મુખ્યમંત્રી શ્રી-
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના આપેલા કાર્યસંકલ્પને આધાર બનાવી રાજ્ય સરકાર લોકહિતના કામો કરી રહી છે
વડાપ્રધાનશ્રીના કાર્યસંકલ્પમાં રાજ્યના જનપ્રતિનિધિઓ પણ સહભાગી બન્યા છે અને સરકાર સૌના સાથવારે વિકાસતરફ તેજ ગતિ થીઆગળ વધી રહી છે
બટાટા અને ડુંગળીના પાકમાં માવઠાથી થયેલા નુકસાન સામે રાજ્ય સરકારની સહાયમાં વડોદરા જિલ્લાનો પણ સમાવેશ કરવાનો નિર્ણય
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારની ગરીબો અને વંચિતોના કલ્યાણ માટેની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે એ માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને તે માટે રાજ્ય સરકારે ઘણી યોજનાઓમાં લાભો અને સહાયની સંખ્યામાં વૃદ્ધિ પણ કરી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના આપેલા કાર્યસંકલ્પને આધાર બનાવી રાજ્ય સરકાર લોકહિતના કામો કરી રહી છે.
મુખ્યમંત્રી શ્રી પટેલે કહ્યું કે, વડાપ્રધાનશ્રીના આ કાર્યસંકલ્પમાં રાજ્યના વિવિધ જનપ્રતિનિધિઓ પણ સહભાગી બન્યા છે અને સરકાર સૌના સાથવારે વિકાસની તરફ આગળ વધી રહી છે. જનપ્રતિનિધિઓ પણ કોઇ પણ પ્રકારના ભેદભાવ વિનાના સેવાકીય કાર્યો કરી જનવિશ્વાસ સંપાદિત કરી રહ્યા છે.
સાવલી ખાતે મહેન્દ્રભાઇ જશભાઇ ઇનામદાર ટ્રસ્ટ દ્વારા આયોજિત આઠમાં સર્વ જ્ઞાતીય સમુહલગ્ન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહભાગી બન્યા હતા અને આ સમારોહમાં જોડાયેલા ૭૫૧ નવયુગલોને આશીર્વચન પાઠવ્યા હતા. આ સમુહલગ્ન સમારોહનું સમગ્ર આયોજન ધારાસભ્ય શ્રી કેતનભાઇ ઇનામદાર અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવે છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, સમુહલગ્ન સમારોહ સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરૂ પાડે છે.
આ સમારોહ માં જ્ઞાતિ, જાતિના ભેદભાવ વિના નાગરિકો સહભાગી બને છે. તેમાંય ખાસ કરીને ગરીબ પરિવારની પોતાના પુત્ર કે પુત્રીના લગ્નની આર્થિક ચિંતા હળવી કરે છે. રાજ્ય સરકાર પણ આવા સમારોહને યથાયોગ્ય પ્રોત્સાહન આપી મદદ કરે છે.
શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા સાત ફેરા સમુહલગ્ન, કુંવરબાઇનું મામેરૂ અને આંતરજ્ઞાતીય લગ્નની યોજના દ્વારા સહાય આપવામાં આવે છે.
જેના કારણે ગરીબ પરિવારની ચિંતા હળવી થાય છે.
આંતરજ્ઞાતીય લગ્નોમાં સહાયની રકમ રૂ. એક લાખ થીવધારીને રૂ. અઢી લાખ કરવામાં આવી છે.
રાજ્ય સરકારે બટાટા અને ડુંગળીના પાકમાં થયેલા નુકસાનમાં સહાય માટે વડોદરા જિલ્લાના ખેડૂતોનો પણ સમાવેશ કરવાનો ઉદ્દાત નિર્ણય લીધો હોવાની માહિતી પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
સાંસદ શ્રી સી. આર. પાટીલે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા નારીશક્તિના હિતોની રક્ષા કરવામાં આવી રહી છે.
રાજ્યમાં મહિલાઓની સુરક્ષા શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારે સુનિશ્ચિત કરી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન થકી દીકરીઓના ભવિષ્યની ચિંતા કરી છે. દીકરી ભગવાનના આશીર્વાદ છે. દીકરી પોતાના પરિવારની નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે.
દીકરા અને દીકરી વચ્ચેના ભેદભાવ મિટાવવાની શીખ આપતા શ્રી પાટીલે સામાજિક સમતુલા જાળવી રાખવા માટે દીકરીનું મહાત્મ્ય ભાવાત્મક શબ્દોમાં વર્ણવ્યું હતું અને આ સમુહ લગ્ન સમારોહમાં સહભાગી થનારા નવદંપતિઓને ગર્ભ પરિક્ષણ ના કરાવવા સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું.
સાવલીના ધારાસભ્ય શ્રી કેતનભાઇ ઇનામદારે કહ્યું કે, મારા પિતાના જન્મ દિન નિમિત્તે મને નાગરિકોની સેવા કરવાની તક મળી છે. સાવલીના લોકોને મને ખૂબ જ સહયોગ, પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે, તે મારા માટે મૂડીરૂપ છે. તેમણે આ સમુહલગ્ન પ્રસંગની ટૂંકી ભૂમિકા પણ આપી હતી.
આભારવિધિ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે કરી હતી.
આ વેળાએ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, મુખ્ય દંડક શ્રી બાળુભાઇ શુક્લ, મેયર શ્રી નિલેશભાઇ રાઠોડ, ધારાસભ્ય શ્રી યોગેશભાઇ પટેલ, શ્રી મનિષાબેન વકીલ, શ્રી કેયુરભાઇ રોકડિયા, શ્રી જિતુભાઇ વાઘાણી, શ્રી કૌશિકભાઇ વેકરિયા, શ્રી અર્જુનસિંહ ચૌહાણ, શ્રી ચૈતન્યભાઇ દેસાઇ, અગ્રણી ભાર્ગવભાઇ ભટ્ટ, ડો. વિજયભાઇ શાહ સહિત ઇનામદાર પરિવાર, વરિષ્ઠ અધિકારીઓ, સૌ ઉપસ્થિત રહ્યા હતા.