ડેન્ટલ સર્જનો માટે ટ્રેનિંગ અને ઓરીએન્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.
નેશનલ હેલ્થ મિશન, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ – ગુજરાત સરકાર અને નેશનલ ઓરલ હેલ્થ
પ્રોગ્રામના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ‘વર્લ્ડ ઓરલ હેલ્થ દિવસ’ ની ઉજવણી કરવામાં
આવી.

આ કાર્યક્રમમાં ડેન્ટલ કોલેજ અમદાવાદ સહિત રાજ્યની વિવિધ ડેન્ટલ કોલેજોના વિદ્યાર્થીઓ, CHC
તેમજ PHC માં ફરજ બજાવી રહેલા ડેન્ટલ સર્જનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ‘વર્લ્ડ ઓરલ હેલ્થ
દિવસ’ નિમિત્તે રાજ્યના ડેન્ટલ સર્જનો અને વિદ્યાર્થીઓ માટે ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું આ
વર્કશોપમાં ઓરલ ઓરગન્સ અને ઓરલ હેલ્થની આધુનિક અને તકનીકી તાલીમ આપવામાં આવશે.
‘Be Proud of The Mouth’ ના સ્લોગન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમની
શરૂઆતમાં રાજ્યની જિલ્લા ડેન્ટલ હોસ્પિટલ્સ અને CHC કેન્દ્રોમાંથી ઉત્કૃષ્ટ કામગીરી બદલ 15 ડેન્ટલ સર્જનોને
પ્રમાણપત્રો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

અમદાવાદ ડેન્ટલ કોલેજના ડીન ડૉ. ગિરીશ પરમારે આ પ્રસંગે જણાવ્યું હતું કે, “આપણું મોં સુરક્ષિત રહેશે
તો આપણું શરીર સુરક્ષિત અને નિરોગી રહેશે. આપણું હાસ્ય, બોલી અને આહાર આપણા ઓરલ અંગો જેવા કે દાંત
અને જીભને આભારી છે, માટે ઓરલ અંગોની સલામતી ખૂબ જ જરૂરી છે.” આ સાથે તેઓએ ઉમેર્યું હતું કે, “આ
કાર્યક્રમના ટ્રેનિંગ અને ઓરીએન્ટેશન વર્કશોપ થકી ડેન્ટલ સર્જનોને યોગ્ય અને અદ્યતન તકનીકી જ્ઞાન અને પ્રેરણા
મળશે.”

અમદાવાદ ડેન્ટલ કોલેજના વરિષ્ઠ સર્જન ડૉ. કૈલાશ ગોહિલે જણાવ્યું હતું કે, “1966થી આજ સુધી
અમદાવાદ ડેન્ટલ કોલેજે પ્રગતિના શિખરો સર કર્યા છે. આવા કાર્યક્રમો થકી આપણે લોકોમાં ઓરલ હેલ્થ અંગે
જાગૃતિ લાવી શકીશું.”

આ કાર્યક્રમમાં ડૉ. રાકેશ જોશી (અધિક્ષક, સિવિલ હોસ્પિટલ અમદાવાદ), ડૉ. કલ્પેશ શાહ (ડીન બીજે
મેડિકલ કોલેજ, ડૉ.ગિરીશ પરમાર (ડીન ડેન્ટલ કોલેજ અમદાવાદ) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.