરવામાં આવી છે. જેના થકી કૌશલ્ય પ્રશિક્ષણ અને કૌશલ્ય ઇકોસિસ્ટમનો વિકાસ કરી તાલીમાર્થીઓને રોજગાર ઉપલબ્ધ કરાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. રાજ્યના જ વિવિધ વિભાગો જેવા કે શિક્ષણ, આદિજાતિ વિકાસ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, પંચાયત અને ગ્રામીણ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગને તાલીમબદ્ધ કર્મચારીઓ આપવાનો છે. - સક્ષમ
ગુજરાત કૌશલ્ય વિકાસ મિશન (GSDM) ની ‘સક્ષમ’ – KVK 2.0 યોજનાનો હેતુ રાજ્યમાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં લાભાર્થીઓના જૂથ માટે કૌશલ્ય અને ઉદ્યોગસાહસિકતા વિકસાવતા કાર્યક્રમો યોજવાનો છે. જે અંતર્ગત જિલ્લા/બ્લોક સ્તરે કૌશલ્ય વર્ધન કેન્દ્ર (KVK) ની સ્થાપના કરવામાં આવે છે. આ કેન્દ્રોમાં મહિલાઓ, એસસી અને એસટી, ટ્રાન્સજેન્ડર, પીડબલ્યુડી, માનસિક બીમારીમાંથી સાજા થયેલા દર્દીઓ, વરિષ્ઠ નાગરિકો વગેરે જૂથો માટે વિશેષ પ્રોજેક્ટ્સનું આયોજન કરી તેમને આર્થિક ઉપાર્જનના મુખ્યપ્રવાહમાં સામેલ કરવાનો છે. - પ્રોજેક્ટ સંકલ્પ
આ યોજનાનો ઉદ્દેશ્ય ઉદ્યોગોને તાલીમમાં ભાગીદાર બનવા પ્રોત્સાહિત કરવાનો છે. સાથોસાથ સામાન્ય કૌશલ્યના ધોરણો સાથે સંલગ્ન રહીને સરકારના સમર્થન દ્વારા યુવાનોને ઉદ્યોગ સંબંધિત તાલીમ અને રોજગારની ખાતરી આપવાનો છે. - નેશલન સ્કીલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક કૌર્સિસ
નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક (NSQF) જ્ઞાન, કૌશલ્ય અને યોગ્યતાના સ્તરોની શ્રેણી અનુસાર તાલીમનું આયોજન કરે છે. આ કોર્સિસના માધ્યમથી વ્યક્તિ ઇચ્છિત યોગ્યતાના સ્તરો પ્રાપ્ત કરવા, નોકરી માટે સક્ષમ બનવા તથા પોતાને વધુ અપગ્રેડ કરવામાં મદદરૂપ થાય છે. આ કોર્સિસ ગૃહિણીઓ અને વિદ્યાર્થીઓ માટે કૌશલ્યવર્ધનનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. - એપ્રેન્ટિસશીપ
કોઈપણ રાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસ માટે માનવ સંસાધનનો વિકાસ મહત્વપૂર્ણ છે. કૌશલ્યોનું અપગ્રેડેશન એ માનવ સંસાધન વિકાસનું મહત્વનું ઘટક છે. માત્ર સંસ્થાઓમાં આપવામાં આવતી તાલીમ કૌશલ્યોના સંપાદન માટે પર્યાપ્ત નથી અને કાર્યસ્થળ પર તાલીમ દ્વારા તેને પૂરક બનાવવાની જરૂર છે. એપ્રેન્ટિસ એક્ટ, 1961 ઉદ્યોગ માટે કુશળ માનવબળની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પ્રાયોગિક તાલીમ આપવા માટે ઉદ્યોગમાં ઉપલબ્ધ સુવિધાઓનો સંપૂર્ણ ઉપયોગ કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે ઘડવામાં આવ્યો હતો. શરૂઆતમાં, અધિનિયમમાં વેપાર એપ્રેન્ટિસ માટે એપ્રેન્ટિસશિપ તાલીમ આવરી લેવામાં આવી હતી અને ત્યારબાદ અનુક્રમે સ્નાતકો, ટેકનિશિયન, ટેકનિશિયન (વોકેશનલ) અને વૈકલ્પિક ટ્રેડ એપ્રેન્ટિસને તેના કાર્યક્ષેત્ર હેઠળ લાવવા માટે 1973, 1986 અને 2014 માં સુધારો કરવામાં આવ્યો હતો.
અત્યાર સુધીમાં ગુજરાત કૌશલ્ય વિકાસ મિશન હેઠળ વિવધ યોજનાઓ અને કાર્યક્રમોના માધ્યમથી તાલીમ મેળવીને રાજ્યના લાખો લોકોએ રોજગારી મેળવી છે. આમ, આ મિશન ખરા અર્થમાં રોજગાર મેળવનાર લોકો માટે જીવન જીવવાની નવી રાહ સમાન સાબિત થયું છે.