Breaking News

PM JAY-મા યોજના અંતર્ગત તા.૧૧ જુલાઈથી રાજયના નાગરિકોને રૂ. ૧૦ લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ મળશે : પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ


હાલ રાજ્યમાં ૧.૭૮ કરોડ આયુષ્માન કાર્ડ ધારકો છે


રાજ્યમાં ૨૦૪૫ સરકારી અને ૭૯૫ ખાનગી હોસ્પિટલ મળી કુલ ૨૮૪૦ હોસ્પિટલ આયુષ્માન કાર્ડ ધારકોની સેવામાં ઉપલબ્ધ : નિયત કરેલ પ્રોસિજરોની સેવાઓ નિ:શુલ્ક


PMJAY-મા યોજના અંતર્ગત રાજ્યના નાગરિકોને આગામી તા.૧૧ જુલાઈ ૨૦૨૩થી આરોગ્ય વીમા સુરક્ષા પેટે રૂ. ૧૦ લાખ સુધીની રકમ મળવાપાત્ર થશે. રૂ.૫ લાખના આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને રૂ. ૧૦ લાખ કરવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશના ગરીબ અને મધ્યવર્ગીય પરિવારજનો માટે શરૂ કરેલી આયુષ્માન યોજના આજે દેશના અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે. ત્યારે ગુજરાતમાં પણ વર્ષ ૨૦૧૮થી અત્યારસુધીમાં આ યોજના હેઠળ કુલ ૧.૭૮ કરોડ લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ કઢાવીને આરોગ્ય વીમા કવચનો લાભ મેળવ્યો છે.

મંત્રીશ્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના તમામ રજીસ્ટર્ડ અને જરૂરીયાતમંદ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડથી લાભાન્વિત કરવાના સઘન પ્રયાસો હાથ ધરવામા આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપે ખૂબ મોટી સંખ્યામાં એટલે કે ૧.૭૮ કરોડ ગુજરાતમાં લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ પ્રાપ્ત થયું છે. હાલ ગુજરાતમાં ૨૦૪૫ સરકારી અને ૭૯૫ ખાનગી મળી કુલ ૨૮૪૦ જેટલી હોસ્પિટલ આયુષ્માન કાર્ડ અંતર્ગત એમ્પેનલ્ડ છે અને નિયત કરેલ પ્રોસિજરોની સેવાઓ નિ:શુલ્કપણે ઉપલબ્ધ બની છે.

રાજ્યનો કોઇપણ ગરીબ કે મધ્યમ વર્ગીય પરિવાર એકાએક આવી પડેલી આકસ્મિક બીમારીના સારવાર ખર્ચના કારણે દેવાદાર ન બને તેની ચિંતા રાજ્ય સરકારે કરીને આયુષ્માન કાર્ડથી મહત્તમ લોકોને લાભાન્વિત કરવાનું સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, આયુષ્માન કાર્ડ અંતર્ગત દાવા નોંધણીના કિસ્સામાં ગુજરાતમાં અંદાજીત ૩૯ લાખ જેટલા ક્લેમ્સ (દાવા) આયુષ્માન કાર્ડ અંતર્ગત નોંધવામાં આવ્યા છે(વર્ષ ૨૦૧૮ થી તા. ૨૬.૦૬.૨૩ સુધી).આ સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં પાંચમાં ક્રમાંકે છે. જ્યારે અત્યાર સુધીમાં દાવાઓની રકમની દ્રષ્ટિએ રૂ. ૮,૦૮૧ કરોડની રકમના દાવા નોંધણી સાથે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે. નોંધનીય બાબત છે કે, પ્રવર્તમાન વર્ષમાં રૂ.૨૮૦૦ કરોડની રકમના ક્લેમ(દાવા)ની નોંધણી થયેલ છે. જે આગામી વર્ષમાં અંદાજીત રૂ.૩૫૦૦ કરોડ રકમના ક્લેમ(દાવા)ની નોંધણી થવાનો અંદાજ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post