Gujarat Development

એકતાનગર ખાતે ‘ભારત પર્વ 2026’માં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના

એકતાનગર ખાતે ‘ભારત પર્વ 2026’માં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાની ભવ્ય ઉજવણી; પ્રથમ ત્રણ દિવસમાં 25 હજારથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત

 


——
પરંપરાગત વાનગીઓના સ્વાદથી લઈને લોકનૃત્યોની મનમોહક પ્રસ્તુતિઓ સુધી, ભારત પર્વ 2026 બની રહ્યું છે ભારતની સાંસ્કૃતિક એકતાનું અનોખું ઉત્સવસ્થળ
ભારત પર્વ 2026 અને દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખીને તા. 9 નવેમ્બર, 2026ના સોમવારે પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે
એકતાનગર, ગુજરાત | 4 નવેમ્બર 2026
ભારત સરકારના પ્રવાસન મંત્રાલય અને ગુજરાત પ્રવાસનના સંયુક્ત ઉપક્રમે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગર ખાતે તા. 1થી 15 નવેમ્બર, 2026 દરમિયાન *‘ભારત પર્વ 2026’*નું આયોજન કરવામાં આવ્યું છે. દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને *‘એક ભારત શ્રેષ્ઠ ભારત’*ની ભાવનાને ઉજાગર કરતા આ મહોત્સવને પ્રવાસીઓનો ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે. તા. 1થી 3 નવેમ્બર દરમિયાન પ્રથમ ત્રણ દિવસમાં જ 25 હજારથી વધુ પ્રવાસીઓએ ભારત પર્વની મુલાકાત લીધી છે. આ મહોત્સવ પ્રવાસીઓને એક જ સ્થળે દેશના વિવિધ રાજ્યોનાં પ્રવાસન સ્થળો, પરંપરાઓ, વાનગીઓ અને સાંસ્કૃતિક વારસાનો અનુભવ કરવાની તક પૂરી પાડી રહ્યો છે.

 


વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રવાસન પેવેલિયનમાં તેમના વિશિષ્ટ પ્રવાસન સ્થળો, પરંપરાગત કલા, હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ઓડિશાની સંબલપુરી સાડીઓ, પટ્ટચિત્ર ચિત્રકલા, એપ્લિક વર્ક અને સિલ્વર ફિલિગ્રી; આસામની મુગા સિલ્ક અને મેખેલા-ચાદર; બિહારની મધુબની ચિત્રકલા, ભાગલપુરી સિલ્ક અને સિક્કી ઘાસની કલા; મધ્યપ્રદેશની ચંદેરી અને મહેશ્વરી સાડીઓ તથા ગોંડ આર્ટ; જમ્મુ-કાશ્મીરની પશ્મિના અને કની શાલ તેમજ તેલંગાણા અને આંધ્રપ્રદેશની પોચમપલ્લી ઇકત સાડીઓ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ગુજરાત દ્વારા પણ તેની પ્રસિદ્ધ પટોળા કલા, પીઠોરા ચિત્રકલા અને અજરખ હેન્ડીક્રાફ્ટ નું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત છત્તીસગઢની વાંસની કળાકૃતિઓ અને અંદમાન-નિકોબાર ટાપુઓની શંખકલા પણ પ્રવાસીઓને આકર્ષી રહી છે.
પ્રવાસીઓ અહીં કલાકારો દ્વારા કરવામાં આવતા હસ્તકલાના લાઇવ ડેમો નિહાળી શકે છે, પરંપરાગત કળા બનાવવાની પ્રક્રિયા જાણી શકે છે તેમજ વિવિધ હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોની ખરીદી પણ કરી શકે છે. આ પહેલ પરંપરાગત કારીગરોને પ્રોત્સાહન આપવા અને ભારતીય હસ્તકલાને વધુ વ્યાપક ઓળખ અપાવવામાં મદદરૂપ બની રહી છે.
ભારત પર્વનું અન્ય એક મુખ્ય આકર્ષણ વિવિધ રાજ્યોના 25 ફૂડ સ્ટોલ્સ છે, જ્યાં મહારાષ્ટ્ર, કર્ણાટક, સિક્કિમ, આસામ, લદ્દાખ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને ગુજરાત સહિતના રાજ્યોની પરંપરાગત વાનગીઓ પીરસવામાં આવી રહી છે. બિહારનું લિટ્ટી ચોખા અને ઠેકુઆ, રાજસ્થાનની દાલ બાટી અને પ્યાઝ કચોરી, મધ્યપ્રદેશનું ગજક અને રતલામી સેવ, પશ્ચિમ બંગાળની ઝાલમુડી અને પત્તીસપ્ત પીઠા, સિક્કિમના વેજ મોમો અને સેલ રોટી તેમજ કાશ્મીરનું નદરૂ-યખની અને ઝાફરાની કાહવા જેવી વાનગીઓનો પ્રવાસીઓ આનંદ માણી રહ્યા છે.
આ ઉપરાંત, IIHM શિમલા અને IIHM ગાંધીનગર દ્વારા સંચાલિત સ્ટુડિયો કિચનમાં દરરોજ ભારતની વિવિધ પ્રાદેશિક વાનગીઓની લાઇવ કુકિંગ ડેમોનું આયોજન કરવામાં આવે છે. આ માધ્યમથી પ્રવાસીઓને વિવિધ ભારતીય વાનગીઓ બનાવવાની રીત નિહાળવાની અને દેશની સમૃદ્ધ ખાદ્ય પરંપરાનો અનુભવ કરવાની તક મળી રહી છે.


મહોત્સવના ભાગરૂપે દરરોજ સાંજે વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. જેમાં દેશના વિવિધ પ્રદેશોના લોકસંગીત, પરંપરાગત નૃત્યો અને લોકકળાની મનમોહક પ્રસ્તુતિઓ પ્રવાસીઓને ભારતની સાંસ્કૃતિક વિવિધતાનો અનોખો અનુભવ કરાવી રહી છે.
આમ, પ્રવાસન પેવેલિયન, હસ્તકલા, હેન્ડલૂમ, પ્રાદેશિક વાનગીઓ, લાઇવ કુકિંગ ડેમો અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભારત પર્વ 2026 દેશની એકતા અને વિવિધતાની ઉજવણી સાથે પ્રવાસન, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને પરંપરાગત કારીગરીને પ્રોત્સાહન આપી રહ્યું છે.
ભારત પર્વ 2026 અને દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખીને તા. 9 નવેમ્બર, 2026ના સોમવારે પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે (ફક્ત વ્યૂવિંગ ગેલેરી બંધ રહેશે). આથી પ્રવાસીઓ અને પરિવારોને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત સાથે ભારત પર્વનો આનંદ માણવાની વધારાની તક મળશે. તમામ પ્રવાસીઓ અને નાગરિકોને તા. 15 નવેમ્બર, 2026 સુધી એકતાનગર ખાતે યોજાઈ રહેલા આ ભવ્ય મહોત્સવની મુલાકાત લેવા અને એક જ સ્થળે ભારતના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, સ્વાદ, કળા અને પરંપરાનો અનુભવ કરવા હાર્દિક આમંત્રણ છે

Chief Editor

Recent Posts

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતીના દર્શન કરી આશીર્વાદ…

15 minutes ago

‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ (GEPC)ની સ્થાપનાને મંજૂરી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘નિકાસ પ્રક્રિયા’ને સંસ્થાકીય મજબૂતી આપવાની દિશામાં ઐતિહાસિક નિર્ણય ----- ગુજરાત સરકારે…

26 minutes ago

પશ્ચિમ રેલ્વેનો ૭૬મો સ્થાપના દિવસ

पश्चिम रेલ્વે ૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ તેનો ૭૬મો સ્થાપના દિવસ ઉજવી રહી છે पश्चिम रेલ્વે…

50 minutes ago

દીવાળી અને છઠ પૂજા દરમિયાન યાત્રીઓની સુવિધા અને સુરક્ષિત યાત્રા માટે કરી વ્યાપક વ્યવસ્થા

અમદાવાદ મંડળે દીવાળી અને છઠ પૂજા દરમિયાન યાત્રીઓની સુવિધા અને સુરક્ષિત યાત્રા માટે કરી વ્યાપક…

1 hour ago

ટેકનોલોજી-આધારિત સ્ટાર્ટ-અપ્સ માટે ગ્રોથ ફંડનું લોન્ચિંગ

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે ટેકનોલોજી-આધારિત સ્ટાર્ટ-અપ્સ માટે ગ્રોથ ફંડનું લોન્ચિંગ જીનટેક…

2 hours ago

लॉस एंजिल्स में दिवाली और हनुक्का का जश्न, भारतीय-यहूदी समुदाय एक मंच पर आए

Diwali Hanukkah | लॉस एंजिल्स में भारतीय और यहूदी समुदायों के बीच आस्था, सद्भाव और…

20 hours ago