રાજ્યના ઔદ્યોગિક એકમોની જરૂરિયાત મુજબનું માનવબળ તૈયાર કરવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ: શ્રી બળવંતસિંહ રાજપૂત
ગાંધીનગર ખાતે કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી અને અગ્રગણ્ય ઔદ્યોગિક એકમો વચ્ચે એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવ્યા હતા.આ સમારોહ દરમિયાન કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા એમ.જી. મોટર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લી., જે.સી.બી. ઇન્ડિયા લી., C4i4(સમર્થ ઉદ્યોગ ટેકનોલોજી ફોરમ), ગોલ્ડી સોલાર પ્રાઇવેટ લી., એસ.આર.કે. નોલેજ ફાઉન્ડેશન, સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર એસોસિએશન તેમજ સ્ટોન આર્ટીસન પાર્ક તાલીમ સંસ્થા સાથે તેમના કાર્યક્ષેત્રમાં વાર્ષિક ૨૩૦૦ જેટલા તાલીમાર્થીઓને તાલીમ આપવા અંગે MoU કરવામાં આવ્યા છે. આ પ્રસંગે કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રાજ્યના ઉદ્યોગિક એકમોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી, તેમની સાથે રહી તેમની જરૂરિયાત મુજબનું માનવબળ તૈયાર કરવા માટે પ્રતિબદ્ધ છે.


આજે વિવિધ ઔદ્યોગિક એકમો સાથે એમ.ઓ.યુ. કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં કૌશલ્ય આધારિત શિક્ષણ, કૌશલ્ય વિકાસ, રિસ્કીલિંગ, અપસ્કિલિંગ અને સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. આગામી સમયમાં કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી અને ઉદ્યોગગૃહો સાથે મળીને કુશળ અને સશક્ત કાર્યબળને ઉત્તેજન આપીને ગુજરાતના આર્થિક વિકાસમાં યોગદાન આપશે. સાથે જ આ વ્યૂહાત્મક સહયોગ રાજ્યમાં વાઇબ્રન્ટ કૌશલ્ય ઇકોસિસ્ટમના વિકાસને સક્ષમ બનાવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને સ્કિલ ડેવલપમેન્ટ થકી આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો છે. તે જ દિશામાં આગળ વધતા રાજ્ય સરકાર દ્વારા કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી જેવી ડેડીકેટેડ સંસ્થાની સ્થાપના કરી છે. આજે આ યુનિવર્સિટી સાથે વિવિધ ઔદ્યોગિક એકમો જોડાયા છે. જેનાથી ઉદ્યોગોને જરૂરિયાત મુજબનું માનવબળ અને તાલીમાર્થીઓને ઝડપથી રોજગારી મળશે. એમ.જી. મોટર્સ ઈન્ડિયા દ્વારા ગુજરાત શ્રમ યોગી કલ્યાણ બોર્ડને એક અદ્યતન સુવિધાયુક્ત એમ્બ્યુલન્સ આપવામાં આવી છે, જે રાજ્યના શ્રમયોગીઓને આરોગ્યની સુવિધા પૂરી પાડવામાં મદદરૂપ થશે.

તાલીમાર્થીઓને રીન્યુએબલ એનર્જીને, ઈલેકટ્રીક વાહન સંબંધિત અને ઓટોમોબાઇલને લગતી તાલીમ આપવા માટે કૌશલ્યા યુનિવર્સિટીને એક ઇલેક્ટ્રીક વાહન અને એક એમ.જી.હેક્ટર વાહન પણ આપવામાં આવ્યું છે, જેનાથી તાલીમાર્થીઓને ઉચ્ચકક્ષાનું કૌશલ્ય પ્રદાન થશે, તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે રાજ્યના ઉદ્યોગગૃહોની સાથે રહીને એડવાન્સ ટેકનોલોજી અનુસાર સોલાર એનર્જી, ઈન્ડસ્ટ્રી ૪.૦, મેન્યુફેક્ચરિંગ, જ્વેલરી ડિઝાઇન સહિતના વિવિધ ક્ષેત્રમાં તાલીમ આપવા આઠ ઈન્ડસ્ટ્રી સાથે એમ.ઓ.યુ. સાઇન કર્યા છે. યુવાનોને વ્યવહારુ કૌશલ્ય વિકસાવવામાં મદદ મળે અને રોજગારી માટે વધુ ઉજ્જવળ તકો પ્રદાન થાય તે હેતુસર ગુજરાતના જીઆઇડીસી એસ્ટેટમાં વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના સહયોગથી મીની આઇ.ટી.આઇ બનાવવાનું આયોજન ગુજરાત સરકારે કર્યું છે. આ કાર્યક્રમ દરમિયાન કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શ્રી એચ. આર. સુથારે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કૌશલ્ય વિકાસ નિયામક શ્રી અનુપમ આનંદ, રોજગાર અને તાલીમ નિયામક શ્રી ગાર્ગી જૈન, ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતીના નિયામક શ્રી પી. એમ. શાહ, વેલ્ફેર કમિશનર શ્રીમતી રીતુસિંઘ તેમજ નામાંકિત ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.