ગાંધીનગર ખાતે 5 જાન્યુઆરી 2024 ના રોજ ‘હોલિસ્ટિક હેલ્થકેર: ગુડ હેલ્થ એન્ડ વેલ-બીઇંગ ફોર ઓલ’ પર પ્રી-સમિટ યોજાશે
*
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
ગાંધીનગર, 03 જાન્યુઆરી 2024: આગામી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શુક્રવાર, 5 જાન્યુઆરી 2024ના રોજ ગાંધીનગરની ધ લીલા હોટલ ખાતે ‘હોલિસ્ટિક હેલ્થકેર: ગુડ હેલ્થ એન્ડ વેલ બિઈંગ ફોર ઓલ’ વિષય પર પ્રી-સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ, ઉદ્યોગ નિષ્ણાતો અને વિવિધ હિતધારકો હાજર રહેશે. આ કાર્યક્રમ ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ઉપકરણોના ક્ષેત્રને પ્રમોટ કરવા તેમજ આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં પરિવર્તન લાવવા અને સર્વાંગી આરોગ્યસંભાળને પ્રોત્સાહન આપવા માટે ટેક્નોલોજીનો લાભ લેવો, જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ કાર્યક્રમની શરૂઆત ઉદ્ઘાટન સત્રથી થશે, જેમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માનનીય કેબિનેટ મંત્રી શ્રી રૂષિકેશભાઈ પટેલ, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના કમિશનર અને સચિવ શ્રી હર્ષદ પટેલ હાજરી આપશે.

આ કાર્યક્રમમાં ત્રણ પ્લેનરી સત્રો યોજાશે. પહેલું પ્લેનરી સત્ર પ્રમોટીંગ ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ડિવાઈસીસ સેક્ટર વિષય પર યોજાશે. આ સત્ર, API અને પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ્સ, બલ્ક ડ્રગ અને મેડિકલ ડિવાઇસીસ પાર્ક અને વ્યૂહરચનાઓ પર વિચારણા કરવા માટે ઉદ્યોગ નિષ્ણાંતોને એક મંચ પર લઇને આવશે, જેથી આ ક્ષેત્રોને પ્રમોટ કરી શકાય અને હેલ્થકેર ઇકોસિસ્ટમનો વિસ્તાર કરી શકાય. આ સત્રનું સંચાનલ ઝાયડસ લાઈફ સાયન્સીસના કોર્પોરેટ અફેર્સના ચીફ અને સ્ટ્રેટેજિક એડવાઇઝર ડૉ. સુનીલ પારેખ કરશે, અને તેના પેનલિસ્ટ્સમાં ભારત સરકારના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સંયુક્ત સચિવ શ્રી રવીન્દ્ર પ્રતાપ સિંઘ, યુએસ એફડીએના કન્ટ્રી ડાયરેક્ટર ડો. સારાહ મેકમુલન, IDMAના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. વિરંચી શાહ, કોનકોર્ડ બાયોટેક લિ.ના ચેરમેન શ્રી સુધીર વૈધ અને મેરિલ લાઇફસાયન્સ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ શ્રી વિવેક શાહનો સમાવેશ થાય છે.
બીજું પ્લેનરી સત્ર આરોગ્યસંભાળમાં પરિવર્તન લાવતી ટેક્નોલોજી પર હશે, જેમાં આરોગ્યસંભાળને મજબૂત કરવા માટે ટેક્નોલોજીનો લાભ ઉઠાવવા માટેની સરકારની પહેલો તેમજ આરોગ્યસંભાળમાં સુધારો કરતી વિવિધ નવીનતાઓ અને તકનીકી વિકાસ અંગે ચર્ચા કરવામાં આવશે. આ સત્રની અધ્યક્ષતા અને સંચાલન ગુજરાત સરકારના જાહેર આરોગ્યના સચિવ અને આરોગ્ય કમિશનર શ્રી હર્ષદ પટેલ દ્વારા કરવામાં આવશે. આ સત્રના પેનલિસ્ટ્સમાં ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગના ઇનસ્ટેમના ડાયરેક્ટર પ્રો. મનીષા ઇનામદાર, ભારત સરકારના MeitY, C-DACના એસોસિયેટ ડિરેક્ટર ડૉ. સંજય સૂદ, મેડટ્રોનિક્સ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી માઇકલ બ્લેકવેલ અને નિરામાઈ એનાલિટિક્સના સ્થાપક અને સીઈઓ સુશ્રી ગીથા મંજુનાથનો સમાવેશ થાય છે.
ત્રીજું પ્લેનરી સત્ર પ્રમોટિંગ હોલિસ્ટિક હેલ્થકેર પર યોજાશે, અને આ સત્ર વૈશ્વિક આરોગ્યસંભાળ નિષ્ણાતો અને આયુષ નિષ્ણાતોને સર્વગ્રાહી આરોગ્યસંભાળની દિશામાં બદલાવ અંગે ચર્ચા કરવા માટે એકસાથે લાવશે. આ સત્રની અધ્યક્ષતા અને સંચાલન ભારત સરકારના આયુષ (AYUSH)ના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા દ્વારા કરવામાં આવશે. આ સત્રના વક્તાઓમાં, વર્લ્ડ બેંકના સિનિયર હેલ્થ સ્પેશિયાલિસ્ટ સુશ્રી ફિલિસ કિમ, મેનેજમેન્ટ સાયન્સીસ ફોર હેલ્થના કન્ટ્રી ડાયરેક્ટર સુશ્રી નીલમ મખીજાની, કેરળની VPSC આયુર્વેદ કોલેજના પ્રિન્સિપાલ વૈદ્ય સીવી જયદેવન, અને એપોલો આયુર્વેદ હોસ્પિટલના એમડી અને સીઇઓ વૈદ્ય પ્રોફેસર રાજીવ વાસુદેવનનો સમાવેશ થાય છે.

છેલ્લા બે દાયકાઓમાં, વર્ષ 2003થી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાતની યાત્રા દરમિયાન, રાજ્યના જાહેર આરોગ્યસંભાળ માળખામાં 30%નો વધારો થયો છે. આ મજબૂત સિસ્ટમને ખૂબ જ મજબૂત ખાનગી મેડિકલ અને હેલ્થકેર સેક્ટર દ્વારા આગળ વધારવામાં આવી છે. 40 મેડિકલ કોલેજ હોસ્પિટલો (2003માં ફક્ત 12 હતી)ની સ્થાપના, 6900 મેડિકલ સીટ્સ (પહેલા 1525 હતી), ડાયાલિસિસ એકમોમાં 25 ગણો વધારો અને કીમોથેરાપી સેન્ટર્સમાં ત્રણગણા વધારા સાથે જાહેર ક્ષેત્રની સ્પેશિયાલિસ્ટ કેરમાં જબરદસ્ત સુધારો જોવા મળ્યો છે. આના પરિણામે શિશુ અને માતા મૃત્યુદરમાં 60% થી વધુનો ઘટાડો થયો છે.
આ સાથે જ, વર્ષ 2003થી રાજ્યમાં ફાર્માસ્યુટિકલ્સના ઉત્પાદન અને વેચાણ એકમોમાં પણ 2.5 ગણો વધારો જોવા મળ્યો છે અને USFDA દ્વારા માન્ય એકમોમાં 9 ગણો વધારો થયો છે, જેનાથી ગુજરાતના ફાર્મા એક્સપોર્ટ બિઝનેસના હિસ્સામાં 3 ગણો વધારો થયો છે. અંદાજિત ₹1,46,606 કરોડના ટર્નઓવર સાથે અને 2003ના અંદાજ કરતાં 8.4 ગણા વધારા સાથે રાજ્યને યથાર્થ રીતે રાષ્ટ્રની ફાર્મા કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે.
ગુજરાત રાજ્યમાં માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરની આરોગ્યસંભાળ સેવાઓ જ ઉપલબ્ધ નથી, પરંતુ મજબૂત સંલગ્ન ક્ષેત્રો પણ આવેલા છે, જેમ કે આયુષ અને સુખાકારી, સમૃદ્ધ ફાર્માસ્યુટિકલ, ડાયગ્નોસ્ટિક્સ અને તબીબી ઉપકરણોના ક્ષેત્રો, પુનર્વસન સેવાઓ તેમજ તબીબી સંશોધન અને વિકાસ (મેડિકલ R&D) પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ તમામ મળીને સુનિશ્ચિત કરે છે કે હેલ્થકેર ઇકોસિસ્ટમ સર્વગ્રાહી અને સંપૂર્ણ છે.
x-x-x