મહામાનવ સર છોટૂરામના સમાજસેવાના ઉપકારોને ક્યારેય ભૂલી નહિ શકાય : રાજ્યપાલશ્રી
પ્રાકૃતિક ખેતી માનવજાત માટે કલ્યાણકારી છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાનું અભિયાન દેશમાં એક ક્રાંતિ તરીકે ઊભરી રહ્યું છે : રાજ્યપાલશ્રી
25-11
કચ્છના અબડાસા તાલુકાના કોઠારા ગામે આજે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સર છોટૂરામ જન્મજયંતિ પ્રસંગે શ્રી જાટ સમાજ વિકાસ પરિષદ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રાકૃતિક ખેતી જાગૃતિ શિબિરમાં સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રસન્નતા સાથે જણાવ્યું હતું કે, જાટ સમાજે પોતાના સાંસ્કૃતિક મૂલ્યોને ટકાવી રાખીને કચ્છ જેવા સરહદી જિલ્લામાં ખેતીની પ્રગતિ સાથે બોર્ડરની સુરક્ષા પણ સંભાળી છે. રાજ્યપાલશ્રીએ કોઠારા ખાતે સર છોટૂરામના સમાજસેવાના કાર્યોને બિરદાવીને તેમની જન્મજયંતિ નિમિત્તે વંદન કર્યા હતા. સર છોટૂરામનું જીવન કેવા સંઘર્ષ સાથે વિત્યું તે અંગેના પ્રસંગોથી રાજ્યપાલશ્રીએ સૌને અવગત કરાવ્યા હતા. દમનકારી અંગ્રેજી શાસનમાં સર છોટૂરામે ખેડૂતોની વેદના સમજીને માનવતાવાદી બદલાવ લાવવા માટે રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. અનેક દમનકારી અંગ્રેજી કાયદાઓમાં ફેરફાર કરાવીને માનવીય અભિગમ સાથે સર છોટૂરામે સમાજસેવાના કાર્યો કર્યા હતા. અધિકારો મેળવવા સ્વાભિમાની, સંગઠિત બનવા માટે સર છોટૂરામે હાકલ કરી હતી. મહામાનવ સ્વરૂપે સર છોટૂરામના ઉપકારોને સમાજ ક્યારેય ભૂલી નહીં શકે તેમ રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું. ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલા સર છોટૂરામે સમાજના ઉદ્ધાર માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું.
કચ્છમાં આવીને સ્થાયી થયેલા જાટ સમાજને બિરદાવીને રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આ સમાજે કચ્છની ધરતીને માતૃભૂમિ બનાવીને ગૌરવાન્વિત કરી છે. રાજ્યપાલશ્રીએ સમાજના લોકોને પોતાના બાળકોને શિક્ષિત બનાવવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ સૌને વ્યસનમુક્ત બનવા, સંગઠિત રહેવા અને એકબીજાના વિકાસમાં સહભાગી થવા આહવાન કર્યું હતું. રાજ્યપાલશ્રીએ કોઠારા જાટ ધર્મશાલાના વિકાસ માટે રૂ. ૫ લાખના આર્થિક યોગદાનની જાહેરાત કરી હતી.
પ્રાકૃતિક ખેતી જાગૃતિ શિબિર નિમિત્તે રાજ્યપાલશ્રીએ સૌને પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક ખેતી કરવાથી ખેત ઉત્પાદનમાં ઘટાડો અને આર્થિક નુકસાનીની પરિસ્થિતિ ઊભી થાય છે, આ બાબતને રાજ્યપાલશ્રીએ ગેરમાન્યતા ગણાવી હતી. ગાય આધારિત ખેતી કરવા માટે રાજ્યપાલશ્રીએ વૈજ્ઞાનિક પુરાવાઓ સાથે માર્ગદર્શન આપ્યું હતું. પ્રાકૃતિક કૃષિ થકી જમીનનાં પોષક તત્ત્વો પણ જમીનમાં જ જળવાઈ રહે છે. પ્રાકૃતિક ખેતી માનવજાત માટે કલ્યાણકારી છે.
પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં ૩૦૦ કરોડ સુક્ષ્મ જીવાણું હોય છે. ગાયના ગોબર અને ગોમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે પહેલા વર્ષથી જ ૧૦૦ ટકા ઉત્પાદન મળે છે. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાનું અભિયાન દેશમાં એક ક્રાંતિ તરીકે ઊભરી રહ્યું છે. વધુમાં ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ ઘટી જવાથી તેમની આવકમાં પણ વધારો થાય છે. રાજ્યપાલશ્રીએ અળસિયા આધારિત કુદરતી ખાતર બનાવવાની રીત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન વિશે પણ વિગતવાર સમજણ આપી હતી. રાજ્યપાલશ્રીએ આનંદ સાથે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પોણા નવ લાખ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે.
રાજ્યપાલશ્રીના કચ્છ આગમન સમયે અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.કે. પ્રજાપતિ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડિયા, નલીયા એરફોર્સના ગ્રૂપ કેપ્ટનશ્રી સરતાજ સહેગલ, સામાજિક આગેવાન શ્રી રામપાલ ચંદુએ આવકાર આપીને સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમ નિમિત્તે પ્રાસંગિક ઉદ્બોધન કરીને શ્રી બલવંતસિંઘ ચૌધરીએ સર છોટૂરામના સમાજસેવાના કાર્યો વિશે સૌને અવગત કરાવ્યા હતા. ગુરુદ્વારા કચ્છ કમિટી, શ્રી જાટ સમાજ વિકાસ પરિષદ ટ્રસ્ટ અને સામાજિક આગેવાનોએ રાજ્યપાલશ્રીને મંચ પર આવકારીને તેમનું કચ્છની ધરા ઉપર સ્વાગત કર્યું હતું. આત્મા દ્વારા પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મળે તે માટે પાંચ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા.