
ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દીક્ષાંત સમારોહ માટે ગૂજરાત વિદ્યાપીઠ પહોંચ્યા ત્યારે પરિસરમાં કાર્યકારી કુલનાયક શ્રી પ્રો. ભરતભાઈ જોશી એ ગાંધીટોપી પહેરાવીને તેમનું સ્વાગત-અભિવાદન કર્યું અને જમણા ખભે વિદ્યાપીઠના મુદ્રાચિહ્નવાળી ‘સ્નાતક સ્થવિકા’ એટલે કે બગલથેલો પહેરાવ્યો હતો.


શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ સ્નાતક સ્થવિકા- બગલથેલાને પૂજ્ય ગાંધીજીના અપરિગ્રહના સંદેશ સાથે જોડતાં કહ્યું કે, વ્યક્તિએ પોતાની દૈનિક જરૂરીયાતને એટલી સમેટી લેવી જોઈએ કે આ થેલામાં સમાઈ જાય. આપણે સામાન સો વર્ષનો ભેગો કરીએ છીએ પણ ખબર તો કાલની પણ હોતી નથી.


બધાએ એક દિવસ તો દુનિયા છોડવાની જ છે. અન્યના હિસ્સાની ચીજ-વસ્તુઓ પણ લઈ લેવાની વૃત્તિ તો ઘાતકી છે જ. પરિગ્રહ દુઃખનું કારણ બને છે, અપરિગ્રહથી સદાચારભર્યું જીવન જીવીશું તો દરેકને ખાવા માટે અન્ન, પહેરવા માટે વસ્ત્ર અને રહેવા માટે છત્ર આપી શકીશું.