ગુજરાતના અમદાવાદમાં વિશ્વના સૌથી ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. રુ. ૧૫૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર આ મંદિર ૫૦૪ ફૂટ ઊંચું અને ૪૦૦ ફૂટ લાંબુ હશે. મંદિરમાં ૫૧ ફૂટની ઊંચાઈએ માતાજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે જાસપુર ખાતે બની રહેલા જગતજનની મા ઉમિયાના મંદિરના ગર્ભગૃહનો આધાર તૈયાર થઈ ગયો છે. સને ૨૦૨૬માં મંદિરમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ પછી તેને જનતા માટે ખોલવામાં આવશે. આ મંદિર અનેક રીતે ખાસ હશે. તેની ડિઝાઇન જર્મન અને ભારતીય આર્કિટેક્ટ્સ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવી છે.

ઉમિયાધામ સંસ્થાના જણાવ્યા અનુસાર મંદિરમાં ૧૪૪૦ સ્તંભો સ્થાપિત કરવામાં આવશે, જે એક રેકોર્ડ હશે. અગાઉ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમામાં ૮૦૦ સ્તંભોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મંદિરના નિર્માણની વચ્ચે હાલ ‘હું પણ પાયાનો પિલર’ નામનું એક અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન હેઠળ કોઈપણ વ્યક્તિ ૧૧ લાખ રૂપિયાનું દાન આપીને પોતાના નામનો સ્તંભ બનાવી શકે છે. અત્યાર સુધીમાં ૪૦૦થી વધુ લોકો આ અભિયાનમાં જોડાઈ ચૂક્યા છે. જેમાં પાટીદારો અને અન્ય સમુદાયોની સાથે NRIનો પણ સમાવેશ થાય છે.
૩૦૦ ફૂટની ઊંચાઈ પરની ગેલેરીમાંથી આખું અમદાવાદ જોઈ શકાશે
આ મંદિરમાં ૩૦૦ ફૂટની ઊંચાઈએ વ્યુઈંગ ગેલેરી બનાવવામાં આવશે, જ્યાંથી આખું અમદાવાદ જોઈ શકાશે. ઉમિયાધામ સંસ્થાના જણાવ્યા અનુસાર મંદિરનું કામ પૂર્ણ થયા બાદ જર્મનીની ટીમ અહીં આવશે અને મંદિર કેટલું મજબૂત બન્યું છે તેની તપાસ કરશે. આ માટે ટેસ્ટિંગ પણ કરવામાં આવશે. ૬ મહિના સુધી ચાલનારી આ તપાસ પ્રક્રિયા બાદ જ મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે.

ખાસ વાત એ છે કે આ મંદિરમાં દર્શન માટે ન તો કોઈ કતાર હશે અને ન તો કોઈ ધક્કામુક્કી થશે. આ સિવાય અહીં VIP પાસ બનાવવાની કોઈ વ્યવસ્થા જ કરવામાં આવશે નહીં. ભક્તોને મંદિર સુધી લઈ જવા માટે એસ્કેલેટરનો ઉપયોગ કરવામાં આવશે, જે તેમને સીધા ગર્ભગૃહ સુધી લઈ જશે. તેની ઝડપ પણ નક્કી કરવામાં આવશે. તેને એટલી ઝડપે ચલાવવામાં આવશે કે ભક્તો માત્ર બે મિનિટમાં ગર્ભગૃહમાં પહોંચી જાય અને માતાના દર્શન કરી શકે. મંદિરની ભવ્યતા જોઈને અહીં ભારે ભીડ આવવાની સંભાવના છે. આ માટે અહીં બે માળનું પાર્કિંગ પણ બનાવવામાં આવશે.
મંદિર ૪.૨૭ લાખ ચોરસ ફૂટમાં બનશે

આ મંદિરની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે ૪ લાખ ૨૭ હજાર ૭૧૬ સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવશે. જ્યારે તેનું આખું કેમ્પસ ૩૦ લાખ ચોરસ ફૂટમાં બનાવવામાં આવશે. ઉમિયાધામ સંસ્થાના જણાવ્યા અનુસાર, તે માત્ર એક મંદિર સુધી સીમિત રહેશે નહીં, તેને પ્રવાસન મંદિરની જેમ વિકસાવવામાં આવશે. અહીંના પરિસરમાં આરોગ્યધામ નામની હોસ્પિટલ બનાવવામાં આવશે. આ મંદિર ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને વેગ આપશે અને વૈશ્વિક સ્તરે તેની ઓળખ બનાવશે.
ReplyForward |