Breaking News

દરિયાઈ વિસ્તારના ૩૪ જેટલા કલાકારોએ ભાગ લઈ ઉત્તમ કૃતિઓનું કર્યું સર્જન


સૌરાષ્ટ્ર તમિલ સંગમનું લોગો શિલ્પ, ભગવાન ગણેશ, જી-૨૦, નટરાજનું શિલ્પ બન્યા આકર્ષણનું કેન્દ્ર

સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથસિંહના વરદહસ્તે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આજે સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમનો ભવ્ય શુભારંભ થયો હતો. તા. ૩૦ એપ્રિલ સુધી ચાલનારા આ મહોત્સવમાં બીચ સ્પોર્ટસ, હસ્તકલા, લાઈટ એન્ડ સાઉન્ડ શો જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રેતી શિલ્પ મહા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

રેતી શિલ્પ મહા મહોત્સવના આયોજન અંગેની જાણકારી આપતા ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સચિવશ્રી ટી.આર દેસાઈએ જણાવ્યું હતું કે, લલિતકલા અકાદમી દ્વારા ગુજરાતના કલાકારોને વિશેષ પ્રોત્સાહન મળે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. રેતી શિલ્પ જે પૈકીની એક પ્રવૃત્તિ છે. સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોમાં આ પ્રવૃત્તિ કરવામાં આવે છે. પોરબંદરના માધવપુરના મેળામાં, દ્વારકા અને સોમનાથમાં અગાઉ આ મહોત્સવની ઉજવણી કરી છે.


દરિયાઈ વિસ્તારના ૩૪ જેટલા કલાકારોએ આ મહોત્સવમાં ભાગ લઈ ઉત્તમ કૃતિઓનું સર્જન કર્યું છે. જે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમનું લોગો શિલ્પ, ભગવાન ગણેશ, જી-૨૦, નટરાજ એવા અલગ અલગ ૧૫ જેટલા શિલ્પો વિવિધ કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. શિલ્પ બનાવવામાં ૩ થી ૪ દિવસ જેટલો સમયગાળો લાગ્યો હતો. આ ઉત્સવ શરૂ થયાના બે દિવસ અગાઉ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આવા શિલ્પ મહોત્સવના કાર્યક્રમો દરિયાઈ વિસ્તારોમાં થતા રહેવા જોઈએ, જેથી દરિયાઈ વિસ્તારના રેતી શિલ્પ કલાકારોને વિશેષ પ્રોત્સાહન મળે છે.

મહારાષ્ટ્રના કોલ્હાપુરના રહેવાસી અને જામનગર આર્મીમાં ફરજ બજાવતા અભિજીત મગદુમ જણાવે છે કે, હું આજે સોમનાથ મહાદેવના દર્શને આવ્યો છું. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત જે રેતી શિલ્પ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ સરસ કાર્ય છે. આ મહોત્સવની અંદર ભગવાન શિવ, ગણપતિના લોગો વાળા અલગ અલગ શિલ્પો તૈયાર કરવામાં આવ્યા છે. જે ખૂબ જ રસપ્રદ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post