આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને પગલે હર ઘર તિરંગા
અભિયાનની સમગ્ર દેશમાં ગૌરવભેર ઉજવણી કરવામાં આવી રહી છે.લોકો ઉત્સાહપૂર્વક પોતાના ઘર પર,ધંધા વ્યવસાયના સ્થળે તિરંગો લહેરાવી આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. સમગ્ર દેશ અને ગુજરાત રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મગ્ન બન્યું છે ત્યારે અમદાવાદ જિલ્લો આઝાદીના અમૃત મહોત્સવના રંગમાં રંગાઈ ગયો છે.
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારના રહેવાસીઓએ ઘરના આંગણામાં, બાલ્કની, આગાશીઓ પર તિરંગો ફરકાવ્યો
છે. સાથોસાથ નાના મોટા વેપારીઓએ પણ કાર્યસ્થળે તિરંગો ફરકાવ્યો છે જેનાથી કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, દુકાનો, બજારોમાં
દેશભક્તિનો ઉત્સાહ જોવા મળ્યો. શહેરના હજારો વાહનચાલકોએ રીક્ષા, બાઈક, કાર સહિતના પોતાના વાહનો પર તિરંગો
લગાવ્યો હોવાથી શહેરના માર્ગો પર રાષ્ટ્રભક્તિનો સુંદર માહોલ નજરે પડી રહ્યો છે. અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં
આવેલા APMC, સરકારી કચેરીઓ, સરકારી-ખાનગી શાળાઓ તેમજ જાહેર સ્થળો પર તિરંગો ફરકાવવામાં આવ્યો છે.
સાથોસાથ સ્થાનિક સ્તરે તિરંગા યાત્રાઓ પણ આયોજિત કરવામાં આવી રહી છે.