ગુજરાત રાજ્ય યાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ભદ્રકાળી
મંદિરની મુલાકાત લઈને જાતે જ મંદિર પરિસર અને ચોગાનની સાફસફાઈ કરી
મેયર શ્રી કિરીટભાઇ પરમાર, રાજ્યસભા સાંસદ શ્રી નરહરિ અમીન સહિત
ધારાસભ્યશ્રીઓએ અને કાઉન્સિલરશ્રીઓ પણ મંદિર પરિસરના સાફસફાઈ કાર્યમાં ગૃહ
રાજ્યમંત્રી સાથે જોડાયા
આપણે જ્યાં પૂજા-અર્ચના કરતા હોઈએ તેવા આપણા આસ્થાસ્થાનોને સાફ અને
સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે – ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ગુજરાત રાજ્ય યાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત
અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરની મુલાકાત લઈને મંદિર પરિસર અને ચોગાન સહિતના
સ્થળોએ જાતે જ સફાઈકાર્ય હાથ ધર્યું હતું.
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી સાથે મેયર શ્રી
કિરીટભાઇ પરમાર, રાજ્યસભા સાંસદ શ્રી નરહરિ અમીન સહિત અમદાવાદના ધારાસભ્યશ્રીઓ
અને કાઉન્સિલરશ્રીઓ પણ મંદિર પરિસર અને ચોગાનના સફાઈકાર્યમાં જોડાયા હતા.
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન શ્રી
નરેન્દ્રભાઇ મોદીએ ‘સ્વચ્છ ભારત અભિયાન’ દ્વારા દેશને સ્વચ્છ બનાવવા માટેનો નિર્ધાર કર્યો છે
ત્યારે આપણા યાત્રાધામો પણ સ્વચ્છ રહે તે જરૂરી છે.
આપણે જ્યાં પૂજા અર્ચના કરતા હોઈએ
તેવા આપણા આસ્થાસ્થાનોને સાફ અને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે.
યાત્રાધામોના સફાઈકાર્યની જવાબદારી માત્ર સફાઈ કામદારો પર ન છોડીને આપણે સ્વયં પણ
હંમેશા યાત્રાધામોને સ્વચ્છ અને સાફ સુથરા રાખવાનો આજના પવિત્ર દિવસે સંકલ્પ કરવો
જોઈએ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.