ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઝોન સંયોજક તેમજ જિલ્લા સંયોજકની બેઠક યોજાઈ
ઉત્કૃષ્ઠ કાર્યક્રમ કરનાર જિલ્લાના ત્રણ સંયોજકોને, ત્રણ ઝોન સંયોજકોને અને બેસ્ટ કાર્યક્રમ મળીને કુલ ૯ સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરાયું
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે નવા સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઝોન સંયોજક તેમજ જિલ્લા સંયોજકની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વામી વિવેકાનંદ બોર્ડ દ્વારા Y-20 અંતર્ગત સમગ્ર દેશમાં સૌથી વધુ કાર્યક્રમોના સફળ આયોજન કરવામાં આવ્યા છે. ૩૭૦ જેટલા કાર્યક્રમો થકી ૫.૦૮ લાખથી વધુ યુવાનોને Y-20 કાર્યક્રમમાં જોડવામાં આવ્યા હતા. જે બદલ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ સમગ્ર યુવા બોર્ડની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
સ્વામી વિવેકાનંદ બોર્ડ આગામી દિવસોમાં સ્વનિધી યોજનાના લાભાર્થીઓનો સંપર્ક કરશે તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં Y-20 અંતર્ગત યુવા સંવાદનું આયોજન કરશે. તે ઉપરાંત દરેક તાલુકા મથકે શહેરી વિસ્તારમાં વોર્ડદીઠ સ્વામી વિવેકાનંદ વન તેમજ મંદિરો, જાહેર સ્થળો, શાળા તેમજ કોલેજમાં સફાઇ અભિયાન તેમજ સ્વામી વિવેકાનંદ યુવા સાંસદ જેવા કાર્યક્રમોનું પણ આગામી દિવસોમાં આયોજન કરશે.
મંત્રીશ્રીએ યુવા બોર્ડના સૌ હોદ્દેદારોને રાજ્યના છેવાડાના જરૂરિયાતમંદ નાગરિકો સુધી એટલે કે વધુ ને વધુ લોકો સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તે માટે સુદ્રઢ આયોજન કરવા આહવાન કર્યું છે. આ બેઠકના યુવા બોર્ડના સ્ટેટ કો-ઓર્ડીનેટર શ્રી કૌશલભાઈ દવેએ આગામી કાર્યક્રમોની જાણકારી હોદ્દેદારોને પૂરી પાડી હતી. Y-20 અંતર્ગત ઉત્કૃષ્ઠ કાર્યક્રમ કરનાર જિલ્લાના ત્રણ સંયોજકોને, ત્રણ ઝોન સંયોજકોને અને બેસ્ટ કાર્યક્રમ મળીને કુલ નવ સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું.