Breaking News

નવી દિલ્હી, તા. 04-04-2022

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે આજે નવી દિલ્હી ખાતે નવા પ્રસારણ સેવા પોર્ટલનો પ્રારંભ કર્યો છે. દેશમાં પ્રસારણ ક્ષેત્રમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો માહોલ પૂરો પાડવાની દિશામાં આ એક નવા પ્રકરણની શરૂઆત છે. પ્રસારણ સેવા પોર્ટલ એ એવો ઑનલાઇન પોર્ટલ ઉકેલ છે જે પ્રસારકો માટે વિવિધ પ્રકારના લાઇસન્સ, પરવાનગીઓ અને નોંધણીઓ વગેરે માટે ઝડપથી અરજીઓ દાખલ કરવા અને તેની પ્રક્રિયા કરવાની સવલત પૂરી પાડે છે.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, સરકારે સમગ્ર પ્રણાલીમાં પારદર્શિતા લાવવા અને વધુ જવાબદારીપૂર્ણ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. પ્રસારણ સેવા પોર્ટલના કારણે અરજીઓનો નિકાલ આવવાનો સમય એકંદરે ઘટી જશે અને સાથે સાથે અરજીની પ્રગતિ પર નજર રાખવામાં પણ મદદ મળશે. આ પોર્ટલથી માણસોનો હસ્તક્ષેપ ઘટી જશે અને આ ક્ષેત્રમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો માહોલ પૂરો પાડવાની દિશામાં એક મોટી છલાંગ પૂરવાર થશે.

શ્રી ઠાકુરે વધુમાં ઉમેર્યું હતું કે, આ પોર્ટલની મદદથી ઉપલબ્ધ કરાવવામાં આવતા 360 ડિગ્રી ડિજિટલ ઉકેલ હિતધારકોને પરવાનગી મેળવવામાં, નોંધણી માટે અરજી કરવામાં, અરજીઓ પર નજર રાખવામાં, ફીની ગણતરી કરવામાં તેમજ ચૂકવણી કરવામાં મદદરૂપ થશે. આ પોર્ટલ ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલો, ટેલિપોર્ટ ઑપરેટરો, MSO, સામુદાયિક અને ખાનગી રેડિયો ચેનલો વગેરે જેવા તમામ હિતધારકોને ડિજિટલ ઇન્ડિયાના વ્યાપક છત્રના પ્રયાસો અંતર્ગત પોતાની સેવાઓ પૂરી પાડશે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલ ‘લઘુતમ સરકાર, મહત્તમ સુશાસન’ના મંત્રને સાર્થક કરવાની દિશામાં આ પોર્ટલ એક વિરાટ પગલું છે કારણ કે આ સરળ અને ઉપયોગકર્તાઓ માટે અનુકૂળ વેબપોર્ટલ પ્રસારકોને માઉસની માત્ર એક ક્લિક દ્વારા આરંભથી અંત સુધીના ઉકેલ પૂરા પાડે છે. તેનાથી 900 કરતાં વધારે સેટેલાઇટ ટીવી ચેનલો, 70 ટેલિપોર્ટ ઑપરેટર્સ, 1700 મલ્ટી-સર્વિસ ઑપરેટરો, 350 સામુદાયિક રેડિયો સ્ટેશનો (CRS), 380 ખાનગી FM ચેનલો અને અન્યને સીધો લાભ પહોંચાડીને વ્યવસાયિક માહોલને વધુ વેગ આપશે અને સમગ્ર પ્રસારણ ક્ષેત્રને સશક્ત બનાવશે.”

મંત્રીશ્રીએ ઉપસ્થિતોને માહિતી આપી હતી કે, આ પોર્ટલના ટેસ્ટ-રન (પરીક્ષણ)માં છેવટના વપરાશકર્તાઓ પાસેથી સકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. ટૂંક સમયમાં જ તેને રાષ્ટ્રીય સિંગલ વિન્ડો સિસ્ટમ સાથે સાંકળવામાં આવશે. આ ઉદ્યોગને જરૂરિયાત લાગતી હોય તેવા વધુ સુધારાઓ કરવા માટે પણ મંત્રાલય તૈયાર છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું હતું કે, નવાં પોર્ટલમાં અગાઉના સંસ્કરણની સરખામણીએ ઘણા સુધારા કરવામાં આવ્યા છે અને એક મહિનાના પરીક્ષણ સમયગાળા દરમિયાન હિતધારકો પાસેથી પ્રાપ્ત થયેલા સૂચનો પણ અમલમાં મૂકવામાં આવ્યા છે.

આ પોર્ટલ ઇકો-સિસ્ટમમાં પારદર્શિતા, જવાબદારી અને ઉત્તરાદાયિત્વ લાવશે અને તમામ માહિતી એક જ ડૅશબોર્ડ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. પોર્ટલ પર ઉપલબ્ધ વિવિધ સેવાઓ અને સુવિધાઓનો નીચે ઉલ્લેખ કરવામાં આવ્યો છે:

·         આરંભથી અંત સુધીની પ્રક્રિયા

·         ચુકવણી સિસ્ટમ સાથે સંકલન (ભારત કોષ)

·         ઇ-ઓફિસ અને હિતધારક મંત્રાલયો સાથે સંકલન

·         એનાલિટિક્સ, રિપોર્ટિંગ અને મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ (MIS)

·         સંકલિત હેલ્પડેસ્ક

·         અરજી ફોર્મ અને સ્થિતિનું ટ્રેકિંગ

·         પોર્ટલ પરથી પત્રો/ઓર્ડરો ડાઉનલોડ કરવાની સુવિધા

·         હિતધારકો માટે એલર્ટ સુવિધા (SMS/ઇમેલ)

·          

આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રસારકોએ આ નવા પોર્ટલને આવકાર્યું હતું અને કહ્યું હતું કે, આનાથી કોઇપણ અરજીને આગળ વધવામાં જે અંતર કાપવું પડે છે જેમાં મોટાપાયે ઘટાડો થશે અને અરજીની પ્રક્રિયા આગળ વધારવા માટે કરવા પડતા પ્રયાસો પણ ઘટી જશે.

અહીં નોંધનીય છે કે, ભારતમાં વ્યવસાયના માહોલમાં સુધારો એ ભારત સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવતા મુખ્ય ક્ષેત્રોમાંથી એક છે અને પ્રસારણ સેવા પોર્ટલ પ્રસારણ ક્ષેત્રમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો માહોલ પૂરો પાડવા તેમજ આ ક્ષેત્રનું સશક્તિકરણ કરવા માટેની સરકારની કટિબદ્ધતાનું દૃષ્ટાંત પૂરું પાડે છે.

http://davp.nic.in/ebook/bsp/Broadcast_Seva_Portal/index.html

પ્રસારણ સેવા પોર્ટલનો આરંભ કાર્યક્રમ નીચે આપેલી લિંક પર ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: