ઓપરેશન કાવેરી………સુદાનથી ૫૬ ગુજરાતીઓ વહેલી પરોઢિયે અમદાવાદ આવી પહોંચ્યા
-: ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી :-
.. ઓપરેશન ‘કાવેરી’ અંતર્ગત ગુજરાતના ૫૬ લોકોને જેદ્દાહથી મુબંઇ ખાતે ખાસ ઇવેક્યુએશન ફલાઇટ્સ-
C17થી ભારત લાવવામાં આવ્યા
.. સુદાનમાંથી ગુજરાતીઓ ભારતમાં પહોંચ્યા બાદ ત્યાંથી તેઓને તેમના માદરે વતન સુધી પહોંચાડવાની
જવાબદારી રાજ્ય સરકારે ઉઠાવી છે
.. ઓપરેશન ‘કાવેરી’ અંતર્ગત ગુજરાત સરકાર સતત વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં રહીને તમામ
ગુજરાતીઓની માહિતી તેમને પહોંચાડી રહી છે
સુદાનમાં ફાટી નીકળેલા આંતરિક યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ‘ઓપરેશન કાવેરી’ અંતર્ગત હેમખેમ પરત ફરેલા
ગુજરાતીઓનું ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ઉષ્માસભર સ્વાગત કરવામાં
આવ્યું હતું. સુદાનથી ૫૬ ગુજરાતીઓ આજે વહેલી પરોઢિયે અમદાવાદ પહોંચ્યા હતા. આ વેળાએ ગૃહ રાજ્યમંત્રી
શ્રી હર્ષભાઈ સંઘવી સાથે અમદાવાદ કલેક્ટર સુશ્રી પ્રવિણા ડીકે તેમજ ઓપરેશન ‘ કાવેરી’ સાથે સંકળાયેલા વિવિધ
વિભાગના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા
સંઘર્ષને કારણે ત્યાં વસેલા વિશ્વભરના નાગરિકો ફસાયા છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના
નેતૃત્વમાં ભારત પ્રથમ દેશ છે જેણે રેસ્ક્યુની યોજના તેમજ મંત્રીશ્રી અને અધિકારીઓની એક ટીમ બનાવીને
એરફોર્સ, લશ્કરી દળ સાથે મળીને સુદાનમાં ફસાયેલ નાગરીકોને સ્વદેશ પરત લાવવા માટે ઓપરેશન ‘કાવેરી’ શરૂ કર્યુ
છે.
ઓપરેશન ‘કાવેરી’ અંતર્ગત ગુજરાતના ૫૬ લોકોને જેદ્દાહથી મુબંઇ ખાતે ખાસ ઇવેક્યુએશન ફલાઇટ્સ-
C17થી ભારત લાવવામાં આવ્યા હતા. આ ગુજરાતીઓને રાજ્યના અધિકારીશ્રીઓ દ્વારા મુબંઇ ખાતે રિસિવ
કરવામાં આવ્યા હતા. આ ૫૬ ગુજરાતીઓ પૈકી ૧૨ લોકોએ પોતાની આગવી સુવિધા કરેલી હોવાથી બાકીના ૪૪
ગુજરાતીઓને મુંબઇથી અમદાવાદ ખાતે વોલ્વો બસ દ્વારા લાવવામાં આવ્યાં હતાં એમ ગૃહ રાજ્યમંત્રી શ્રીએ
ઉમેર્યું હતું.
શ્રી હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, ગુજરાતમાં આવ્યા બાદ આ સૌ પ્રવાસીઓને પોતાના ઘર સુધી
પહોંચાડવાની જવાબદારી પણ રાજ્ય સરકારે ઉઠાવી છે. સુદાનમાંથી ગુજરાતીઓ ભારતમાં પહોંચ્યા બાદ ત્યાંથી
તેમના માદરે વતન સુધી પહોંચવામાં કોઈપણ પ્રકારની આગવડ ઊભી ન થાય તેની પણ પૂરેપૂરી તકેદારી રાખવામાં
આવી રહી છે.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, મુંબઈ થી અમદાવાદ લાવ્યા બાદ રાજકોટ જીલ્લાના ૩૯,
ગાંધીનગર જીલ્લાના ૯, આણંદ જીલ્લાના ૩ તથા વડોદરા જીલ્લાના ૫ ગુજરાતીઓને પોતાના વતનમાં પરત રવાના
કરવાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.
ગૃહ રાજ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, ઓપરેશન ‘કાવેરી’ અંતર્ગત ગુજરાત સરકાર સતત વિદેશ મંત્રાલય સાથે
સંપર્કમાં રહીને તમામ ગુજરાતીઓની માહિતી તેમને પહોંચાડી રહી છે. રાજ્ય સરકારે પણ ગુજરાતીઓની યાદી
બનાવીને વિદેશ મંત્રાલયને મોકલી આપી છે. જો હજુ કોઈપણ ગુજરાતીઓ આવવાના બાકી હશે તેમને પણ સહી
સલામત ગુજરાતમાં લાવવાની કામગીરી કરવામાં આવશે અને ફ્લાઇટ કે અન્ય ટ્રાન્સપોર્ટેશન દ્વારા તેમના ઘર સુધી
તેઓને પહોંચાડવામાં આવશે.
શ્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન અને
નેતૃત્વમાં સુદાનમાં ગુજરાતના ફસાયેલા લોકોને પરત વતનમાં લાવવા ગુજરાત સરકારના એન.આર.આઇ.પ્રભાગ,
સામાન્ય વહીવટ વિભાગ, એન.આર.જી વિભાગ, અમદાવાદ કલેક્ટર કચેરી તેમજ પોલીસ વિભાગે સહરાનીય
કામગીરી કરી છે. આ અવસરે ગૃહ રાજ્યમંત્રી શ્રીએ આ તમામ વિભાગોને અભિનંદન પણ પાઠવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તમામ પેસેન્જરોને દિલ્હી અને મુબંઇ ખાતેથી ગુજરાત લાવવા અંગેની
કામગીરી બિન-નિવાસી ગુજરાતીઓ માટે કાર્યરત એન.આર.આઇ.પ્રભાગ, સામાન્ય વહીવટ વિભાગ અને ગુજરાત
રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન દ્વારા ગુજરાતના નિવાસી આયુકતશ્રી, દિલ્હીના સંકલનમાં કરવામાં આવી
હતી.