Breaking News

**
રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્માના હસ્તે અમદાવાદ જિલ્લામાં દસ્કોઇ તાલુકાના મુક્તિપુર ગામ ખાતેથી ‘સુજલામ સુફલામ જળ અભિયાન -૨૦૨૩’નો પ્રારંભ
**
‘સુજલામ સુફલામ જળ અભિયાન’ થકી પાણીના સંગ્રહમાં વધારો થયો અને ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવ્યા છે – રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા

સમગ્ર રાજ્યમાં ભૂર્ગભ જળ સ્તર ઊંચા લાવવા અને વરસાદી પાણીના સંગ્રહ માટે મુખ્મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે
‘સુજલામ સુફલામ્ જળ’ અભિયાનના છઠ્ઠા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગર જિલ્લાના ખોરજ ગામેથી
કરાવ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં દસ્ક્રોઇ તાલુકાના મુક્તિપુર ગામ-બારેજા ખાતેથી રાજ્યકક્ષાના સહકાર તેમજ
લધુ-સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ વિભાગના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ‘સુજલામ સુફલામ જળ અભિયાન –
૨૦૨૩’નો પ્રારંભ થયો છે.


અમદાવાદ જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન -૨૦૨૩’ના શુભારંભ પ્રસંગે મંત્રી શ્રી જગદીશ
વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સુજલામ સુફલામ જળ અભિયાન’ થકી પાણીના સંગ્રહમાં વધારો થઇ રહ્યો અને
ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવ્યા છે. એટલું જ નહીં, સ્થાનિક કક્ષાએ ઘરવપરાશ અને ઢોર-ઢાંખરને પીવાના પાણીની
સમસ્યાનો મહદઅંશે હલ થઈ છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ થકી સિંચાઇની વ્યવસ્થા
સુદૃઢ થઇ છે અને ખેડૂતોના ખેત ઉત્પાદનમાં પણ વધારો થઇ રહ્યો છે.


આ અવસરે મંત્રીશ્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે લાગું કરવામાં આવેલી વિવિધ
યોજનાઓની માહિતી ગ્રામજનોને આપતા કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત સન્માન નિધિ યોજના અંતર્ગત દેશ
અને રાજ્યના ખેડૂતોના એકાઉન્ટમાં સીધા પૈસા જમા કરાવવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, જે યુરિયા
ખાતર રાજ્ય સરકારને રૂપિયા ૩૫૦૦થી વધુની પડતર કિંમતમાં પડે છે તે યુરિયા ખાતર આજે ખેડૂતોને માત્ર રૂપિયા
૨૮૬માં આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં ખેડૂતોને આજે ઝીરો ટકા વ્યાજ દરે ધિરાણ આપવામાં આવે છે.
આમ,આજે રાજ્યનો ખેડૂત સમુદ્ધ બન્યો છે.


મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોના પડખે હંમેશાંથી ઊભી રહી છે. ખેડૂતોની
સુખાકારી માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આજે રાજ્ય સરકાર ખેડૂતોને અનાજ ઉગાડવાથી લઈને
વેચવા સુધીની તમામ સુવિધાઓ સરકાર દ્વારા આપી રહી છે. ખેડૂતોને આજે ૨૪ કલાક વીજળી મળી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આમ, આ સરકારે છેવાડાના
માનવીની ચિંતા કરીને તમામ યોજનાઓનો લાભ સીધો મળી રહે તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.
આ અવસરે મંત્રીશ્રીએ ખારીકટ કેનાલના નવીનીકરણથી અમદાવાદ જિલ્લાના ખેડૂતોને શું ફાયદો થવાનો છે
તેનો ચિતાર પણ ગ્રામજનોને આપ્યો હતો.


અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલું વર્ષ ૨૦૨૩માં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ૫૮૩ જેટલા કામો
આયોજનમાં લેવામાં આવ્યા છે. આ કામો થકી ૨૮૭૬.૧૭ લાખ ધનફૂટ પાણીની સંગ્રહ શક્તિ વધશે.
આ પ્રસંગે દસ્ક્રોઇ તાલુકાના ધારાસભ્યશ્રી બાબુભાઇ પટેલ, અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રી ધવલ પટેલ,
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ ધામેલિયા, રાજકીય અગ્રણી શ્રી હર્ષદભાઈ ગોસ્વામી, દસ્ક્રોઇના પ્રમુખ શ્રી
હંસાબેન પરમાર, અમદાવાદ સિંચાઇ વિભાગના કાર્યકારી ઇજનેર શ્રી વિનયભાઇ પ્રજાપતિ, અમદાવાદ સિંચાઇ
વિભાગના અધિકારીશ્રીઓ, ગામના સરપંચ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post